ભાવનગરની આરોગ્ય ક્ષેત્રમાં વધુ એક સિદ્ધિ

હિન્દ ન્યૂઝ, ભાવનગર

    ભાવનગરની આરોગ્ય ક્ષેત્રમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો થયો છે. કેન્દ્ર સરકારના નેશનલ હેલ્થ મિશન દ્વારા ત્રાહિત મૂલ્યાંકન દ્વારા કરીને ભાવનગરના મથાવડા અને હાથબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સર્ટિફિકેશન માટે પસંદગી કરવામાં આવી છે. તેની માન્યતા એક વર્ષ સુધીની રહેશે. મથાવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રે આ બાબતે ૮૦.૩૬ ટકા અને હાથબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રે ૯૦.૯૮ નો સ્કોર કર્યો છે.
    આ અંગેની જાણ કરતો પત્ર નેશનલ હેલ્થ મિશનના અધિક સચિવ અને ડાયરેક્ટર વંદના ગુરુનાની દ્વારા રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ જયંતિ એસ. રવિને સંબોધીને પાઠવવામાં આવ્યો છે.

આ સિવાય જામનગરના કામદાર કોલોનીના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અમરેલીના ચમારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પસંદગી આ પ્રમાણપત્ર માટે કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યનું પ્રમાણપત્ર, વર્ચ્યુઅલ મૂલ્યાંકન, દસ્તાવેજની ચકાસણી, વૈજ્ઞાનિક અને કાયદાકીય પૂર્તી, મહત્વપૂર્ણ કાર્યક્ષમતા વગેરેના સ્કોરના આધારે આ સમગ્ર મૂલ્યાંકન અને ગુણાંકન કરવામાં આવે છે.

આ સિવાય ઓ.પી.ડી., લેબોરેટરી, લેબર રૂમ, ઇન પેશન્ટ ડિપાર્ટમેન્ટ, નેશનલ હેલ્થ પ્રોગ્રામ અને સામાન્ય વહીવટ સહિતની બાબતોને પણ આ પ્રમાણપત્રના મૂલ્યાંકન અને ગુણાંકન માટે ધ્યાનમાં લેવામાં આવે છે.

દેશના કુલ ૧૭૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આ માટે લાયક ગણવામાં આવ્યા છે. તેમાં ગુજરાતના ૧૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સમાવેશ થાય છે.

આમ, ગુજરાતે ફરી એકવાર દેશ ક્ષેત્રે આ સન્માન પ્રાપ્ત કરીને આરોગ્ય ક્ષેત્રે પોતાનો પરચમ લહેરાવ્યો છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment