હિન્દ ન્યુઝ, બોટાદ
રાજય સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે સુશાસન/ગુડ ગર્વનન્સ સપ્તાહ ની ઉજવણી સમગ્ર રાજયમાં કરવામાં આવી રહી છે ત્યારે આજ રોજ નગરપાલિકા હોલ બોટાદ ખાતે આરોગ્ય વિભાગ અને આઈ.સી.ડી.એસ. જિલ્લા પંચાયત બોટાદના સંયુકત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીએ પ્રસંગને અનુરૂપ પ્રવચન કરતા વધુમાં જણાવ્યુ હતું કે રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી ચાલી રહી છે જેના ભાગરૂપે આજે બોટાદ જિલ્લામાં આરોગ્ય વિભાગ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ જિલ્લા પંચાયત બોટાદ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે દરેક લોકોએ પોત્તાની ફરજના ભાગ રૂપે ગામના છેવાડાના માનવીઓને સરકારની યોજનાઓનો બહોળા પ્રમાણમા લાભ મળી રહે તે જોવા જણાવ્યું હતું તેમજ આરોગ્ય વિભાગ તથા આઈ.સી.ડી.એસ. દ્વારા થતી કામગીરીને બિરદાવતા વધુમાં જણાવ્યું હતું કે કુપોષણના પ્રશ્નને કાયમ રીતે અટકાવી શકાય તેના જરૂરી પ્રયાસો કરવા તથા આરોગ્ય સ્થળોએ પાણી, ગટર, વીજળી સહિતના જે પણ પ્રશ્ન હોઈ તો તેની જાણ કરવા પણ વધુમાં જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી લલીતનારાયણ સિંધ સાંદુએ ગુડ ગર્વનન્સ એટલે શુ ? તેની જાણકારી આપતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા આયોજનબધ્ધ કામગીરી ટેકનોલોજીના ઉપયોગ થકી ઝડ્પથી લોકો સુધી પહોંચે અને તેના ઉપયોગ થકી છેવાડાના માનવીઓ તેનો વધુમાં વધુ લાભ લઈ શકે તે માટે સરકાર દ્વારા આ ગુડ ગર્વનન્સ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે તથા ઉપસ્થિત તમામ કર્મચારીશ્રીઓને ગુડ ગર્વનન્સની કામગીરીને આગળ ધપાવવા અનુરોધ કર્યો હતો તેમજ આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ બાકી હોય તેવા લોકોનું રસીકરણ કરવા પણ જણાવ્યું હતું. આ પ્રસંગે બોટાદ તાલુકાના તાજપર ખાતે પેટા આરોગ્ય કેદ્રનું ઈ – લોકાર્પણ કરવામાં આવ્યું હતું તથા મહાનુભાવો દ્વારા મોબાઈલ વાન ખુલી મુકવામાં આવી હતી તથા લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમની શાબ્દિક સ્વાગત વિધિ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ તથા આભારવિધિ આઈ.સી.ડી.એસ પ્રોગ્રામ ઓફિસરએ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલા, જિ.ઉપપ્રમુખ ધીરૂભાઈ, સંગીતાબેન, ભરતભાઈ સહિતના પદાધિકારીઓ, ડો.ગાબુ, તથા સબંધિત અધિકારી કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.