ટી.બી જેવા અસાધ્ય રોગ સામેની લડત માટે સરકાર અને આરોગ્ય સંસ્થાઓના સરાહનીય પ્રયાસો

હિન્દ ન્યુઝ, સુરત 

             દર વર્ષે તા.૨૪મી માર્ચ વિશ્વ ટી.બી.દિવસની ઉજવણી કરવામાં આવે છે. ટી.બી જેવા અસાધ્ય રોગ સામેની લડત માટે સરકાર અને આરોગ્ય સંસ્થા સંપુર્ણ રીતે કટિબદ્ધ છે. ઇ.સ. ૧૮૮૨ના વર્ષમાં આજના દિવસે ડો. રોબર્ટ કોચ નામના તબીબે સૌ પ્રથમ ક્ષય અર્થાત ટી.બી. રોગનાં જંતુઓ શોધવામાં આવ્યા હતા. એમની યાદમાં દર વર્ષે આ દિવસે ક્ષય નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સાયલન્ટ કિલર તરીકે ઓળખાતા આ રોગને નાબૂદ કરવા માટે સમગ્ર વિશ્વમાં જાગૃતિ ફેલાવવા દર વર્ષે ૨૪ માર્ચે વિશ્વ ક્ષય (ટીબી) દિવસ ઉજવવામાં આવે છે. દેશને ટીબી રોગથી મુકત કરવા માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ટીબી મુકત અભિયાન શરૂ કર્યું છે તેનું લક્ષ્ય ભારતને ૨૦૨૫માં સંપૂર્ણ પણે ટીબી મુકત બનાવવાનું છે. વર્ષ-૨૦૨૩ માટે ભારત સરકારે ટીબી મુકત બનાવવા માટેની થીમ ‘‘હા આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ…’’થીમ ટીબી નાબુદી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અંતર્ગત સરકારે નિ-ક્ષય પોષણ યોજના શરૂ કરી છે. જે અંતર્ગત ટી.બી.ના દર્દીઓને દર મહિને રૂા.૫૦૦ તેમના ખાતામાં સીધા જમા કરવામાં આવે છે. સુરત જિલ્લા ક્ષય અધિકારી ડો. દિનેશ વસાવાએ જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૧૫૮૪૬ ટીબીના દર્દીઓ નોંધાયા છે. જેમાં ૨૦૧૭માં ૩૧૪૮ દર્દીઓ, ૨૦૧૮માં ૩૫૮૯ દર્દીઓ, ૨૦૧૯માં ૩૫૦૩ દર્દીઓ, ૨૦૨૦માં ૨૪૯૩ દર્દીઓ, ૨૦૨૧માં ૩૧૧૩ દર્દીઓ મળી કુલ ૧૫,૮૪૬ દર્દી ટીબીની બિમારીમાં નોંધાયા હતા. પરંતુ સમયસર અને નિયમિત સારવાર લઈ વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૧ દરમિયાન ૧૩૮૪૫ દર્દી સંપૂર્ણ સાજા થઈ તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે. આમ દર્દીઓના સાજા થવાનો સરેરાશ રેશિયો ૮૮ ટકા ઉપર રહ્યો છે. ટીબીને નાબૂદ કરવા માટે રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અને નિક્ષય પોષણ યોજના કારગત નીવડી છે. જે અંતર્ગત જિલ્લામાં સામાજીક સંસ્થાઓ, વ્યકિતઓ, એન.જી.ઓ દ્વારા ક્ષય ગ્રસ્ત દર્દીઓને દત્તક લઈને પોષણ કિટ્સ આપવામાં આવે છે જેને નિક્ષય મિત્ર તરીકે ઓળખવામાં આવે છે. જેમાં સુરત જિલ્લામાં ૭૫૬ દર્દીઓને નિક્ષય મિત્ર તરફથી છ મહિના સુધી ધઉ, ચોખા, કઠોળ જેવા પોષ્ટ્રીક સાથેની પોષણ કિટસ આપવામાં આવે છે. પહેલા ટીબીના રોગને ગંભીર રોગ ગણાતો હતો. પરંતુ આજે ટીબીનું નિદાન સરળતાથી થઇ રહ્યું છે. અનેક દર્દીઓ સારવાર કરીને ટી.બી મુક્ત થયા છે. સુરત જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમો, રેલી યોજી તથા ડોર ટુ ડોર સંપર્ક કરી લોકોમાં ટી.બીના રોગ વિશેની જાગૃતા ફેલાવી રહ્યા છે. મુખ્યત્વે ટી.બી. સીગારેટ, તમાકુ સહિતના વધુ પડતા સેવનથી આ રોગ થતો જોવા મળે છે. ટી.બી. (માઇક્રોબેક્ટેરિયલ સુબરક્લોસીસ) નામના બેક્ટરીયાથી ફેલાઇ છે. જે સામાન્ય રીતે ફેફસા પર અસર કરે છે. જેને પલ્મોનરી ટી.બી. કહે છે. પરંતુ આ રોગ શરીરના કોઇપણ ભાગમાં અસર કરી શકે છે. અને ફેફસા સિવાય કોઇપણ અંગના ટી.બી. ને એકસ્ટ્રા પલ્મોનરી ટી.બી. કહે છે. ગ્રામ્ય વિસ્તારમાં ટીબીના દર્દીઓની દેખરેખ આશાવર્કર બહેનો કરી રહી છે.

