ભાવનગર જિલ્લા અને શહેરમાં આજે આશરે ૩૦ હજાર કિશોરો- કિશોરીઓનું રસીકરણ

હિન્દ ન્યુઝ, ભાવનગર

રાજય સરકાર દ્વારા આજ તા. ૩ જી જાન્યુઆરીથી સમગ્ર રાજ્યમાં ૧૫ થી ૧૮ વર્ષના કિશોરોને કોરોના સામે સુરક્ષા ક્વચ પુરૂ પાડવા રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તે અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા ભાવનગર જિલ્લાના કુલ ૧૦ તાલુકામાં આજરોજ કુલ ૨૩૭ શાળામાં ૧૫ થી ૧૮ વર્ષના ૨૦ હજાર બાળકોને કોરોનાની રસી આપવાનું આયોજન કરવામાં આવેલ હતું. જે પૈકી આજરોજ ૧૯,૫૩૭ બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ રસીકરણ દરમિયાન કોઈપણ બાળકને કોઈપણ જાતની આડઅસર જોવા મળેલ નથી. આ જ રીતે ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૧૩ વોર્ડમાં આજરોજ કુલ ૩૦ શાળામાં ૧૫ થી ૧૮ વર્ષના ૯,૦૯૫ બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આમ, આજે સમગ્ર ભાવનગર જિલ્લા અને સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ મળીને આશરે ૩૦ હજાર જેટલાં કિશોર-કિશોરીઓનું કોરોના સામે સંરક્ષણાત્મક રસીકરણ કરવામાં આવ્યું હતું. ભારત સરકારની સૂચના મુજબ આજથી ૧૫ થી ૧૮ વર્ષના કિશોરોને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જૂની પેઢીની સરખામણીએ નવી પેઢી વિજ્ઞાનને વધુ સારી રીતે સમજે છે અને એટલે આ રસીકરણ અભિયાનમાં બહુ ઉત્સાહથી તમામ શાળાના બાળકોએ ભાગ લઈ રહ્યાં છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત ન થાય તે માટે આ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લાના ૧૫ થી ૧૮ વર્ષના કિશોર- કિશોરીઓને આગામી ચારથી પાંચ દિવસમાં રસીકરણ પૂર્ણ કરવાનું આયોજન આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયું છે. આ ઉપરાંત આગામી તા.૧૦ જાન્યુઆરી-૨૦૨૨ પછી જિલ્લામાં હેલ્થ વર્કરો અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને તેમજ ૬૦ વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટિઝનો અને કો-મોર્બિડ કન્ડિશન ધરાવતાં દર્દીઓને બુસ્ટર ડોઝ આપવા પણ આરોગ્ય તંત્ર દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના બાકી રહેલાં કિશોર-કિશોરીઓ પણ તાત્કાલિક કોરોના વિરોધી રસી લઈ લે અને પોતાની જાત સાથે સમાજને પણ સંરક્ષિત કરે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment