હિન્દ ન્યુઝ, રાજપીપલા
વિશ્વમાં સૌથી વધુ યુવાધન ધરાવતા ભારત દેશને યુવાનોએ અનેક આયામો સર કરીને વિશ્વભરમાં સિદ્ધીઓ હાંસલ કરીને દેશને અનેક તબક્કે ગૌરવ અપાવવાનો અવસર આપ્યો છે. યુવાનોને ચોક્કસ દિશામાં માર્ગદર્શન મળી રહે તો તે દરેક ક્ષેત્રે પોતાની કુશળતાથી સફળતા મેળવવામાં અગ્રેસર રહે છે. ઘણી વખત યુવાન પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવાનુ વિચારે અને પોતાના સ્ટાર્ટઅપને સફળ બનાવવા માટે સતત અને સક્રિય રીત મહેનત પણ કરે છે. પરંતુ દરેક સાહસિક યુવાનોને સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે સૌથી મોટો પ્રશ્ન નાણાંનો મૂઝવતો હોય છે, ત્યારે આવા સાહસી યુવાનોને પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા સરકારની યોજનાઓ સહાયકબળ પુરુ પાડે છે.
અહીં વાત કરવી છે નાંદોદ તાલુકાના ધાનપોર ગામના યુવાન શ્રી પાર્થકુમાર શાંતિલાલ પટેલની. દેશમાં જ્યારે બે વર્ષ પહેલા કોરોનાકાળ ચાલતો હતો ત્યારે પાર્થકુમારનું સ્નાતકનુ ભણવાનું ચાલુ હતું. દરમિયાન કોવિડના કારણે તેઓનું ભણવાનું અધુરુ છુટી ગયું હતુ. અને પરિવારની આર્થિક પરિસ્થિતી નબળી હોય યુવાન દિકરો પરિવારને મદદરૂપ થવા કંઇક જુદુ કરવાનું વિચારી રહ્યો હતો. પોતે પરિવાર સાથે રહીને જ પરિવારની આર્થિક મદદરૂપ થઇ શકે તે માટે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા વિચાર કર્યો પરંતુ સૌથી પહેલાં તેમને નાણાંનો પ્રશ્ન ઉદભવ્યો હતો. આ દરમિયાન પાર્થકુમાર પટેલે સોશિયલ મીડિયા તેમજ અખબારો થકી નર્મદા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની શ્રી વાજપાઇ બેંકેબલ યોજના અંગે જાણકારી મેળવી હતી. ત્યારબાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરી યોજનાની સંપૂર્ણ જાણકારી મેળવી તેમાં જરૂરી સાધનીક કાગળો સાથે અરજી કરી હતી. પાર્થકુમાર પટેલે પાપડ-ખાખરા બનાવટના વ્યવસાય અર્થે કરેલી આ અરજી તેમજ દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની ભલામણથી રાષ્ટ્રીયકૃત બેંક દ્વારા રૂા.૫,૧૨,૧૨૦/- ની લોન મંજૂર કરવામાં આવી હતી.
સરકાર ની યોજનાનો લાભ મળ્યાબાદ પાર્થકુમાર પટેલે પોતાના ઘરે જ પાપડ અને ખાખરાના ઉત્પાદનની શરૂઆત કરી હતી. ઉત્પાદન તો શરૂ કરી દીધું પણ પાપડ/ખાખરાનું માર્કેટ ઉભુ કરવું મોટો પડકાર હતો. ધીમે ધીમે તેને તાલુકા મથક અને અન્ય શહેરના વેપારીઓ સાથે સંપર્ક સાધી પોતાના ગૃહ ઉદ્યોગની વસ્તુઓ પહોંચાડવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તેમને સુરત-મુંબઇ શહેર સુધી પણ પોતાની વસ્તુઓ મોકલવાની શરૂઆત કરી જેના કારણે આજે તેઓ પોતાનું માર્કેટ ઉભુ કરી શક્યા છે. આજે તેઓ રૂા.૩૦ થી ૫૦ હજાર જેટલી માસિક આવક મેળવી રહ્યાં છે. તેઓના ગૃહ ઉદ્યોગના પાપડ અને ખાખરાનું સુરત તેમજ મુંબઈ જેવા મહાનગરોમાં વેચાણ થઈ રહ્યું છે. આજે તેઓ પોતાના પરિવારની આર્થિક જરૂરિયાત સંતોષવામાં સક્ષમ બન્યાં છે. ગૃહ ઉદ્યોગ શરૂ કર્યા બાદ પાર્થકુમાર પટેલના પરિવારના જીવન ધોરણમાં સકારાત્મ પરિવર્તનો આવ્યાં છે. સરકાર ની યોજનાનો લાભ મેળવી આર્થિક રીતે પગભર બનતા તેઓએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર : હિતેન્દ્ર વાસદિઆ, રાજપીપલા