ટી.બી.ની સારવાર લઇ રહેલા પેશન્ટને સરકાર દ્વારા પોષણ યુક્ત આહાર મળી રહે તે માટે રૂા.૫૦૦ માસીક સહાય પણ ચુકવવામાં આવે છે. ટી.બી.ની બિમારીમાં સૌથી મોટુ લક્ષણ ઉધરસ છે. પરંતુ મોટા ભાગે લોકો સામાન્ય ઉધરસ સમજીને અવગણના કરે છે. પરંતુ સતત ૨ અઠવાડિયા કે વધુ સમય સુધી ઉધરસ આવવાની સમસ્યા હોય અથવા સાંજના સમયે ઓછા તાપમાનથી તાવ આવવો, ભુખ ઓછી લાગવી, વજનમાં ઘટાડો થતો હોય, રાત્રે સુતા સમયે પરસેવો થતો હોય તો નજીકના સરકારી દવાખાને તપાસ કરાવી ડોક્ટરની સલાહ મુજબ સારવાર લેવી ખુબ જરૂરી છે. દર્દીના ગળફાની તપાસમાંથી ટી.બી.નું નિદાન થાય છે. જે નજીકના અર્બન સેન્ટર કે કોઇપણ સરકારી દવાખાને વિનામુલ્યે કરવામાં આવે છે. રાજય સરકાર દ્વારા ૨૦૨૫ના વર્ષ સુધીમાં ટીબીના રોગને નાબુદ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સુરત જિલ્લામાં ટીબીના કેસ શોધવા માટે ખાસ સર્વે શરૂ કરવામાં આવ્યો છે. ટી.બી. રોગના લક્ષણો ગળફા સાથે ખાંસી હોવી, છાતીનો દુખાવો થવો, ગળફામાં લોહી આવવું, શરીરનું તાપમાન વધવું, વજન ઘટવું, ભૂખ ન લાગવી વગેરે વિશે આશા બહેનો તથા આરોગ્‍ય કર્મચારીઓ દ્વારા પુછપરછ અને તપાસ કરવામાં આવે છે. ટી.બી.નો કોર્સ અધુરો મુકવાથી ટી.બી. ફરી ઉથલો મારે છે અને પછી એની સારવાર કરવી ખુબ મુશ્કેલ અને ખર્ચાળ બની જાય છે.

Related posts

Leave a Comment