હવાઇ ઉડ્ડયન ક્ષેત્રે ભાવનગર માટે નવા અધ્યાયની શરૂઆત

હિન્દ ન્યુઝ, ભાવનગર

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે ભાવનગર ખાતે નવી શરૂ થયેલી ફ્લાઇટના શુભારંગ પ્રસંગે કહ્યું કે, આજે ભાવનગર માટે નવો અધ્યાય લખાવાં જઈ રહ્યો છે. ગુજરાતની વિકાસની નવી ઉંચાઇઓને આંબી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક સાથે ૩ વિમાની કનેક્ટિવિટી રાજ્યને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં મળી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, કનેક્ટિવિટી વિકાસને આગળ વધારે છે, જ્યાં કનેક્ટિવિટી ઘટે છે ત્યાં વિકાસ રૂંધાય છે. આ મહત્વને પારખીને રાજ્ય સરકારે વધુને વધુ એરપોર્ટ અને એરસ્ટ્રીપ વિકસાવીને રાજ્યની ક્ષમતાને વિશ્વ ફલક પર લઈ જવાં માટે વધુને વધુ કનેક્ટિવિટી પર ભાર મૂક્યો છે.

ભાવનગર એરપોર્ટ ખાતેથી દિલ્હી, સુરત અને મુંબઇની સ્પાઇસ જેટની નવી સીધી વિમાની સેવાની શરૂઆત ગાંધીનગરથી વર્ચ્યુઅલ રીતે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા (દિલ્હીથી વર્ચ્યુઅલ રીતે) સાથે ફ્લેગ ઓફ કરાવતાં તેમણે કહ્યું કે, આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી ભાવનગરના ઘોઘાથી દહેજ સુધી રો-રો ફેરી અને ઘોઘા થી સુરતની રો-પેક્ષ ફેરીની શરૂઆત દરિયાઈ માર્ગે કરાવી હતી અને હવે આજે ભાવનગરથી સીધા દિલ્હી અને મુંબઈ હવાઈ સેવાની શરૂઆત થઈ રહી છે.

ભાવનગર શહેર જમીન માર્ગ, જળમાર્ગથી જોડાયેલું તો હતું જ, હવે આજથી હવાઈ માર્ગે પણ જોડાઈ ગયું છે. આમ, ત્રણેય પ્રકારની યાતાયાતથી હવે ભાવનગર જોડાઇ ગયું છે.

તેમણે કહ્યું કે, ગુજરાતી ન માત્ર એર કનેક્ટિવિટી વિકસિત કરી છે પરંતુ રોડ-રસ્તા રેલવે એમ તમામ પ્રકારની કનેક્ટિવિટી વિકસિત કરી છે. રાજ્યમાં ૧૬ એરપોર્ટ કાર્યરત છે. આ ઉપરાંત પાણીમાં પણ સી- પ્લેન માટે બે એરોડ્રામ વિકસિત કર્યા છે. તેના દ્વારા ગુજરાતના પવિત્ર યાત્રાધામો અને કેવડિયા જેવાં પ્રવાસધામોને પણ જોડીને વિકાસના દ્વાર ખોલ્યાં છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ગુજરાતના નાગરિકો વેપાર-વણજ તેમજ શૈક્ષણિક તેમજ કારકિર્દીના વિકાસ માટે વિશ્વના ખૂણેખૂણે પથરાયેલાં છે ત્યારે આ એર કનેક્ટિવિટીથી વિશ્વ સાથે જોડવાનો એક વધુ માર્ગ ખૂલશે. તેમણે કહ્યું કે એર કનેક્ટિવિટી સાથે રાજ્યના દૂરદરાજ નાના ગામડાઓમાં પણ ઈન્ટરનેટ સેવાઓ ઉપલબ્ધ બને તે માટે ભારત નેટ દ્વારા રાજ્યના તમામ ગામડાઓને ઇન્ટરનેટ કનેકટીવિટીથી જોડી દીધાં છે. ભારત નેટ થી ઇન્ટરનેટ આપવામાં ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ નંબરે છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, ભાવનગર શહેર એ અતિ પ્રાચીન શહેર છે. ભાવનગર જિલ્લામાં શીપ બ્રેકિંગ યાર્ડનો મોટો બિઝનેસ ચાલે છે. આ ઉપરાંત તાજેતરમાં વડા પ્રધાનએ જાહેર કરેલ ‘વ્હિકલ ક્રેપ પોલીસી’નો મોટો લાભ ભાવનગર માટે ઉપલબ્ધ થનારો છે. તદુપરાંત વિશ્વનો સૌ પ્રથમ સી.એન.જી. પ્લાન્ટ ભાવનગર ખાતે કાર્યરત થવાનો છે. ભાવનગરમાં ડાયમંડ ઉદ્યોગ, નાના ઉદ્યોગો, રોલીંગ મીલ વગેરે ભરાવે છે ત્યારે એર કનેક્ટિવિટી વધવાથી ઉદ્યોગકારોની સગવડતા અને સુવિધામાં વધારો થશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, છેલ્લાં ૨૫ વર્ષમાં અમારી સરકારે કરેલો વિકાસ એવો છે કે એક સમયે જે સંસદ સભ્યો ટ્રેનની કનેક્ટિવિટી માંગતાં હતાં તે લોકો હવે એર કનેક્ટિવિટી માંગે છે.

વિજયભાઈએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતનો નાગરિક જે ‘હવાઈ સ્લીપર’ પહેરે છે તેને હવાઇ ઉડ્ડયન કરે તે પ્રકારની અર્થવ્યવસ્થા વિકસિત કરી છે.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે, ‘વોકલ ફોર લોકલ’ અને ‘ગ્લોબલ ટૂ લોકલ’ ની બંને વિચારધારાનો સમય ભાવનગરમાં જોવાં મળે છે. ભાવનગર એ અતિ પ્રાચીન શહેર છે અને ભાવનગરની કલાકારીગરી એટલી પ્રખ્યાત છે કે દુબઈમાં યોજાતાં જ્વેલરીના પ્રદર્શનમાં ભાવનગરના સોનીઓની મોટી માંગ રહે છે.
તેમણે કહ્યું કે, ભાવનગર સાંસ્કૃતિક, પર્યટન ઉદ્યોગમાં અલગ ક્ષમતા અને કાબેલીયત ધરાવે છે અને તેને વિશ્વ ફલક પર ઉજાગર કરવાનું મહત્વપૂર્ણ અંગ કનેક્ટિવિટી છે. પોતાના વેપાર- ધંધાને વિકસાવવા માટે પોઇન્ટ ટૂ પોઇંટ કનેક્ટિવિટી મળે તે ખૂબ જ અગત્યની બાબત છે.
તેમણે કહ્યું કે, પહેલાં લાગતું હતું કે હવાઇ સેવા એ ફક્ત અમીરો માટે છે પરંતુ હવે એ યાત્રા સામાન્ય લોકો પણ કરી શકે તેવા અર્થતંત્રને વિકસિત કરીને તેનું પ્રજાતંત્રીકરણ કરી દીધું છે. પહેલાં દેશમાં ૭૦ એરપોર્ટ હતાં. આજે દેશમાં ૧૩૬ એરપોર્ટ દ્વારા એર કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવે છે. આધુનિક સમયમાં દરેક વ્યક્તિ માટે સમય ખૂબ કિંમતી છે. શિક્ષણ – વેપાર વગેરેનો વિકાસ માટે કનેક્ટિવિટી મળે તે માટેનો વિચાર વડાપ્રધાનએ કરીને તેને વાસ્તવમાં મૂર્તિમંત કરી બતાવ્યો છે. એર કનેક્ટિવિટી યાત્રીકોની આવાગમનની યાત્રા સુગમ અને સરળ બનાવે છે. વિમાની ક્ષેત્રે ગુજરાત આગળ પડતું રાજ્ય છે અને ગુજરાતને જ્યારે પણ જરૂર પડે ત્યારે ગુજરાતના જમાઈ તરીકે પોતે સેવા કરવા માટે તત્પર છે અને એ તેમની પ્રાથમિકતા રહેશે તેવો વિશ્વાસ તેમણે અપાવ્યો હતો.
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘ઉડે દેશ કા આમ આદમી’, ‘ઉડાન યોજના’ હેઠળ દેશમાં નાના શહેરોને પણ એર કનેક્ટિવિટીથી જોડવાનું જે અભિયાન ઉપાડ્યું છે તેમાં ભાવનગરના હવાઇ ઉડ્ડયન ક્ષેત્રનું આ નવું સોનેરી સોપાન બની રહેશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

ભાવનગર ગુજરાતનું વિકસતું અને મોટું શહેર છે. ભાવનગર વ્યાપાર ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર હોવાં સાથે ઘણાં બધાં મધ્યમ અને નાના ઉદ્યોગો ધરાવતું કેન્દ્ર છે. વિશ્વભરમાં ખ્યાતિ ધરાવતો જહાજ ભાગવાનો વાડો ભાવનગરના અલંગમાં આવેલો છે. ભારત સરકારની નવી વ્હિકલ સ્ક્રેપ પોલિસી અંતર્ગત પણ અલંગમાં જુના વાહનો ભંગાવવા માટે આવવાના છે. તો જૈનોનું પવિત્ર તિર્થસ્થાન પાલીતાણા સહિત અનેક પવિત્ર મંદિરો ભાવનગરમાં આવેલા છે. કાળિયાર માટેનો જ પ્રખ્યાત અભયારણ્ય એવું વેળાવદર પણ ભાવનગરમાં આવેલું છે ત્યારે આ કનેક્ટીવીટી વધતાં વધુને વધુ લોકો સરળતાથી ભાવનગર અને ભાવનગરના લોકો વિશ્વ સાથે જોડાઇ શકશે.

આમ, અનેક ગતિવિધિ સાથે સંકળાયેલા ભાવનગરને નવી એર કનેક્ટિવિટી મળતાં ભાવનગરવાસીઓને આંતરરાજ્ય સાથે આંતરરાષ્ટ્રીય મુસાફરી માટેનો નવો દ્વાર ખુલશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ અવસરે કેન્દ્રીય ઉડ્ડયન રાજ્યમંત્રી જનરલ ડો. વી.કે.સિંહે જણાવ્યું કે, ભાવનગર સને ૧૭૨૪ માં ભાવસિંહજી દ્વારા સ્થાપિત વેપારનું કેન્દ્ર તે જમાનામાં પણ હતું. એર કનેક્ટીવીટી વધતાં તેમાં વધારો થશે.

સાંસદ આર.સી પાટીલે સૂરતમાં વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને વધુ ફ્લાઇટ શરુ કરવાં માંગ કરી એક સમયે ફલાઇટ સેવા માટે આંદોલન કરવું પડતું હતું અને આજે ગુજરાતને એક જ દિવસમાં ત્રણ ફ્લાઇટ મળી રહી છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.

સાંસદ ભારતીબેન શિયાળે ભાવનગરની વર્ષો જૂની માંગણી સંતોષાઇ છે. આ સેવાથી ભાવનગરના વિકાસના દ્વારા ખૂલી જશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, વાયબ્રન્ટ ગુજરાતની શ્રૃંખલાને પરિણામે પૂરાં વિશ્વના લોકો ગુજરાતમાં રોકાણ કરવાં આવે છે. જેનાથી રોજગાર વધવાં સાથે રોજગારમાં પણ વૃધ્ધિ થઇ છે. આજે રોજગાર આપવામાં ગુજરાત દેશમાં નં. ૧ છે.

શિક્ષણ રાજ્ય મંત્રી સુ. વિભાવરીબેન દવેએ જણાવ્યું કે, ભાવનગર એક સાંસ્કૃતિક નગરી છે. અહીં અનેક મંદિરો આવેલાં છે. કાળિયાર અભ્યારણ્ય પણ અહીં આવેલું છે. અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ ભાવનગરમાં આવેલું છે ત્યારે ભાવનગરના લોકોને વિશ્વ સાથે કે દેશના ભાગો સાથે જોડાવાં માટે અમદાવાદ જવું પડતું હતું. હવે અહીંથી જ કનેક્ટીવીટી મળતાં લોકોની સગવડતામાં વૃધ્ધિ થઇ છે.

ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, ભાવનગર માટે આ નવું નજરાણું છે. ભાવનગર વિકાસની દિશામાં હકારાત્મક રીતે આગળ વધી રહ્યું છે ત્યારે આ એર કનેક્ટીવીટીથી ભાવનગર શહેરને અને જિલ્લાને મોટો ફાયદો થવાનો છે.

સ્પાઇસ જેટના ચેરમેન અજયસિંઘે સ્વાગત પ્રવચન કરીને આ ફ્લાઇટના પ્રથમ બોર્ડિંગ પાસ મહાનુભાવોને આપ્યાં હતાં. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન સચિવ પ્રદિપસિંહ ખરોલાએ આભારવિધી કરી હતી.

નોંધનીય છે કે,દિલ્હી અને મુંબઈ વિમાની સેવાનો શુભારંભ થયા બાદ આવતીકાલથી સુરત માટેની પણ વિમાની સેવાની શરૂઆત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ભાવનગર થી દિલ્હી અને મુંબઈની ફ્લાઈટ મંગળવાર અને શનિવાર સિવાયના બધા દિવસો દરમિયાન ચાલશે. આ ઉપરાંત ભાવનગર થી સુરતની ફ્લાઈટ ગુરુવાર, શનિવાર અને રવિવારના દિવસોએ ચાલશે.

આ અવસરે ભાવનગરના મેયર શ્રીમતી કીર્તિબેન દાણીધારીયા, કેશુભાઇ નાકરાણી, આર.સી.મકવાણા, ભાજપાના જિલ્લા અધ્યક્ષ મુકેશ લંગાળીયા, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન નાયબ સચિવ ઉષા પાઢી, મ્યુનિસિપલ કમિશનર એમ.એ ગાંધી, કલેકટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. પ્રશાંત જીલોવા, જિલ્લાના પદાધિકારીઓ- અધિકારીઓ તથા ભાવનગર વાસીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment