મંત્રી કિર્તીસિંહ વાઘેલાના હસ્તે કાંકરેજ તાલુકાના રૂનીનવા ખાતે પંચાયત ઘર તથા જાખેલ, ખસા અને ફતેગઢ ખાતે આંગણવાડીનું ખાતમૂહૂર્ત થયું

હિન્દ ન્યુઝ, કાંકરેજ 

          બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાના હસ્તે કાંકરેજ તાલુકાના રૂનીનવા ખાતે પંચાયત ઘર તથા જાખેલ, ખસા અને ફતેગઢ ખાતે આંગણવાડીના મકાનનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં શરૂ થયેલી વિકાસયાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર તેજ ગતિથી આગળ વધારી રહી છે. તેમણે કહ્યું કે, ગામડાના લોકોને પોતાના ગામમાં જ સરકારી સેવાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે ગ્રામ સચિવાલય નામ આપી ગામડાઓને ઇન્ટરનેટ કનેક્ટીવીટીથી જોડવામાં આવ્યા છે. ગામ લોકોને સુવિધાઓ પુરી પાડવા સરકારી સેવાઓનું ડિઝીટાલાઇઝેશન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં જે ગતિથી દેશનો વિકાસ થઇ રહ્યો છે તેવી જ રીતે ગામડાઓના સર્વાગી વિકાસ માટે પણ આ સરકાર સંકલ્પબધ્ધ છે. મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ ભૂતકાળને યાદ કરતાં જણાવ્યું કે, આજથી ૨૦ વર્ષ પહેલાં આપણા ગામડાઓની કેવી સ્થિતિ હતી તે આપણે સૌએ જોઇ છે. આપણી પાસે ખેતીની જમીન હોવા છતાં સિંચાઇના પાણીની સુવિધાના અભાવે ગુજરાન ચલાવવા મજુરી કરવા બહાર જવું પડતું હતુ. આપણી સરકારે આ વિસ્તારમાં નર્મદાના નીર પહોંચાડી અહીંની કાયાપલટ કરી છે. સિંચાઇ માટે નર્મદાનું પાણી અને ૨૪ કલાક વીજળીની સુવિધા મળતા ખેડુતોના ખેતરોમાં હરીયાળી પથરાવાથી તેમની સુખ-સમૃધ્ધિમાં વધારો થયો છે. લોકોની સુખાકારીમાં વધારો થતા તેઓ બાળકોને સારું શિક્ષણ અપાવતા થયા છે જે સરકારની નીતિઓને આભારી છે તેમ તેમણે જણાવ્યું હતુ. મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ શિક્ષણ પર ભાર મુકતા જણાવ્યું કે, ૨૧ સદી જ્ઞાન- વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. આ સમયમાં બાળકોને શિક્ષણ અપાવવું ખુબ જ જરૂરી છે. પ્રાચીન ભારતમાં દેશ- વિદેશના લોકો આપણી તક્ષશિલા અને નાલંદા જેવી વિશ્વવિધાલયમાં શિક્ષણ મેળવવા આવતા હતા. આપણી ઋષિ પરંપરામાં પણ ગુરૂજીઓના આશ્રમમાં શિક્ષણ આપવામાં આવતુ હતુ. નવી શિક્ષણ નીતિના અમલથી આંગણવાડીના બાળકોને પાયાનું શિક્ષણ આપી ભવ્ય ભારતના નિર્માણ માટે સરકાર કટિબદ્ધ છે. તેમણે કહ્યું કે, કોઇપણ સમસ્યાનો ઉકેલ શિક્ષણથી જ આવી શકે છે. નવી શિક્ષણ નીતિના અમલીકરણથી સંસ્કારયુક્ત શિક્ષણ વડે શિક્ષિત અને સમૃધ્ધ રાષ્ટ્રનું નિર્માણ થશે. તેમણે કહ્યું કે, આપણા બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવે તે માટે સરકારની અનેકવિધ યોજનાઓ અમલી છે. આ ઉપરાંત બનાસ બેંક દ્વારા ઉચ્ચ શિક્ષણ અને વિદેશ અભ્યાસ માટે લોન આપવામાં આવે છે ત્યારે તેનો લાભ લઈ સુખી- સમૃદ્ધ અને શિક્ષિત સમાજનું નિર્માણ કરવા તેમણે અનુરોધ કર્યો હતો. ખસા ગામની આંગણવાડીના ખાતમૂહર્ત પ્રસંગે ઉપસ્થિત બનાસ બેંકના ચેરમેન અણદાભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની રાજ્ય સરકાર લોકોને સામેથી યોજનાઓની સહાયના લાભો આપે છે. તેમણે કહ્યું કે, ગામનો છેવાડાનો વ્યક્તિ પણ સરકારની યોજનાઓથી વંચિત ના રહે તે આ સરકારની નેમ છે. ચેરમેનએ કહ્યું કે બનાસ બેંકના માધ્યમથી ખેડૂતો અને ગરીબોને મદદ કરી આર્થિક રીતે સધ્ધર બનાવવા છે. આ પ્રસંગે અગ્રણીઓ સર્વ ઈશ્વરભાઈ પટેલ, હરગોવનભાઈ શીરવાડિયા, અમીભાઇ દેસાઇ, હંસપુરી ગોસ્વામી, અનુભા વાઘેલા, દિનેશભાઇ, અશોકભાઇ, તાલુકા પ્રા. શિક્ષણાધિકારી ભરતભાઇ ચૌધરી, બી.આર.સી.કો-ઓર્ડીનેટર જલાભાઇ દેસાઇ સહિત અધિકારીઓ- પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment