હિન્દ ન્યુઝ, ભાવનગર
સમગ્ર વિશ્વને ભેટ એવી ભારતની અણમોલ વિરાસત એવાં ૭ મા વિશ્વ યોગ દિવસની ભાવનગર ખાતે ઉજવણી કરાઇ હતી. ભાવનગર કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી યોજાયેલાં કાર્યક્રમમાં ભાવનગરમાં યોગના ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનારા ૨૦ યોગ કોચ અને ટ્રેનર્સને પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યાં હતાં.
ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણી, કલેક્ટર ગૌરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારી વરૂણ બરનવાલના હસ્તે આ યોગ ગુરૂઓનું સન્માનપત્ર આપી યથોચિત સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી સંબોધન કરતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતને ઉત્તમ થી સર્વોત્તમ સાથે યોગ જેવી વૈશ્વિક વિરાસતથી સૌના તન-મનની તંદુરસ્તી સાથે દિવ્ય ગુજરાતના નિર્માણની નેમ તેમણે વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયત્નોથી યોગને વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઇ છે. પશ્ચિમી વિશ્વ જીમ અને જોગીંગ દ્વારા ફક્ત તનની તંદુરસ્તીની વાત કરે છે, જ્યારે ભારતે મહર્ષિ પતંજલીએ ૫ હજાર વર્ષ પહેલાં ભારતવર્ષને આપેલી અણમોલ ભેટ તન સાથે મનની દુરસ્તી અને તંદુરસ્તીનો માર્ગ દર્શાવે છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોનાની મહામારીમાં ફેફસાને મોટા પ્રમાણમાં નુકશાન થાય છે. યોગ એ ફેફસાની ક્ષમતાને વિકસાવીને શ્વાસોશ્વાસની ક્રિયાને વધુ મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. તેની સાથે રોગપ્રતિકારક ક્ષમતાવર્ધન કરે છે તેની આજે વિશ્વને ખબર પડી છે અને તેને લઇને સમગ્ર વિશ્વે તેને સ્વીકૃતિ આપી છે અને વિશ્વભરમાં ૨૧ મી જૂનના રોગ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ગુજરાતે તેની ઉપયોગીતા ઓળખીને ૩ વર્ષ પહેલાં યોગ બોર્ડની રચના કરી હતી અને આ યોગ બોર્ડ દ્વારા ૭૫૦ યોગ કોચ અને ૫૩ હજાર ટ્રેનર્સને તૈયાર કર્યા છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે, ભારત પાસે અનેક દર્શન છે, પુરાતન સંસ્કૃતિ છે અને હવે યોગને વૈશ્વિક માન્યતા મળતાં ભારતને જગતજનની બને તે માટેની પ્રતિષ્ઠામાં વધારો થયો છે. વિજયભાઇએ કહ્યું કે, યોગથી શરીર, મન, બુધ્ધિ અને આત્મા નિરોગી બને છે. ગુજરાતે માનવીય વિકાસ માટેના ઇન્ડેક્ષમાં હેપ્પીનેશને પણ જોડી છે અને તે દ્વારા રાજ્યના નાગરિકો યોગ દ્વારા સર્વજનાય સુખીનામઃ ને સાર્થક બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી ઇશ્વરસિંહ પટેલે તન-મનની તંદુરસ્તી માટે યોગ મહત્વપૂર્ણ છે તેમ જણાવી કોરોના કાળમાં શ્વાસોશ્વાસ માટે યોગ કેટલાં મહત્વપૂર્ણ છે તેની મહત્તા સમજાઇ છે. યોગના મહત્વને ઓળખીને યોગ બોર્ડ દ્વારા બાયસેગના માધ્યમથી રાજ્યની જનતા યોગનો લાભ લઇ શકે તે માટે ૧ જૂન થી ૨૧ જૂન સુધી યોગના નિદર્શનનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીએ યોગને જનજન સુધી પહોંચાડવા માટે યોગ બોર્ડ દ્વારા કરવામાં આવેલ પ્રવૃત્તિઓની રૂપરેખા આપી હતી. મુખ્યમંત્રીએ પ્રતિક રૂપે ૭ યોગગુરૂઓને પ્રમાણપત્ર આપી સન્માનીત કર્યા હતાં. યોગ દિવસની ઉજવણીમાં યોગ બોર્ડના સભ્ય ભાનુભાઇ ચૌધરી અને યુવક સેવા અને સાંસ્કૃતિક બાબતોના અધિક મુખ્ય સચિવ સી.વી.સોમ અને વિવિધ જિલ્લાઓમાંથી મંત્રીઓ તથા મહાનુભાવો જોડાયાં હતાં.
બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી