મતદાનના દિવસે વાહનોના ઉપયોગ ઉપર નિયંત્રણ રાખવા અંગેનું જાહેરનામું બહાર પડાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર

આગામી ગ્રામ પંચાયત ચુંટણી -૨૦૨૧ સંદર્ભે રાજ્ય ચુંટણી આયોગ, ગાંધીનગરના તા.૧૭/૧૧/૨૦૨૧ ના આદેશ મુજબ ચુંટણી પ્રક્રિયા દરમ્યાન આદર્શ આચાર સંહિતાનો અમલ કરવાનો થાય છે. જે સુચનાનુસાર મતદાનના દિવસે વાહનોના ઉપયોગ ઉપર દેખરેખ રાખવા અને મતદારો માટે વાહનોનો દુરુપયોગ અટકાવવા તેમજ ઉક્ત ચુંટણી દરમ્યાન વાહનોના દુરુપયોગ પર નિયંત્રણ કરવાના હેતુ સારૂ સાવચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતા જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ -૧૯૭૩ ની (૧૯૭૪ નો બીજા અધિનિયમની) કલમ-૧૪૪ અન્વયે મને મળેલ સત્તાની રૂઈએ, કોઈપણ ઉમેદવારો કે તેઓના ચુંટણી એજન્ટ દ્વારા અથવા બીજા કોઈ વ્યક્તિ દ્વારા મતદાનના દિવસે, મતદારોને મતદાન મથક સુધી લાવવા અને મતદાન મથકથી લઈ જવાની મફત સગવડ માટે વાહનો ભાડે રાખવા કે મેળવવા અથવા એ રીતે વાહનોનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. ચુંટણી લડતા દરેક ઉમેદવાર મતદાનના દિવસે પોતાના ઉપયોગ માટે સમગ્ર મતદાર વિભાગ પુરતું એક વાહન, આ ઉપરાંત યથાપ્રસંગ ચુંટણી એજન્ટ પોતાના ઉપયોગ માટે તે મતદાર વિભાગમાં એક વાહન વાપરવા હક્કદાર રહેશે. ઉક્ત ઉપયોગમાં લેવાનાર વાહન ચુંટણી અધિકારી પાસે નોંધણી કરાવવાનું રહેશે અને નોંધણી કરાવેલ વાહન પર તેની પરમીટ તેઓ પાસેથી મેળવી તે પરમીટ વાહનની ઉપર સહેલાઈથી દેખાઈ આવે તે રીતે વીન્ડસ્ક્રીન પર ચોંટાડવાની રહેશે. આ જાહેરનામાનો અમલ ભાવનગર જિલ્લાના ગ્રામ પંચાયતોની ચુંટણીમાં સમાવિષ્ટ થતા વિસ્તાર માટે કરવાનો રહેશે. જાહેરનામાનો ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ભારતીય દંડ કલમ -૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેર

Related posts

Leave a Comment