ચુંટણીમાં લાઉડ સ્પીકરના ઉપયોગ માટે નિયંત્રણો જાહેર કરાયાં

હિન્દ ન્યુઝ, ભુજ

આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ની તારીખો જાહેર કરાઇ છે. જે મુજબ તા.૩/૧૧/૨૦૨૨થી ચુંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લાના છ વિધાનસભા વિસ્તારમાં તા.૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન થનાર છે. ચુંટણીની કામગીરી તા.૩/૧૧/૨૦૨૨ થી તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી ચાલશે. વિધાનસભા સામાન્ય ચુંટણીની કામગીરી દરમ્યાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ભારતના ચુંટણી પંચ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે. આગામી વિધાનસભા પેટા ચુંટણી સંદર્ભે ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો, ઉમેદવારો અને તેમના કાર્યકર્તાઓ, સમર્થકો ચૂંટણી પ્રચાર ઝુંબેશ માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ મોટા પાયે કરે છે. આ લાઉડ સ્પીકરનો ઉપયોગ ફકત નિયત મંચ ઉપરાંત ટ્રક, ટેમ્પો, કાર, જીપ, ટેક્ષી, વાન, ત્રણ પૈડા વાળા વાહનો, સ્કુટરો, રિક્ષા, બળદગાડી, ઉંટગાડા વગેરે વાહનો ઉપર ગોઠવીને પણ કરવામાં આવે છે. ખૂબ જ ઊંચા અવાજે પ્રચાર કરતા લાઉડ સ્પીકરો સાથેના આ વાહનો તમામ માર્ગો, શેરીઓ અને ગલીઓમાં ફરે છે. પરિણામે ધ્વની પ્રદુષણ થાય છે. આમ જનતાની શાંતિમાં ખલેલ પહોંચે છે આથી ચૂંટણી પ્રક્રીયા દરમ્યાન લાઉડ સ્પીકરના ઉપયોગ ઉપર નિયંત્રણો જાહેર કરાયાં છે. જિલ્લા મેજીસ્ટ્રેટ દિલીપ રાણા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩ (૧) થી મળેલ સત્તાની રૂએ રાજકીય પક્ષો, ઉમેદવારો, રાજકીય કાર્યકરો, સમર્થકો એ નિયત મંચ સિવાય લાઉડ સ્પીકરનો ઉપયોગ નહીં કરવાં. લાઉડ સ્પીકરનો ઉપયોગ કરતાં પહેલાં સક્ષમ અધિકારીની મંજૂરી મેળવવાની રહેશે. ફરતાં વાહન પર લાઉડ સ્પીકર વગાડવા માટે વાહનની મંજૂરી સક્ષમ અધિકારી પાસેથી મેળવી અને લાઉડ સ્પીકર વગાડવા માટે પણ સક્ષમ અધિકારીની મંજૂરી મેળવી તેનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામું સરકારી ફરજ પરના વાહનો તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી અથવા સક્ષમ અધિકારી પાસેથી તે અર્થે પરવાનગી મેળવેલ વાહનોને લાગુ પડશે નહીં. આ જાહેરનામું તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. કોઇ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા આવા કોઇ વ્યકિત દ્વારા આ નિયમોનું ભંગ કરનારને ભારતીય ફોજદારી ધારાની કલમ-૧૮૮ તથા ૧૭૧ (ઝ) મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.

Related posts

Leave a Comment