હિન્દ ન્યુઝ, જૂનાગઢ
જૂનાગઢ જિલ્લા વહીવટતંત્ર દ્વારા પિન્ક કાર્ડ યોજનાનો પ્રારંભ કરાયો છે. બેટી બચાઓ, બેટી પઢાઓને પ્રોત્સાહન આપવા સાથે મારી દિકરી મારૂ અભિમાન, મારૂ સ્વાભિમાન અને દિકરી વ્હાલનો દરિયો ને સાર્થક કરવા આ પિન્ક કાર્ડ યોજના શરૂ કરાઇ છે. જેના ભાગરૂપે ભેંસાણ તાલુકામાં ૫૩૦ લાભાર્થીઓને પ્રાંત અધિકારી ભૂમી કેશવાલા, મામલતદાર નીરવ ભટ્ટના હસ્તે પિન્ક કાર્ડ અપાયા હતા. તા. ૮ ઓકટબર થી નવીન પહેલના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા વહીવટતંત્ર દ્વારા આ પિન્ક કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે. પ્રાંત અધિકારી જૂનાગઢ દ્વારા લાગુ કરવામાં આવેલ પિન્ક કાર્ડ યોજનાના બહોળા પ્રતિસાદ બાદ, પ્રાંત અધિકારી ભેસાણ દ્વારા ” ઇન્ટરનેશનલ ગર્લ ચાઈલ્ડ ડે” ની ઉજવણીના ભાગરૂપે પિન્ક કાર્ડ યોજનાનું ભેસાણ તાલુકામાં ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતુ. જેમાં ૫૩૦ લાભાર્થીઓને પિન્ક કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. આ યોજના તળે કાર્ડ હોલ્ડર ને ૩૬ જેટલી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં પ્રાથમિકતા આપવામાં આવશે. આ યોજના હેઠળ સંતાનમાં બે દિકરી અથવા એક દિકરી ધરાવતા દંપતિને સરકારી કામગીરીમા પ્રાથમિકતા આપવા પિન્ક કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે. પંચાયત રેવન્યુ સહિત જિલ્લાની કચેરીઓમાં પિન્ક કાર્ડ ધરાવતા દંપત્તિને સરકારી કામગીરીમાં અગ્રતા અપાશે.