જિલ્લા કલેક્ટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને બોટાદના કાનિયાડ ગામની પ્રાથમિક શાળા ખાતે ‘રાત્રિસભા’ યોજાઇ

હિન્દ ન્યુઝ, બોટાદ

આ ‘રાત્રિસભા’ દરમિયાન કાનિયાડ ગામના ગ્રામજનોએ પેટ્રોલ પંપથી સ્મશાનગૃહ સુધી સુવિધાપંથ અંતર્ગત કાનિયાડ ગામની મેઇન બજારમાં સી.સી. રોડ મંજૂર કરાવી આપવા, કાનીયાડ ગામની મોટા ભાગની વસ્તી વાડી વિસ્તારમાં રહેતી હોવાથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સગવડતા માટે વધુ એક નવી બસનો રૂટ વધારવા, વિધવા સહાયના ફોર્મ ભરાય તે માટે તાત્કાલિક કેમ્પ ગોઠવવા, જૂની પ્રાથમિક શાળાની અપસેટ પ્રાઇઝ ઓછી કરાવી આપવા જેથી તેના કાટમાળની હરાજી થઇ શકે તેવા પ્રશ્નોની રજૂઆત કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહે ગ્રામજનો દ્વારા રજૂ કરાયેલા તમામ પ્રશ્નોને અગ્રતા આપી તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા સ્થળ પર જ સંબંધિત અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચના આપવા ઉપરાંત આ પ્રશ્નોનું સમયસર નિરાકરણ લાવવાની ખાત્રી આપી હતી.

આ ‘રાત્રિસભા’ દરમિયાન જિલ્લા કલેકટર શાહે ગ્રામવાસીઓને સંબોધતા જણાવ્યું હતું કે, ગ્રામ વિસ્તારોના સર્વગ્રાહી વિકાસ માટે સરકારશ્રીની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે. પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓએ અવશ્ય આ યોજનાઓનો લાભ લેવો જોઇએ. ‘વંદે ગુજરાત યાત્રા’ થકી કરાયેલ લોકાર્પણ અને ખાતમૂહર્તના કામો થકી માળખાકીય સુવિધા વધુ સુદ્રઢ બનશે તેવી પ્રતિબધ્ધતા શાહે વ્યક્ત કરી હતી.

આ ‘રાત્રિસભા’ માં જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, પ્રાંત અધિકારીશ્રી દિપકભાઇ સતાણી, મામલતદાર, જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી ધારાબેન, ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જ્યંતભાઇ કનોરીયા, ઇન્ચાર્જ જિલ્લા પ્રોગ્રામ ઓફીસર મમતાબેન કથેરીયા, સરપંચશ્રી ઇશ્વરભાઇ ધરજીયા સહિત જિલ્લાના પદાધિકારીઓ/અધિકારીઓ સહિત ગ્રામજનો સહભાગી થયાં હતાં.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment