હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજય સરકારના સુશાસનના પાચ વર્ષ પૂર્ણ થયાના અવસરે રાજયવ્યાપી સેવાયજ્ઞના સાતમા દિવસે ‘વિકાસ દિવસ‘ અંતર્ગત જેતપુર ખાતે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના લાભાર્થીઓને આવાસના લાભો આપવા અને BS -6 એન્જિન થી સજજ નવી ૫ એસ ટી બસોનું ફ્લેગ આપી લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો દીપપ્રાગટ્ય કરી પ્રારંભ કરાવતા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વર્ષો પહેલાં રાજ્યમાં ખેડૂતોનું ખેત ઉત્પાદન ૧૧૦૦૦ કરોડ જેટલું જ હતું આજે રાજ્ય સરકારે અનેકવિધ યોજના અને ખેડૂતોને યોગ્ય લાભો આપી ખેડૂતો ન આધુનિક ખેતી પદ્ધતિ માટે પ્રોત્સાહન પૂરું પાડતા ખેત ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થતાં દોઢ લાખ કરોડનું ઉત્પાદન થઈ શકયું છે.
ગામડાઓમાં રસ્તા, આરોગ્ય, પીવાના પાણીની વ્યવસ્થા, શિક્ષણની સુવિધાઓ જેવા માળખાકીય વિકાસના કામો દ્વારા શહેર અને ગામડાનો એકસરખો વિકાસ કરી રાજયસરકારે ગુજરાતને રાષ્ટ્રીય ફલક પર અગ્રેસર બનાવ્યું છે. આમ રાજ્ય સરકારે લોકોની વચ્ચે રહીને લોકકલ્યાણ અને વિકાસના કાર્યો છેવાડાના માનવી સુધી પહોંચતા કર્યા છે. રાજય સરકારે આપેલા સર્વાંગી વિકાસના વચનોને પાળી વિકાસના કામોને પરિપૂર્ણ કરી નાગરિકોને અર્પણ કર્યા છે અને હજુ પણ લોકોની વચ્ચે રહીને વિકાસના અવિરત કાર્યો કરવા સરકાર કટિબદ્ધ છે આ પસંગે રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ રાજ્યમાં ૧ ઓગસ્ટ થી ૯ ઓગસ્ટ સુધી સેવાયજ્ઞ અન્વયે ચાલી રહેલા વિવિધ દિવસોના ૧૦ સોપાનો અન્વયે થનાર પ્રજા કલ્યાણ કાર્યોની વિગતો આપતા જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લાને વિકાસમાં અગ્રેસર સ્થાન પ્રાપ્ત થાય તે માટે સૌના સહકારથી વિકાસ કાર્યો કરવા રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર પણ કટિબદ્ધ છે.
જયારે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ આજથી શરૂ થયેલ ‘‘વતન પ્રેમ યોજના’’ની વિસ્તૃત વિગતો જણાવી હતી જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયાએ ગુજરાત સરકાર દ્વારા થયેલ પ્રજા કલ્યાણના વિકાસ કાર્યોની વિગતો આપી જણાવ્યું હતું કે આજે શહેર થી ગામડા સુધી વિકાસની પ્રતીતિ થઈ રહી છે. જેતપુર ખાતેના આ “વિકાસ દિવસ“ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જેતપુર-જામકંડોરણા-ધોરાજી-ઉપલેટા તાલુકાના લાભાર્થીઓને આવાસ યોજનાના સહાય/લાભો અર્પણ કરાયા હતા. ઉપરાંત બીએસ -૬ થી સજ્જ નવી ૫- એસ ટી બસને ફ્લેગ ઓફ કરાવી લોક સેવામાં અર્પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે BS 6 એન્જિન વાળી એસ. ટી. બસથી પ્રદૂષણ ફેલાતું બંધ થશે. કાર્યક્રમના પ્રારંભે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે. કે. પટેલે સર્વેનું શાબ્દીક સ્વાગત કર્યુ હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ કુસુમબેન સખરેલીયા, અગ્રણી ગોરધનભાઈ ધામેલિયા, દિનેશભાઈ ભુવા, વેલજીભાઈ સરવૈયા, રમેશ જોગી, કિશોર શાહ, આર. કે. રૈયાણી, સુભાષ બાંભરોલિયા, ભાવનાબેન ખુંટ, દિનેશ વઘાસીયા, દિનકર ગુંદારીયા, પ્રાંત અધિકારી કાલરીયા, રાજકોટ જિલ્લા એસ. ટી. વિભાગના અધિકારી એન વી ઠુંમર, મામલતદાર ડી. એ. ગીનિયા, તાલુકા વિકાસ અધિકારી કુંગાશિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજય વેકરીયાએ કરેલ હતું.