આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમારના અધ્યક્ષસ્થાને યોજાઈ 

હિન્દ ન્યુઝ, આણંદ

આણંદ ખાતે શનિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત”ના સૂત્રને સાર્થક બનાવતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સમગ્ર રાજ્યમાં ૭૪ મા વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષ ૧૯૫૦ માં કનૈયાલાલ મુનશી દ્વારા જેની શરૂઆત થઈ હતી તે વન મહોત્સવનો ૭૪માં વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે. ગજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વન મહોત્સવની ઉજવણીના અનોખા લોકોત્સવને રાજયના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક દ્રષ્ટિએ અગત્યતા ધરાવતા જુદા જુદા સ્થળોએ ઉજવવાની શરૂઆત કરીને વન મહોત્સવની ઉજવણીની અગત્યતા સમજાવી છે. ૭૪મા વનમહોત્સવની ઉજવણી અંતર્ગત આણંદ જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમારના અધ્યક્ષસ્થાને પેટલાદ તાલુકાની આર.કે.પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે જિલ્લા કક્ષાના વનમહોત્સ્વની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમારે પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં વર્તમાન સમયમાં માણસના આરોગ્ય માટે વૃક્ષો કેટલા ઉપયોગી અને મહત્વપૂર્ણ છે તે વિશે વાત કરતા વનોના સંરક્ષણનું મહત્વ સમજાવતા પર્યાવરણના જતન માટે વધુ પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર-ઉછેર અને જતન કરીને હરિયાળા ગુજરાતના સંકલ્પને સાકાર કરવાનો અનુરોધ કર્યો હતો.

સાંસદ મિતેષભાઇ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા પર્યાવરણને બચાવવા “ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત” સૂત્ર આપીને તેમજ વિવિધ પ્રયાસો થકી પર્યાવરણ સંરક્ષણમાં લોકોને સહભાગી થાય તે માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વિવિધ ક્ષેત્રે દેશના હિત માટે કરવામાં આવી રહેલ કામગીરી વિશે માહિતી આપી વન મહોત્સવની ઉજવણીમાંથી જ આજે એક-એક વૃક્ષના વાવેતર, ઉછેર અને જતન કરવાની જવાબદારી જાતે સ્વીકારી લેવા પ્રેરક સૂચન કર્યુ હતું.

પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલે કોરોના મહામારીએ આપણને ઓકિસજનનું મહત્વ સમજાવ્યું છે, ત્યારે તેમાંથી શીખ લઇને આપણે વૃક્ષોનું મહત્વ સમજીએ અને વધુને વધુ વૃક્ષોનું વાવેતર-ઉછેર તથા જતન કરીને ધરતીને વનોથી શણગારી દઈએ જેથી ભાવિ પેઢીને સુંદર અને સ્વચ્છ પર્યાવરણ મળી શકે તેમ જણાવ્યુ હતું.તે સાથે જ તેમણે આર.કે.પરીખ આર્ટસ કોલેજના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકગણ અને નગરજનોને વન મહોત્સવ ઉજવણીના કાર્યક્રમમાં સહભાગી થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

આ કાર્યક્રમમાં વન સંરક્ષક(મોનીટરીંગ, ગાંધીનગર) મુકેશકુમાર એ માનવજીવનના નિર્વાહ માટે ખોરાક, પાણી અને હવા અતિ જરૂરી છે પણ હવા એટલે કે ઓક્સિજન વગરના જીવનની કલ્પના પણ શક્ય નથી તેમ જણાવી ઓક્સિજન એટલે કે જીવન આપતા વૃક્ષોના સંરક્ષણ માટે આપણે સૌએ કટિબદ્ધ રહેવું જોઈએ. તેમણે વધુમાં બદલાતા વાતાવરણના વર્તમાન સમયમાં વૃક્ષોના મહત્વના યોગદાનને વર્ણવીને વૃક્ષો-વનો ના જતન માટે કરવામાં આવી રહેલા સરકારના વિવિધ કાર્યોની સરાહના કરી હતી.

જિલ્લા કક્ષાના ૭૪મા વન મહોત્સવની ઉજવણી શરૂઆતમાં આણંદ જિલ્લાના નાયબ વન સંરક્ષક રવિરાજસિંહ રાઠોડે સૌનો આવકાર કર્યો હતો. તેમજ ડી.એન.ડાભીએ આભારદર્શન કર્યુ હતુ. કાર્યક્રમના આરંભમાં કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થનાગીત રજૂ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં નર્સરી ઉછેર માટે સરકાર તરફ્થી આપવામા આવતી સહાય હેઠળના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. વન વિભાગના ઓફિસર્સને વિશિષ્ટ કામગીરિ અને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે કોલેજના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યા બાદ વિવિધ છોડથી સુસજ્જ તરુરથને પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે પેટલાદના પ્રાંત અધિકારી પી.આર.જાની, ડી.વાય.એસ.પી.પી.કે.દિયોરા, પેટલાદ નગરપાલિકા પ્રમુખ, સોજિત્રા નગરપાલિકા અને તાલુકા પંચાયતના પ્રમુખ, અગ્રણી સર્વ રાજેશ પટેલ, રણજિતસિંહ ચૌહાણ આર.કે.પરીખ કોલેજના આચાર્ય, વનીકરણ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, સરકારી યોજનાના લાભાર્થીઓ, કોલેજના શિક્ષકો, એન.સી.સી.ના કેડેટસ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આણંદ બ્યુરો ચીફ : ભાવેશ સોની

Related posts

Leave a Comment