હિન્દ ન્યુઝ, ભાવનગર
૨૧ મી જૂન “વિશ્વ યોગ દિવસ” ના રોજ ભાવનગરના વિદ્યાનગર ખાતે આવેલ અંધ ઉદ્યોગશાળા ખાતે ટી.બી.ના રોગમાંથી મુક્ત થયેલાં દર્દીઓએ યોગની સાધના કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી.
ભાવનગરની સર ટી. હોસ્પિટલ અને જિલ્લા ક્ષય કેન્દ્ર ભાવનગરના સહયોગથી ટી.બી. (ક્ષય- ટ્યુબરક્યુલોસિસ) થી ૧૬ પીડિત દર્દીઓ કે જેઓ સારવાર મેળવીને સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયા છે. તેવાં ટી.બી.ના દર્દીઓએ યોગાની વિવિધ મુદ્વાઓનો યોગાભ્યાસ કરીને પોતાની શ્વાસોશ્વાસની ક્ષમતાને વધારવાં સાથે નાગરિક સમાજને પણ યોગ કરવાનો સંદેશો આપ્યો હતો.
“યોગા ફોર બેટરમેન્ટ ઓફ પોસ્ટ ટી.બી. પેશન્ટ” થીમ આધારિત રાજ્યની છ મેડિકલ કોલેજમાં પલ્મોનરી ટી.બી.ની સારવાર પૂરી કરેલ દર્દીઓને યોગ કરાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત સર ટી. હોસ્પિટલમાં ટી.બી.ની સારવાર મેળવેલ દર્દીઓએ ભાવનગરના વિદ્યાનગર ખાતે આવેલ અંધ ઉદ્યોગશાળા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણીને સાર્થક કરતાં આ યોગ સત્રમાં યોગનું નિદર્શન કર્યું હતું. જિલ્લા ક્ષય કેન્દ્ર, ભાવનગરના અધિકારી ડો. પ્રવિણ રહેવરે આ અંગે જણાવ્યું કે, યોગથી આ દર્દીઓની ફેફસાની ક્ષમતા વધવાં સાથે ઓક્સીજનનું સ્તર સુધરે છે. યોગથી કામમાં ધ્યાન કેન્દ્રીત કરવાની ક્ષમતા વધે છે. આ દર્દીઓ માટે કુલ- ૨૧ દિવસ યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાંથી અત્યારે એક અઠવાડિયા માટે યોગ કરાવીને તેમના પલ્સ, ઓક્સીજન, હીમોગ્લોબીન વગેરેના રીડીંગ લેવામાં આવ્યાં છે. કાલથી તેઓ તેમના ઘરે અમારા માર્ગદર્શન હેઠળ ૧૫ દિવસ સુધી યોગ કરશે. અને આમ, કુલ-૨૧ દિવસ બાદ તેમની સંપૂર્ણ તપાસ કરીને યોગ દ્રારા કેટલો ફેરફાર આવ્યો તે જોવામાં આવશે અને તેને આધારે વ્યાપક પ્રમાણમાં તેના ઉપયોગ માટેની સુયોગ્ય પધ્ધતિ દાખલ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા ટી.બી.ને વર્ષ- ૨૦૨૫ સુધીમાં દેશમાંથી નેસ્તોનાબૂદ કરવા માટે આયોજનબધ્ધ રીતે કાર્ય કરવામાં આવી રહ્યું છે. એવામાં ૨૧ મી જૂન વિશ્વ યોગ દિન નિમિત્તે યોગનો યોગાભ્યાસ ટી.બી થી પીડિત દર્દીઓમાં નવઉર્જાનો સંચાર જરૂરથી કરશે.
ટી.બી. એ મુખ્યત્વે ફેફસાનેં અસર કરતો રોગ છે અને ટી.બી.ના દર્દીઓમાં ફેફસામાં શ્વાચ્છોશ્વાસની ક્રિયામાં ખાસ તકલીફ પડતી જોવા મળે છે. જેથી દર્દીની સારવાર પૂર્ણ થાય ત્યારબાદ ફેફસાની કસરત નિયમિત રીતે કરતી રહેવી જરૂરી બની રહે છે. યોગ કરવાથી ફેફસાની કાર્યશક્તિમાં વધારે થાય છે અને દર્દીની જીવન કાર્યદક્ષતામાં સુધારો જોવા મળે છે. આ કારણોસર ટી.બી.ની સારવાર પુરી થઇ ગયા બાદ યોગ/ પ્રાણાયામ નિયમિત રીતે કરવામાં આવે તો જીવન તંદુરસ્ત બની રહે છે. ટીબીના દર્દીઓને યોગ માટે જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા એક બેચ બનાવવામાં આવશે. જેમાં પલ્મોનરી ટીબીના ૧૦ થી ૨૦ દર્દીઓનો સમાવેશ કરવામાં આવશે. દર્દી ૧૮ વર્ષથી ઉપરના પસંદ કરવામાં આવશે. ટીબીના સાજા થયેલ દર્દીઓને આ યોગ કાર્યક્રમમાં જોડવામાં આવશે.
આ યોગ કાર્યક્રમમાં સર ટી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. જયેશ બ્રમ્હભટ્ટ, અંધ ઉદ્યોગ કેન્દ્રના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી