હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગીર સોમનાથ, તા.૮: ગીર સોમનાથ જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ વિધાનસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો તેમના ટેકેદાર-ઉમેદવાર દ્વારા ચોપાનીયા, ભિંતપત્રો વગેરે દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવનાર છે. આ પ્રચાર સાહિત્યના કારણે કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને આદર્શ આચારસંહિતાનું પાલન થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચોપાનીયા, ભિંતપત્રો વગેરે સાહિત્ય મુદ્રણ અને પ્રકાશન બાબતે નિયમન જરૂરી છે. જે અન્વયે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે છે.
આ જાહેરનામા અનુસાર કોઈપણ વ્યક્તિ જેના પર તેના મુદ્રક અને પ્રકાશનના સ્પષ્ટ દેખાઈ આવે તે રીતે નામ-સરનામા ન હોય તેવા ચૂંટણીને લગતા ચોપાનિયા કે ભિંતપત્રો છાપી કે પ્રસિદ્ધ કરી શકાશે નહીં. કોઈપણ વ્યક્તિ ચૂંટણીને લગતા ભિંતપત્રો કે ચોપાનિયા સિવાય કે તેની સહીવાળા અને અંગત રીતે ઓળખતી હોય તેવી વ્યક્તિઓએ શાખ કરેલ પ્રકાશકની ઓળખ અંગેના નમુના-કમાં એકરારની બે નકલ તેણે મુદ્રકને આપી હોય અને લખાણ પછી મુદ્રકે ત્રણ દિવસની અંદર છાપકામ કરેલ લખાણની ચાર નકલો, પ્રકાશકના એકરારની એક નકલ તથા મુદ્રકે છાપકામ કરેલ દસ્તાવેજની નકલોની સંખ્યા અને મુદ્રણ કામ અંગે થયેલ ખર્ચની વિગતો નમુના-ખની નકલ રાજ્યના પાટનગરમાં છાપવામાં આવ્યું હોય ત્યારે મુખ્ય ચૂંટણી અધિકારી અને બીજે પ્રસંગે જે જિલ્લામાં છાપવામાં આવ્યું હોય તે જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારી તથા સંબંધિત વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારીને મોકલી હશે.
આ ઉપરાંત હાથે નકલો કરવા સિવાય લખાણની વધુ નકલો કાઢવાની કોઈપણ પ્રક્રિયા મુદ્રણ ગણાશે અને મુદ્રક એ શબ્દનો અર્થ તે મુજબ જ થશે ઉમેદવારની ચૂંટણીની તકો વધારવા અને પ્રતિકૂળ અસર પહોંચાડવા વહેંચવામાં આવેલ કોઈપણ ચોપાનીયાનો અર્થ ભીંતપત્ર એવો થાય છે અને “ચૂંટણીને લગતું ચોપાનીયું અથવા ભિંતપત્ર”માં માત્ર ચૂંટણી સભાની તારીખ, સમય, સ્થળ અને બીજી વિગતો આપતા ચૂંટણી એજન્ટ કે કાર્યકરોને કામકાજ અંગેની સૂચનાઓ આપતા હેન્ડ બીલ કે ભિંતપત્રોનો તેમાં સમાવેશ થતો નથી.
આ જાહેરનામાની જોગવાઈઓનો ભંગ કરનાર વ્યક્તિને છ માસ સુધીની કેદ અથવા બે હજાર રૂપિયા સુધીના દંડની અથવા બન્ને શિક્ષાને પાત્ર થશે તેમજ મુદ્રાલયોનું લાયસન્સ રદ કરવા પાત્ર થશે. આ હુકમ ચૂંટણી પ્રક્રિયા પૂરી થયા સુધી એટલે કે તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે એવું જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ગીર સોમનાથ દ્વારા જણાવાયું છે.
