હિન્દ ન્યુઝ, ભાવનગર
શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા, મણાર ખાતે પંડિત સુખલાલજી સ્મારક વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેળવણીકાર અને લેખક ભદ્રાયુ વછરાજાનીએ સમૂહ જીવન સંદર્ભે વ્યાખ્યાન આપતાં જણાવ્યું કે, કર્તવ્ય ભાવનાનો વિકાસ સમુદાયમાં જ થાય તેમ પંડિત સુખલાલજી ભારપૂર્વક કહેતાં હતાં.
ભાવનગર જિલ્લાના બુનિયાદી શિક્ષણમાં અગ્રણી રહેલ મણાર સ્થિત શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં સ્વ. મૃદુલાબેન પ્ર. મહેતા પ્રેરિત પંડિત સુખલાલજી સ્મારક વ્યાખ્યાનમાળાનું છેલ્લાં ઘણાં વર્ષોથી આયોજન કરવામાં આવે છે. જેમાં આજે ૩૦માં મણકાનું વ્યાખ્યાન જાણીતા કેળવણીકાર લેખક શ્રી ભદ્રાયુ વછરાજાનીએ ‘વ્યક્તિગત પ્રસન્નતાનું પગેરું – સમૂહ જીવન’ વિષય પર આપ્યું હતું.
શ્રી ભદ્રાયુ વછરાજાનીએ ભગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્વધર્મ આચરણ માટેના અનુરોધનો ઉલ્લેખ કરી મહાત્મા ગાંધીજીના સ્મરણ સાથે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય વગેરે એકાદશ વ્રત સમૂહ જીવનમાં ચરિતાર્થ થઈ શકે તેનું ચિંતન રજૂ કર્યું હતું.
કર્તવ્ય ભાવનાનો વિકાસ સમુદાયમાં જ થાય તેમ પંડિત સુખલાલજી ભારપૂર્વક કહેતા. અહી મનુભાઈ પંચોળી ‘દર્શક’ તથા મૃદુલાબેન મહેતા સહિત પૂર્વસુરીઓના ચરિત્ર વર્ણન વડે વંદના કરી હતી.
સંસ્થાના વિદ્યાર્થી સંગીતવૃંદ દ્વારા પ્રાર્થનાગાન સાથે મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. પ્રારંભે આવકાર પરિચય રામચંદ્રભાઈ પંચોલીએ કરાવતાં વકતાના શિક્ષણ સાહિત્ય, લેખનને બિરદાવ્યું હતું.
સંસ્થાના મોભી અરુણભાઈ દવે તથા પ્રવીણભાઈ મહેતાની ઉપસ્થિતિમાં અંકુરભાઈ શાહના સંચાલન સાથેના આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ કુમારી વિશિષા ગોહિલ તથા વિવેકગીરી ગોસ્વામીએ પ્રાસંગિક સ્વાધ્યાય રજૂ કર્યું હતું. આ પ્રસંગે વાઘજીભાઈ કરમટિયાએ આવેલ સંદેશાનું પઠન કર્યું હતું.
વક્તા ભદ્રાયુ વછરાજાનીનું શ્રી પ્રશાંતભાઈ ભટ્ટના હસ્તે ચાદર વડે સન્માન અભિવાદન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ ડાહ્યાભાઈ ડાંગરે કરી હતી. ગ્રામદક્ષિણામૂર્તિ આંબલાના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીએ પણ ભાગ લીધો હતો. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તળાજા તાલુકાના પંચાયત પ્રમુખ દિલુબેન સોલંકી , શિક્ષણાધિકારી કચેરીના વિક્રમસિંહ પરમાર અને આજુબાજુના આગેવાન કાર્યકરો આ અવસરે ઉપસ્થિત રહ્યાં હતાં.