ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઈન્ટરનેશનલ ડે ઓફ વુમેન એન્ડ ગર્લ્સ ઇન સાયન્સની ઉજવણી

હિન્દ ન્યુઝ, ધરમપુર 

             વિદ્યાર્થીનીઓને સર્કિટ, રોબોટિક્સ અને ચમત્કાર પાછળના વિજ્ઞાન વિશે વિસ્તૃત જાણકારી અપાઈ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા મથકે સ્થિત જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, નેશનલ કાઉન્સીલ ઓફ સાયન્સ મ્યુઝિયમ ખાતે ઈન્ટરનેશનલ ડે ઓફ વુમેન એન્ડ ગર્લ્સ ઇન સાયન્સની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના એજ્યુકેશન ઓફિસર પ્રજ્ઞેશ રાઠોડે જણાવ્યુ કે, યુનાઈટેડ નેશન્સ દ્વારા 2015 થી 11 ફેબ્રુઆરીને પ્રતિ વર્ષ ઈન્ટરનેશનલ ડે ઓફ વુમેન એન્ડ ગર્લ્સ ઇન સાયન્સ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેથી મહિલાઓ અને કન્યાઓ દ્વારા વિજ્ઞાન ક્ષેત્રે હાંસલ કરેલી સિદ્ધિઓને જાણી શકાય. આ કાર્યકમમાં કેડી સ્કૂલ, ધરમપુરની 30 વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. ભાગ લેનાર વિદ્યાર્થિનીઓને ઇનોવેશન હબ, મેંટર રાહુલ શાહ દ્વારા બ્રેડબોર્ડ પર વાહક, અવાહક અને ઇલેક્ટ્રોનિક્સ સર્કિટ ડિઝાઇન અને તેના ભાગોની ઓળખ, કલર કોડ પરથી રેઝિસ્ટરનું મૂલ્ય શોધવાની રીત સમજાવી હતી તેમજ રોબોટિક્સ અને તેમાં વપરાતા સેન્સર વિષે નિદર્શન કર્યું હતું.
         એજ્યુકેશન ટ્રેઇની વંદના રાજગોર, શિવાની ગરાસિયા અને સુજીત પટેલ દ્વારા રસાયણશાસ્ત્રના વિવિધ પ્રયોગો કેમિકલ વોલ્કેનો, નેચરલ ઈંડિકેટર, એસિડ અને બેઇઝની સૂચક દ્વારા ચકાસણી, પ્રયોગશાળામાં ઑક્સિજન અને હાઈડ્રોજન વાયુની બનાવટ અને તેની પ્રાયોગિક ચકાસણી જેવા પ્રયોગો વિદ્યાર્થિનીઓને કરાવવામાં આવ્યા હતા તેમજ થ્રી ડી શો પણ બતાવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમની ઉજવણીના ભાગ રૂપે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર દ્વારા અંધશ્રધ્ધા નિવારણના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના એજ્યુકેશન ઓફિસર પ્રજ્ઞેશ રાઠોડ દ્વારા ચમત્કારના નામ પર કેવી રીતે લોકોને છેતરવામાં આવે છે અને તે ચમત્કારોની પાછળનું વિજ્ઞાન વિષે વિસ્તૃત જાણકારી આપતા હાથમાંથી કંકુ કાઢવો, હથેળીમાં કાણું પાડવું, હાથને છરી વડે કાપી લોહી કાઢવું અને ફરી પાછો ઘા રુઝાઇ જવો. માચીસ વગર મંત્રથી અગ્નિ પ્રજ્વલિત કરવો, પાણી નાખી અગ્નિ સળગાવવો, જેવા પ્રયોગો કરાવ્યા હતા.

Related posts

Leave a Comment