ગીર સોમનાથ જિલ્લામાં રિન્યૂએબલ એનર્જી, ફિશ પ્રોસેસિંગ, મેંગો પલ્પ, કોલ્ડ સ્ટોરેજ જેવા ક્ષેત્રમાં ૧૫૧૯.૭૧ કરોડના MOU

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

      વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપ હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સમગ્ર દેશનું ગ્રોથ એન્જિન બને અને વેપાર અને ઉદ્યોગક્ષેત્રે ગીર સોમનાથ જિલ્લો પણ પોતાનો સિંહફાળો નોંધાવી આગેકૂચ કરતા ગુજરાતના અર્થતંત્રમાં પોતાની ભાગીદારી વધારે એવા શુભહેતુસર આસોપાલવ લૉન્સ ખાતે ‘વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ ગીર સોમનાથ’ ઈવેન્ટ યોજાઈ હતી. જેમાં રિન્યૂએબલ એનર્જી, ફિશ પ્રોસેસિંગ, મેંગો પલ્પ, ફિશ કોલ્ડ સ્ટોરેજ જેવા ક્ષેત્રમાં કુલ ૧૨ કંપનીઓએ ૧૫૧૯.૭૧ કરોડના MOU કર્યા હતાં.

      સૌ પ્રથમ મિલેટ્સ બૂકેથી મહેમાનોનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલેએ વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ ગીર સોમનાથ કાર્યક્રમથી ઉપસ્થિત તમામને માહિતગાર કર્યા હતાં. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મૂછારે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે,’ ગીર સોમનાથને પ્રાકૃતિક દ્રષ્ટિએ આશીર્વાદરૂપ ભૂમિ મળી છે. દરિયાકિનારો મળ્યો છે જ્યાં નારિયેળીનું ઉત્પાદન ખૂબ થાય છે અને નાનામોટા મળી આશરે ૧૨૦ જેટલા ફિશ એકમો પણ છે. જે પ્રોસેસિંગ યુનિટથી સારી કમાણી કરી રહ્યા છે. અહીંની ફિશ પ્રોડક્ટ જાપાન, જર્મની, તાઈવાન વગેરે જગ્યાએ વિદેશમાં એક્સપોર્ટ થાય છે. અહીંની ભૂમિમાં વાઈબ્રન્ટ ગીર સોમનાથનું આયોજન નાના-મોટા ઉદ્યોગોને વેગ આપતું સાબિત થશે. જ્યારે સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની વાત કરવામાં આવે તો ગામડાઓમાં ૨૪ કલાક વીજળી મળવાથી નાના ઉદ્યોગકારોના જીવનમાં પણ પરિવર્તન આવ્યું છે. પહેલા નાનો ઉદ્યોગ સ્થાપવો હોય તો પણ ઘણી જ પળોજણ રહેતી હતી પરંતુ હવે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પણ સુવિધાઓ વધતા અને તત્કાલ કાર્યશૈલીથી ઉદ્યોગો સ્થાપવાનું પણ સરળ થયું છે. ઉદ્યોગ સાહસિકતાને આમંત્રણ આપી સરકારના પ્રયાસ થકી ગીર સોમનાથ જિલ્લો વધુ પ્રગતિના શિખરો સર કરે તેવી તમામ ઉદ્યોગકારોને શુભકામનાઓ’.

     ‘વાઈબ્રન્ટ ગીર સોમનાથ’ કાર્યક્રમમાં સોલારક્રાફ્ટ પાવર ઈન્ડિયા પ્રા.લી, મિનાઝ એક્સપોર્ટ્સ, રૂચિલ એગ્રો ફૂડ પ્રોડક્ટ્સ સહિતની કુલ ૧૨ જેટલી વિવિધ કંપનીઓ થકી રિન્યૂએબલ એનર્જી, ફિશ પ્રોસેસિંગ, મેંગો પલ્પ, કોલ્ડ સ્ટોરેજ જેવા ક્ષેત્રમાં ૧૫૧૯.૭૧ કરોડના MOU થયા હતા. આ કંપનીઓના રોકાણ થકી આશરે ૭૦૦થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ અપેક્ષિત રોજગારીની તકો પણ ઊભી થશે. આ ઉપરાંત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા માનવકલ્યાણ યોજનાના લાભાર્થીઓને કિટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ તકે તમામ મહાનુભાવોએ હાથશાળ, બાગાયત, ઉદ્યોગ, ખેતિવાડી, એસબીઆઈ સહિત ૨૫ જેટલા વિવિધ સ્ટોલની મુલાકાત લઈ વેપાર ઉદ્યોગને લગતી ગતિવિધિઓ તેમજ કૃષિ, ફિશરિઝ સહિત અન્ય ક્ષેત્રમાં રહેલી અપાર તકોને નજીકથી જાણી હતી અને ગીર સોમનાથની વૈવિધ્યતા ધરાવતી વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ્સનું નિરિક્ષણ કર્યુ હતું.

આ કાર્યક્રમમાં પી.એમ.વિશ્વકર્મા યોજનાને અંતર્ગત માર્ગદર્શન, ડિહાઈડ્રેશન એન્ડ પ્રિઝર્વેશન એક્સપર્ટ સેમિનાર, પ્રશ્નોત્તરી અને માર્ગદર્શન, આંત્રપ્રિન્યોરશિપ અવેરનેસ સેમિનાર, લીડ બેંક મેનેજરશ્રી ભરતભાઈ વાણિયા દ્વારા MSME બેન્કિંગ પ્રોડક્ટ, નાબાર્ડ મેનેજર કિરણ રાઉત દ્વારા વિવિધ સ્કિમની સમજૂતી તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા બાયર-સેલર મીટ અને અમલિકૃત ઉદ્યોગ શાખાની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ તકે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જનરલ મેનેજર પી.બી.પટેલ, પ્રાંત અધિકારી કે.વી.બાટી અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયા, માનસિંહભાઈ પરમાર સહિત સી ફૂડ એક્સપોર્ટ એસોસિએશનના જગદિશભાઈ ફોફંડી, લખમભાઈ ભેંસલા, પિયૂષભાઈ ફોફંડી, હરદાસભાઈ સોલંકી, ઈસ્માઈલભાઈ, પ્રભુદાસ ગોહેલ સહિત ઔધોગિક એકમોના વિવિધ એશોશિયેશનના હોદ્દેદારો તેમજ ઈન્ડિયન રેયોન, જીએચસીએલ સહિત કંપનીના પ્રતિનિધિઓ અને અમલીકરણ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

વેરાવળ બંદર ફિશિંગ ક્ષેત્રે લાખો લોકોને રોજગારી પૂરી પાડી રહ્યું છે ત્યારે સી ફૂડ એક્સપોર્ટ એસોશિએશનના જગદિશભાઈ ફોફંડીએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથને વિશાળ દરિયાકિનારો મળ્યો છે અને વેરાવળમાંથી સમગ્ર વિશ્વમાં ફિશ એક્સપોર્ટ થાય છે. આ ઉદ્યોગમાં વેલ્યૂ એડિશનમાં પણ ઘણો સ્કોપ રહેલો છે. ઉપરાંત કેસર કેરી પણ આ જિલ્લાની ઓળખ છે ત્યારે ‘વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ ગીર સોમનાથ’ જેવા કાર્યક્રમ થકી નાનાથી મોટા ઉદ્યોગને ઘણો જ લાભ થશે. આમ જણાવી તેમણે જિલ્લામાં રહેલી અપાર તકો ઓળખી તમામ ઉદ્યોગોને તેનો લાભ લેવા અપીલ કરી હતી.

Related posts

Leave a Comment