શું સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ પાસે કોરોના પ્રુફ છે ? આખો જિલ્લો બંધ તો SOU કેમ ખુલ્લું ?

હિન્દ ન્યૂઝ, નર્મદા  

     એક તરફ નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમણની ચેન તોડવા 13 મી એપ્રિલથી 15 એપ્રિલ દરમીયાન આખો નર્મદા જિલ્લો સ્વયંભુ બંધ રહેશે. તો બીજી બાજુ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ ખુલ્લું રખાયું હશે, એ પ્રશ્ન ઊઠી રહ્યા છે. બીજી બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને લીધે જો ભવિષ્યમાં જિલ્લામાં કોરોના સંક્રમણ વધે તો એનો જવાબદાર કોણ ? એવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.

નર્મદા જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને ડેડીયાપાડા, સાગબારા, સેલંબાના વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરી છે. રાજપીપળા શહેર, કેવડિયા, તિલકવાડા, દેવલિયા, ગરુડેશ્વર ગામોના બજારો પણ આગામી 3-4 દિવસ સુધી સંપૂર્ણ બંધ રાખવાની વેપારીઓએ જાહેરાત કરી છે. આખા ગુજરાતમાં નર્મદા પ્રથમ એવો જિલ્લો હશે જે 13 એપ્રિલથી 15 એપ્રિલ દરમિયાન સ્વયંભૂ બંધ રહેશે.

આ દિવસો દરમિયાન જો કોઈ પણ વ્યક્તિ રાજપીપળામાં આવશે તો એમનો આર.ટી.પી.સી.આર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવશે. હવે અહીંયા એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે મેં જ્યારે 3 દિવસ આખો જિલ્લો જ બંધ રહેશે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ ખુલ્લું રાખવામાં આવ્યું હશે. જેનો આર.ટી.પી.સી.આર રિપોર્ટ નેગેટિવ હોય એને જ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવેશ આપવો જોઈએ એવી માંગ ઉઠી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જ્યાં સૌથી વધુ કોરોના સંક્રમણ છે એવા વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટના જ પ્રવાસીઓ વધુ આવતા હોય છે. તેથી એ પ્રવાસીઓ જો કોરોના સંક્રમિત હોય અને જિલ્લામાં કોરોના સંક્રમણ વધુ ફેલાય તો એનો જવાબદાર કોણ ? એક તરફ કોરોના સંક્રમણને લીધે રાજ્યના મોટે ભાગના ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો બંધ છે તો બીજી બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ ખુલ્લું ? એ પ્રશ્ન ઉઠી રહ્યા છે. કોરોના સંક્રમણની ચેન તોડવા જ્યારે જિલ્લાના વેપારીઓએ 3 દિવસ સજ્જડ લોકડાઉનની જાહેરાત કરી છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ શું કોરોના પ્રુફ હશે ? કે પછી સરકાર ફક્ત પોતાના ફાયદા ખાતર નર્મદા જિલ્લા વાસીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહી છે, એવી ચર્ચાઓએ હાલ જોર પકડ્યું છે.

રિપોર્ટર : અંકુર ઋષિ, રાજપીપલા

Related posts

Leave a Comment