બાળકોની સુરક્ષા અને સલામતી સુદ્રઢ કરતી બોટાદ જિલ્લા પોલીસની ‘SHE TEAM’

હિન્દ ન્યુઝ, બોટાદ

 બોટાદ જિલ્લા પોલીસની SHE TEAM દ્વારા સુરક્ષાસેતુ સોસાયટી અંતર્ગત જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ‘ગુડ ટચ અને બેડ ટચ’, સાયબર ક્રાઈમ તેમજ સોશિયલ મીડિયા અંગે જાગૃત કરવા સંવેદના અભિયાનના બીજા તબક્કાની શરૂઆત કરવામાં આવી છે. રાજ્ય સરકારશ્રી મહિલા અને બાળકોની સુરક્ષા અને સલામતી માટે હરહંમેશ કટીબદ્ધ છે. આ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે રાજ્યના દરેક જિલ્લામાં SHE TEAMની રચના કરવામાં આવી છે.

બોટાદ જિલ્લા પોલીસની SHE TEAM દ્વારા આ અભિયાન અંતર્ગત આજદિન સુધીમાં અંદાજે 300 જેટલી શાળાઓના 75,000થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવી ચુક્યુ છે. આગામી દિવસોમાં જિલ્લાની અન્ય શાળાઓમાં પણ આ અભિયાન યથાવત રહેશે.

આ અભિયાનનો મુખ્ય ધ્યેય સંવેદનાપૂર્વક બાળકોને સલામતી આપવાની સાથોસાથ તેઓને સારા અને ખરાબ સ્પર્શની સમજ આપવાનો છે. કોઈપણ ચીજ-વસ્તુની લાલચમાં આવીને બાળકો કોઈ અપરાધના શિકાર ન બને તે મુદ્દે મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી બાળકોને સમજ આપવામાં આવી રહી છે. બાળકોને સાયબર ક્રાઈમ અને સોશિયલ મીડિયા બાબતે શું તકેદારી રાખવી તેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

બોટાદ જિલ્લા પોલીસની SHE TEAM દ્વારા શરૂ કરવામાં આવેલી ‘સંવેદના’ પહેલ થકી, બાળકોના મનમાંથી પોલીસ પ્રત્યેનો ભય દુર થયો છે. તેમજ પોલીસ પ્રજાની સાચી રક્ષક, સાથી અને મિત્ર છે તેવા વિશ્વાસનું સંપાદન થયું છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment