હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગરના પ્રખ્યાત બોર તળાવને સૌની યોજનાથી આજથી નર્મદાના નીરથી ભરવાની શરૂઆત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, તખ્તસિંહજીએ ભાવનગરની પાણીની સમસ્યા ઓળખીને તે જમાનામાં આવાં સુંદર તળાવનું નિર્માણ કર્યું હતું. રાજ્ય સરકારે રાજ્યમાં સૌની યોજના, સુજલામ- સુફલામ યોજના તથા રાજ્યના ૧૧૫ ડેમમાં પાણી ભરી પાણીના પાણીદાર આયોજન દ્વારા પીવાના પાણી સાથે સિંચાઇની સુદ્રઢ વ્યવસ્થા ગોઠવી છે.
આજે રૂા. ૧૪૬ કરોડના ખર્ચે સૌની યોજના અંતર્ગત બોર તળાવ નર્મદાના પાણીથી છલોછલ થઇ જશે તેમ જણાવતાં ધારાસભ્યએ કહ્યું કે, નર્મદાના નીરથી હવે ભાવનગર માટે દુષ્કાળ ભૂતકાળ બની જશે.
આ સિવાય આજે બગોદરા થી ધંધુકા અને ધંધુકા થી રંગોલી ચોકડી સુધી ફોર ટ્રેક લેન રોડ રૂા.૧૫૩ કરોડના ખર્ચે તૈયાર થશે. આમ, એક જ દિવસે ભાવનગરને રૂા. ૩૦૦ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યાં છે. તદઉપરાંત ફુલસરમાં બગીચો અને કાળિયાબીડમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તળાજા જકાતનાકા ફોરલેન ઓવરબ્રિજ પણ ખુલ્લાં મૂકાયાં છે તે આનંદની વાત છે.
તેમણે આજે વિજયભાઇ રૂપાણી અને નીતિનભાઇ પટેલના વડપણવાળી સરકારને પાંચ વર્ષ પૂર્ણ થવાં પર અભિનંદન પાઠવતાં કહ્યું કે, સ્થાનિક નેતાગીરીએ પણ આ કાર્યો સાકાર કરવાં માટે ઘણાં પ્રયત્નો કર્યા છે તેને પણ તેમણે બિરદાવ્યાં હતાં. આ અવસરે મેયર શ્રીમતી કીર્તિબેન દાણીધરિયા, મ્યુનિસિપલ કમિશનર એમ.એ. ગાંધી, કલેક્ટર યોગેશ નિરગુડે, કોર્પોરેટરો તથા સ્થાનિક નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી