આણંદ ટાઉનહોલ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, આણંદ

આણંદ ખાતે શુક્રવારે મહિલા સશક્તિકરણ વિના વિકાસની પરિભાષા અધુરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે મહિલાઓને સ્વાવલંબી બનાવવા ઉપર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. મહિલાઓ માટે સમાન પગારધોરણનો કાયદો, સ્ટેન્ડ અપ ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ મહિલા ઉદ્યોગ સાહસિકોને લોન, નેશનલ રૂરલ લાઇવલીહૂડ મિશન હેઠળ સખી મંડળો માટે લોન સહાય, મહિલા આર્થિક વિકાસ નિગમની સ્થાપના, મિશન મંગલમ યોજનાનું અમલીકરણ, મહિલા રોજગાર મેળાઓનું આયોજન, ગરીબ કલ્યાણ મેળા જેવા મહિલાઓના હિતને ધ્યાને લઈ અમલી બનાવાયેલી યોજનાઓના પરિણામે ગુજરાતની મહિલાઓ રોજગારી-સ્વરોજગારી મેળવી આર્થિક રીતે પગભર બની છે અને પોતાની સાથે પરિવારનું પણ ગૌરવ વધારી રહી છે.

સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલા “નારી વંદન ઉત્સવ” સપ્તાહના ત્રીજા દિવસે આણંદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા આણંદના ધિરજલાલ.જે.શાહ ટાઉનહોલ ખાતે મહિલા સ્વાવલંબન દિન અન્વયે મહિલાઓ માટે ખાસ રોજગાર ભરતી મેળો તથા સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફીસર ડૉ.પુર્વીબેન નાયકે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહિલાઓને દીકરીઓના સર્વાંગી વિકાસનું મહત્વ સમજાવી તે વિશે માહિતી આપી હતી. તેમજ દીકરીઓને આર્થિક સ્વતંત્રતા વિશે સમજાવી તેઓ ભવિષ્યમાં પગભર થઈને સમાજના વિકાસમાં પોતાની ભાગીદારીમાં વધારો કરે તે માટે પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવ્યુ હતું.  જિલ્લા રોજગાર અધિકારી સી.બી.ચૌધરી દ્વારા અનુબંધમ પોર્ટલ અંગે જાણકારી આપીને કાર્યક્રમમાં હાજર નોકરીદાતા કંપનીઓનો પરિચય આપવામાં આવ્યો હતો. મહિલાઓને આર્થિક રીતે પગભર થવા માટે સહાયરૂપ એવી રોજગારલક્ષી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.કેરિયર કાઉન્સેલર ચેતનભાઈ મહેતા દ્વારા રોજગારલક્ષી વિવિધ ટ્રેડ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મહિલા સાહસિકોને સન્માનપત્ર આપીને તેમનું સન્માન કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમમાં મહિલા સ્વાવલંબન દિનની થીમ પર નાટક રજૂ કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમમાં આવેલી મહિલાઓને વિવિધ નોકરીદાતા કંપનીઓ સમક્ષ નોંધણી કરાવીને ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા અને સ્થળ પર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર, જાગૃત મહિલા સંગઠન પ્રમુખ આશાબેન દલાલ, ઉમ્મીદ વિકલાંગ વિકાસ ટ્રસ્ટના ચેરપર્સન યાશુબેન વાઘેલા, આઈ.ટી.આઈ નોડલ પ્રિન્સીપાલ એમ.પી પટેલ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના એસ.એમ.ગોહિલ અને ઈન્ડ્રસ્ટ્રીયલ પ્રમોશનલ ઓફિસર વિરેલ જોષી, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર, ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન, ”સખી”  વન સ્ટોપ સેન્ટર, શક્તિ સદન, વિવિધલક્ષી મહિલા ક્લ્યાણ કેન્દ્ર, આઈ.સી.ડી.એસ.ની કચેરી, જિલ્લા રોજગાર કચેરી તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી સહિત ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમપાવરમેન્ટ ઓફ વુમન(DHEW)ના કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં રોજગારવાચ્છું બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment