સરકારની મિશન મંગલમ યોજનાથી ગ્રામ્ય મહિલાઓની જિંદગી બની મંગલમય

હિન્દ ન્યુઝ, ભુજ

ગુજરાતમાં વર્તમાન સમયમાં અનેક મહિલાઓ પોતાના સ્ટાટઅર્પ શરૂ કરીને સફળ બિઝનેસવૂમન બની ચુકી છે. આ રેસમાં ગુજરાતની અનેક શિક્ષિત મહિલાઓ જરૂર મોખરે હશે પરંતુ આજે વાત કરવી છે, કચ્છની સરહદની ગ્રામ્ય મહિલાઓની કે જેણે સાક્ષ્રરતાના અભાવને નબળાઇ ગણવાના બદલે પોતાની કોઠાસૂઝ અને બુધ્ધિચાતુર્યને હથિયાર બનાવ્યું અને શરૂ કર્યું પોતાનું સ્ટાર્ટઅપ.  આ સ્ટાર્ટઅપના કારણે એક સમયે પશુપાલન કરતી આ ગ્રામ્ય મહિલાઓ સફળ બિઝનેસવૂમન બની નારી શક્તિનો પર્યાય બની ચુકી છે

આજના સમયમાં મહિલા સશક્ત બને અને સ્વ વિકાસ સાથે પરીવારનો પણ મજબુત આધાર બને તે સમયની માંગ છે. ગુજરાત સરકાર આ દિશામાં વિવિધ યોજનાઓની મદદથી મહિલાઓને નાણાકીય મદદ, તાલીમ તથા માર્કેટીંગ માટે પ્લેટફોર્મ આપી રહી છે. સરકારના આ અથાગ પ્રયાસોના કારણે ગ્રામ્ય મહિલાઓના જીવનમાં નવા રંગ ઉમેરાયા છે. મહિલાઓ ન માત્ર પોતાના પગભર ઉભી થઇ છે પરંતુ ગામડામાં રોજગારીનું સર્જન કરીને અનેક પરીવારો માટે આવકનું માધ્યમ બની છે.

આવું જ કાર્ય અબડાસા તાલુકાના બાલાપર ગામના મહિલાઓ દ્વારા થઇ રહ્યું છે. ૧૦ મહિલાશક્તિ મળીને અનોખું સાહસ કરી બતાવ્યું છે.

સરહદી અબડાસા તાલુકો કે જેની ૯૦% જેટલી વસ્તી ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. આ પ્રદેશમાં દર વર્ષે લીલા ચારાની અછત રહેતી હોય છે, આવા સમયે અહીંના પશુધારકોને પશુઆહાર માટે અન્ય પ્રદેશ પર આધારિત રહેવું પડે છે. ત્યારે આનો ઉકેલ લાવવા માટે તથા સ્થાનિકે જ પશુ આહાર સારી ગુણવતાનો તેમજ વ્યાજબી કિંમતે મળી રહે તે હેતુ બાલાસર ગામની મહિલાઓએ આપદામાંથી અવસર ઉભો કરીને પશુ માટે ખાણ દાણ યુનિટ  શરૂ કર્યું છે.

૧૦ સભ્યો ધરાવતા સખી મંડળના બહેનોએ  રાજય સરકારની મિશન મંગલમ યોજનામાંથી ફંડ પ્રાપ્ત કરીને ICICI આઈ. સી.આઈ.સી .આઈ ફાઉન્ડેશન સાથે સંકલન કરીને પશુ માટેનો આહાર કઇ રીતે બનાવવો તેની તાલીમ મેળવી હતી.

આ તાલીમમાં વિવિધ અનાજના પ્રમાણ તેમજ ગાય માટે એવું ટોનિક તૈયાર કરવું જેનાથી દૂધની સારી ગુણવતા મળે તથા આરોગ્ય માટે પણ ઉપયોગી થાય . આ ઉપરાંત્ અનાજનું મિશ્રણ કેમ કરવું તેની તાલીમ આપવામાં આવી હતી. આઈ. સી.આઈ.સી. આઈ  ફાઉન્ડેશન દ્વારા કાચામાલ મેળવવા બહેનોને સીધો જ સંપર્ક કરાવવા સાથે અંદાજે રૂ.  ૪ લાખ નું ખાણ દાણ  ક્રશર એન્ડ મિક્ષચર મશીન પણ સખી મંડળને આપવામાં આવ્યું છે.

છેલ્લા ૩ માસથી બાલાપર સખી મંડળે પોતાના મિશન મંગલમ અંતર્ગત મળેલા ફંડ માંથી ખાણ દાણ એક્મ માટે ગોડાઉન અને કાચામાલની ખરીદી કરી તેમાંથી પશુ આહાર બનાવવાનું શરૂ કર્યું છે.

સખી મંડળના પ્રમુખ કુલસુમબેન અયુબ હિંગોરજા જણાવે છે કે,  અગાઉ બધી બહેનો ઘરમાં જ પશુપાલનનું કામ કરતી હતી. ખાસ આવક ન હોવાથી મહિલાઓ માટે પરીવારનું ગુજરાન ચલાવવું વધુ મુશ્કેલ બનતું હતું. પરંતુ સરકારની સહાય અને ફાઉન્ડેશનની મદદથી અમે અમારો ખુદનો બિઝનેશ ઉભો કર્યો છે. જેના માલિક અમે ખુદ છીએ. જાતે જ મહેનત કરીને કમાણી કરીને પરીવાર માટે અનિવાર્ય આવક મેળવી રહ્યા છીએ. દર માસે ૪૦૦થી વધુ ખાણદાણની બેગનું વેંચાણ થઇ રહ્યું છે. હજુ તો શરૂઆત છે ત્યારે અમને આશા છે કે, ભવિષ્યમાં અમારો બિઝનેસ વધુ વિશાળ બનશે.

અત્યાર સુધીમાં બહેનો દ્વારા ૧૦૦૦ બેગનું વેચાણ કરવામાં આવ્યું છે જેની કિંમત રૂ ૭ લાખ સુધીની થાય છે.

આમ, સરકારની આ કલ્યાણકારી યોજના અબડાસા તાલુકામાં પશુ ધારકો તથા મહિલાઓ માટે ખરેખર આશીર્વાદ રૂપ બની છે . મહિલાના આર્થિક વિકાસ માટે બાલાપર ગ્રામ્ય સખી સંઘે મહિલા સશક્તીકરણ અને મહિલા સંગઠનનું ઉતમ ઉદાહરણ પુરુ પાડ્યું છે.

Related posts

Leave a Comment