ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિમાં ‘લોન-ધિરાણ’ કાર્યક્રમ અંતર્ગત યોજાયો ‘લોક દરબાર’

હિન્દ ન્યુઝ, રાજપીપલા

     નર્મદા જિલ્લામાં નાણાં ધીરધારનો ધંધો ડાઘમુક્ત બને, અને ગેરકાયદે વ્યાજે નાણાં આપતાં લોકો પર લગામ લગાવી એક આદર્શ સમાજના નિર્માણ માટે રાજપીપલા સરદાર ટાઉનહોલ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિ, અને અધ્યક્ષતામાં ‘લોન-ધિરાણ’ કાર્યક્રમ અંતર્ગત નગરજનોની દબદબાભેર ભાગીદારી વચ્ચે ‘મેગા લોકસંવાદ’ યોજાયો હતો.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સમાજના દરેક વર્ગના સર્વાંગી વિકાસની સાથે સુરક્ષાની ચિંતા કરીને, વ્યાજખોરો સામે કાર્યવાહી કરીને, વ્યાજખોરી જેવા સામાજિક દૂષણનો અંત લાવવા પોલીસના જવાનો ખડેપગે કામ કરી રહ્યાં છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરકારશ્રીની જનસામાન્ય માટેની સ્વનિધિ કે મુદ્રા યોજનાના લાભોથી વાકેફ કરતા ગૃહ રાજ્યમંત્રીએ, એક આદર્શ સમાજના નિર્માણમાં પોલીસતંત્રની ભૂમિકા મહત્વપૂર્ણ ગણાવી હતી.

પોલીસ વિભાગ સમાજની સેવા, સુરક્ષા અને શાંતિના ધ્યેયમંત્રને ચરિતાર્થ કરી રહી છે. પોલીસ અને પ્રજા વચ્ચે આત્મિયતા કેળવાય તે હેતુથી પોલીસતંત્ર શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે. પરંતુ ગુનેગારો સામે પોલીસનું વલણ કડક જ રહેશે તેમ હર્ષ સંઘવીએ ઉમેર્યુ હતુ.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ યોજનાકીય લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતાં. જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા, અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના નેતૃત્વ હેઠળ પોલીસતંત્ર જિલ્લાને વ્યાજ ખોરી મુક્ત બનાવવા વિશેષ મેગા ડ્રાઇવ હાથ ધરી, વ્યાજખોરો સામે લાલઆંખ કરી, અને નાગરિકોને જાગૃત કરવાની શાનદાર કામગીરી કરી રહી છે.

લોકાર્પણ : મહિલા સન્માનનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરતા ગૃહ રાજ્યમંત્રી

મહિલાઓની સુરક્ષા, સલામતી અને સમસ્યાના નિવારણ હેતુ ગૃહ રાજ્ય મંત્રીએ મહિલા સન્માનનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરીને, નવનિર્મિત મહિલા પોલીસ સ્ટેશનનું મહિલા મહાનુભાવો દ્વારા લોકાર્પણ કરાવ્યું હતું. જ્યાં મહિલાઓને નિર્ભિક અને નિસંકોચ રીતે પોતાની તકલીફો રજૂ કરવા અંગે જાગૃત કર્યા હતા. મહિલા પોલીસ સ્ટેશનમાં મહિલા સાથે બાળકો હોય તો તેને પણ સારૂ વાતાવરણ મળી રહે તે હેતુથી તેને વધુ લોકભોગ્ય બનાવતા અહીં ચાઈલ્ડ કોર્નર પણ બનાવવામાં આવ્યુ છે.

ગૃહ રાજ્યમંત્રીની પ્રજાહિત માટેની નર્મદા જિલ્લાની સફળ મુલાકાત વેળાએ એડીશનલ ડી.જી.પી. આર.બી. બ્રહ્મભટ્ટ, વડોદરા ઝોનના પોલીસ નિરિક્ષક સંદીપસિંહ, સાંસદ સર્વ મનસુખભાઈ વસાવા અને ગીતાબેન રાઠવા, નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, રાજપીપલા નગરપાલિકા પ્રમુખ કુલદિપસિંહ ગોહીલ, નર્મદા સુગર ફેક્ટરી તથા ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે સહિત જિલ્લા વહિવટીતંત્રના અધિકારી, કર્મયોગીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનોની ઉત્સાહભેર ભાગીદારી નજરે પડી હતી.

રિપોર્ટર : હિતેન્દ્ર વાસદિઆ, રાજપીપલા

Related posts

Leave a Comment