રાષ્ટ્રીય સંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના જન્મદિન નિમિત્તે માનવતા મહોત્સવમાં હાજરી આપતા વિધાનસભા અધ્યક્ષા ડૉ. નીમાબેન આચાર્ય

હિન્દ ન્યુઝ, ભુજ 
        આજરોજ એસપીએમ પરિવાર દ્વારા આયોજિત પુનડી ખાતેના ચાતુર્માસ પ્રસંગમાં નમ્રમુનિ મહારાજ સાહેબના જન્મદિનની ઉજવણી માનવતા મહોત્સવ તરીકે કરવામાં આવી હતી. વિધાનસભાના અધ્યક્ષા ડૉ. નીમાબેન આચાર્યે ઉપસ્થિત રહીને રાષ્ટ્રીય સંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના વચનોનું શ્રવણ કર્યું હતું. મહારાજ સાહેબની પ્રેરણાથી અધ્યક્ષાએ વિશિષ્ટ મહાનુભાવોનું આ પ્રસંગે સન્માન પણ કર્યું હતું.
આ પ્રસંગે અધ્યક્ષા ડૉ.નીમાબેન આચાર્યે માનવતા મહોત્સવ નિમિત્તે વિવિધ સેવાના કાર્યોમાં દાન આપનારા દાતાઓને વંદન કર્યા હતા. પ્રાણીઓની સારવાર માટે શરૂ કરવામાં આવેલી અનુકંપા એમ્બ્યુલન્સને લઈને અધ્યક્ષાએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. વધારેમાં વધારે એમ્બ્યુલન્સ આ સેવા માટે મળી રહે તે માટે સહયોગ આપવા અધ્યક્ષાએ અનુરોધ કર્યો હતો. ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના બાવનમાં જન્મદિવસ નિમિત્તે અધ્યક્ષાએ ગુરુએ આપેલા પ્રેમના, દયાભાવ, કરુણાના સંદેશને જીવનમાં ઉતારવા સૌ ઉપસ્થિતોને જણાવ્યું હતું. જીવનમાં પુણ્યની ભાવના સાથે સેવાના કાર્યો કરવા અધ્યક્ષાએ અપીલ કરી હતી. અધ્યક્ષાએ અનુકંપા એમ્બ્યુલન્સની મુલાકાત લઈને તેમાં અબોલ પ્રાણીઓની સારવાર માટે ઉપલબ્ધ અત્યાધુનિક સુવિધાઓ વિશે જાણકારી મેળવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. 

Related posts

Leave a Comment