દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં શિક્ષણનો વ્યાપ વધારવા ઉપયોગી દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના

હિન્દ ન્યુઝ, સુરત

               રાજ્ય સરકાર દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે દિવ્યાંગ શિષ્યવૃત્તિ આપવાની યોજના અમલી છે. આ યોજનાનો લાભ લેવા માટે અભ્યાસકર્તા દિવ્યાંગ વિદ્યાર્થીની વિક્લાંગતાની ટકાવારી ૪૦% થી ઓછી હોવી ન જોઈએ, છેલ્લી વાર્ષિક પરીક્ષામાં ઓછામાં ઓછા ૪૦% ગુણથી ઉત્તિર્ણ હોવા જોઈએ, જે તે અભ્યાસમાં હાજરીની નિયમિતતા હોવી જોઈએ, દિવ્યાંગ વિદ્યાર્થીઓના વાલીની કૌટુંબિક વાર્ષિક આવક રૂા. ૫૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ અને અરજીકર્તા દિવ્યાંગ ઓળખકાર્ડ ધરાવતા હોવા જોઈએ. રાજ્ય સરકાર દ્વારા અમલી આ યોજના અંતર્ગત ધો.૧ થી ૭ સુધીમાં ભણતા દિવ્યાંગ વિદ્યાર્થીને વાર્ષિક રૂા. ૧૦૦૦/-, ધો. ૮ કે તેથી ઉપર અભ્યાસ કરતા દિવ્યાંગને રૂા.૧૫૦૦/- કે વધુમાં વધુ રૂા.૫૦૦૦/- સુધી મળવાપાત્ર છે. આ યોજના હેઠળ મળતી શિષ્યવૃત્તિ જે તે પ્રાથમિક શાળા અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા મોક્લવામાં આવે છે. આ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ માટે અરજીપત્રક દર વર્ષે શૈક્ષણિક કાર્ય શરૂ થતાં અરજીપક્ષકો શાળા, સ્કૂલ કે કોલેજ દ્વારા લખાણ આપવાથી રિન્યૂઅલ ફોર્મ કે ફ્રેશ ફોર્મ આપવામાં આવે છે. તેમજ આ અરજીપત્રકો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાંથી પણ વિનામૂલ્યે મળે છે. દિવ્યાંગ શિષ્યવૃત્તિ મેળવવા માટે અપાતા અરજીપત્રકો સાથે દિવ્યાંગ વિદ્યાર્થીનું વિકલાંગ ઓળખકાર્ડ તથા જે તે નિષ્ણાંત તબીબનું ટકાવારીનું પ્રમાણપત્ર, વાલીની વાર્ષિક આવકના સક્ષમ અધિકારીનો દાખલ, ગત વર્ષની વાર્ષિક પરીક્ષા પરિણામની પ્રમાણિત નકલ સાથે અરજીપત્રકો જે તે શૈક્ષણિક સંસ્થા દ્વારા સંપૂર્ણ માહિતી સાથે મોકલવાના હોય છે. જયારે, વિદ્યાર્થીની એસ.સી., એસ.ટી. બક્ષીપંચ કે સામાન્ય વર્ગની અરજીઓ જુદા-જુદા પત્રક સાથે મોકલવાના રહેશે. દિવ્યાંગ શિષ્યવૃત્તિ મંજુર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની છે. જો દિવ્યાંગ વિઘાર્થી શાળા, કોલેજ કે શૈક્ષણિક સંસ્થામાં અનિયમિત હોય, અભ્યાસ અધવચ્ચે છોડી દીધો હોય, વિદ્યાર્થીનું આકસ્મિક મૃત્યુ થયું હોય, પછાત વર્ગ કે આદિજાતિની શિષ્યવૃત્તિ મેળવતા હોય તો આ યોજના હેઠળ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થતી નથી.

Related posts

Leave a Comment