નર્મદા જિલ્લામાં ૪૫ વર્ષથી વધુની વયનાં ને ગત સાંજ સુધીમાં ૫૫ હજારથી વધુને કોરોના વેક્સીન અપાઇ

હિન્દ ન્યૂઝ, નર્મદા

કોરોના વિરોધી રસી લીધા બાદ રાજપીપલાના સ્વામીનારાયણ ગુરૂકુળના સંત શ્રી સિધ્ધેશ્વર સ્વામીજીની કોઇપણ જાતની ગભરાહટ વિના આપણા રાષ્ટ્રની સ્વદેશી વેક્સીનનો તમામ વ્યક્તિઓને નિ:સંકોચ પણે લાભ લઇ પ્રત્યેક લાભાર્થી અન્ય દસ વ્યક્તિઓને રસી મૂકાવવા પ્રેરિત કરે તેવી હ્રદયસ્પરર્શી અપીલ
૪૫ વર્ષથી વધુ વયના તમામ લોકોને કોરોના વિરોધી રસીકરણ હેઠળ આવરી લેવાની હાથ ધરાયેલી ખાસ ઝુંબેશના ભાગરૂપે રસીકરણની કામગીરી આગળ ધપી રહી છે. તેમ જણાવતાં નર્મદા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના એપીડેમીક મેડીકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપે જણાવ્યું હતું કે, આજે રાજપીપલાના શહેરી વિસ્તારમાં સુપર સ્પ્રેડર તરીકે લારી-ગલ્લાવાળાઓને વેકસીન આપવાની અને કોવિડ-૧૯ ના ટેસ્ટીંગની કામગીરી હાથ ધરાયેલ છે. ૧૦૦ થી વધુ લારી – ગલ્લાવાળાઓનું શાકમાર્કેટમાં સુપરસ્પ્રેડર તરીકે ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે. કોવિડ-૧૯ ની પ્રવર્તમાન પરિસ્થિતિને લક્ષમાં લઇને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાના સેલંબા, દેડિયાપાડા, સિસોદરા, ગરૂડેશ્વર વગેરે જેવા મોટા ગામોના સરપંચઓને વિશ્વાસમાં લઇને આ બધા ગામોના બજારો સાંજના ૬:૦૦ વાગ્યા પછી સ્વૈચ્છિક રીતે બંધ રખાય તેવી અપીલ કરાશે અને તે કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરીશું. ડૉ. આર.એસ.કશ્યપે વધુમાં માહિતી આપતાં જણાવ્યું હતુ કે, ૪૫ વર્ષથી ઉપરની વયના નાગરિકોને રસીકરણની કામગીરી અંતર્ગત આજે તા.૫ મી એપ્રિલ, ૨૦૨૧ ના રોજ બપોરના સુમારે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં ૭૫૦ વ્યક્તિઓને રસી અપાઇ ચૂકી છે. જિલ્લામાં ૪૫ વર્ષથી વધુની વયના ૧,૪૭,૦૫૨ વ્યક્તિઓના લક્ષ્યાંક સામે ગઇકાલ સાંજ સુધીમાં ૫૫ હજારથી વધુને રસીકરણ કરીને સિધ્ધિ હાંસલ કરેલ છે.

હાલમાં રાજપીપલામાં કોવિડ કેર સેન્ટરની ક્ષમતા ૩૫૦ ની છે. જરૂર પડએ તાલુકાકક્ષાએ પણ કોવિડ કેર સેન્ટર ઉભા કરવાની તૈયારીઓ પૂર્ણ કરેલ છે અને જરૂરિયાતવાળા દરદીઓને ત્યાં દાખલ કરીને જરૂરી સારવાર આપવામાં આવશે. તેની સાથોસાથ જિલ્લામાં ટૂંક સમયમાં દિન-૨ માં સેલંબા, દેડિયાપાડા, સિસોદરા, ગરૂડેશ્વર અને દેવલીયામાં પાંચ નવા ધન્વંતરી રથની આરોગ્ય સેવાઓ પણ ઉપલબ્ધ કરાશે.

રાજપીપલા નગરપાલિકા કચેરી પાછળ આવેલ સ્વામીનારાયણ ગુરૂકુળના સંત શ્રી સિધ્ધેશ્વર સ્વામીજીએ જણાવ્યું હતુ કે, આજે મે કોવિડ-૧૯ નું વેકસીનેશન કરાવ્યું છે, વેકસીનેશન કર્યા પછી અત્યારે હાલમાં મને કોઇ જ તકલીફ નથી. સને-૨૦૧૨ માં મારી યુરોપ્લાથીની ગંભીર બિમારી હોવા છતાં મારા ગ્લોબલના ડોકટરની ટીમે મને ખાસ ભલામણ અને સૂચનો કરી વેકસીનેશન લેવા માટે જાણ કરી કરી હતી. એટલે આવી અતિ-ગંભીર બિમારી હોવા છતાં સ્હેજ પણ ગભરાયા વગર મેં આજે આ વેકસીન લીધી છે અને વેકસીન લીધા પછી કોઇપણ જાતની હાલમાં આડઅસર નથી. અને આ વેકસીન વિશ્વમાં કોરોનાની જે મહામારી ચાલી રહી છે અને એમાં અત્યારે ગુજરાતની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને મારે તમામ પ્રજાજન અને જનતાને નમ્ર અપીલ છે કે કોઇપણ જાતની ગભરાહટ વિના ખાસ વેકસીનેશન કરાવવું. કોઇપણ જાતના અંધ વિશ્વાસની અંદર કે ખોટી રીતે કોઇ આશિર્વાદોમાં આવવાની કોઇ જરૂર નથી. અને એવી ખોટી અફવાઓથી દૂર રહી ભારતની આ સ્વદેશી વેકસીન છે, ત્યારે આપણે સૌએ આપણા રાષ્ટ્ર ઉપર પૂર્ણ વિશ્વાસ રાખી અને આપણે વેકસીનેશન અવશ્ય કરાવવું જોઇએ. આપણી આ સ્વદેશી વેક્સીન હોઇ, તમામ વ્યકિતઓને નિ:સંકોચપણે વેકસીન લેવા અને બીજાને વેકસીન લેવડાવવા સ્વામીજીએ હ્રદયસ્પર્શી અપીલ કરેલ છે. સ્વામીશ્રી તરફથી જેણે જેણે વેકસીન લીધી હોય તેઓને પ્રાર્થના છે કે, તમોએ વેક્સીન લીધી છે તો દસ જણાને સમજાવી અને બીજા દસ જણાને વેકસીન અપાવો, જેથી વધુમાં વધુ વ્યકિતઓ સમજે અને ખૂબ પ્રમાણમાં વેકસીનેશન થાય અને આ મહામારી કાબુમાં આવી શકે. સાથે સાથે વેકસીન લીધા પછી પણ કાળજી એટલી જ રાખવાની છે જેમ કે, માસ્ક પહેરવું, સોસીયલ ડિસ્ટન્સ રાખવું અને જાહેર ભીડવાળી જગ્યા ઉપર જવું નહીં, સેનીટાઇઝ કરવું, જયાં-ત્યાં થુંકવુ નહીં અને ખૂબજ કાળજી રાખી આ રોગની ગંભીરતાથી અને આપણે બધા સાથે મળી રોગને નિયંત્રણમાં લાવવાનો છે.
રાજપીપલા સ્વામીનારાયણ ગુરુકુળના સંત શ્રી સિધ્ધેશ્વર સ્વામીજીના સાથીશ્રી અને સંસ્થાના ટ્રસ્ટ્રી કિરીટસિંહ રાઠોડ જણાવે છે કે, મેં આજે વેકસીન લીધી છે અને કોઇપણ જાતની આડઅસર થઇ નથી. મારી જાહેર જનતાને અપીલ છે કે, દરેક વ્યકિતએ વેકસીનેશન કરાવવું જોઇએ, તેનાથી કોઇએ બિનજરૂરી ગભરાવવાની જરૂર નથી, વેકસીન સંપૂર્ણપણે સુરક્ષિત છે.

રિપોર્ટર : અંકુર ઋષિ, નર્મદા

Related posts

Leave a Comment