રાજકોટમાં માનનીય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘સેલિબ્રેટિંગ ઇન્ડિયા @ 75 આઝાદીકા અમૃત મહોત્સવ’ કાર્યક્રમ યોજાયો

મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થી ભાઈબહેન દ્વારા પૂ. ગાંધી બાપુની ઐતિહાસિક દાંડી યાત્રાની નાટીકા રજુ કરી આઝાદીની લડત વખતનો માહોલ રીક્રીએટ કર્યો

 હિન્દ ન્યૂઝ, રાજકોટ 

         અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે આજે  તા૧૨/૦૩/૦૨૦૨૧ ના રોજ  માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં સેલિબ્રેટિંગ ઇન્ડિયા @75 આઝાદી કા અમૃત મહોત્સવ‘ ના પ્રારંભના ઉપલક્ષ્યમાં રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ જિલ્લા વહિવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સેલિબ્રેટિંગ ઇન્ડિયા @75 આઝાદી કા અમૃત મહોત્સવ‘ કાર્યક્રમનું રાજકોટના મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે કાલે સવારે ૦૯:૦૦ વાગ્યે માનનીય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.  નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે ૯૧ વર્ષ બાદ પૂન: જીવંત થઈ ઉઠેલી ઐતિહાસિક દાંડીયાત્રા આઝાદીની લડત વખતના માહોલના સાક્ષી બન્યા હતા.

            આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, અંગ્રેજી હુકુમત સામે આઝાદીના લડવૈયાઓએ અભૂતપૂર્વ સ્વાતંત્ર્ય સંગ્રામ લડી જે બલિદાનો આપ્યા છે તેના પરિણામે દેશને મળેલી આઝાદી અત્યંત અમૂલ્ય છે અને તેનું જતન કરવું પણ એટલું જ જરૂરી છે. રાષ્ટ્રપિતા પૂ. ગાંધી બાપુએ અમદાવાદમાં તેમણે સ્થાપેલા સાબરમતી આશ્રમ ખાતેથી દાંડી સુધી “દાંડી યાત્રા” યોજી અંગ્રેજ શાસકોએ મીઠા પર લાદેલા કરનો વિરોધ કરી એ અન્યાયી કાનૂન ભંગ કર્યો હતો. સને ૧૯૩૦માં યોજાયેલી ૨૪ દિવસની આ દાંડી યાત્રા સાથે જ ભારતમાં અંગ્રેજી શાસનના પતનનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું હતું. પૂ. ગાંધી બાપુએ દાંડી યાત્રા વખતે કહ્યું હતું કે, હું અંગ્રેજી હુકુમતના પાયામાં આ મીઠું નાંખું છું અને તેનાથી તેમાં લુણો લાગશે અને તેનું પતન થશે. આપણે એ પણ સમજવું રહયું કે, સને ૧૯૩૦માં ભારતની કુલ વસતિ આશરે ૩૦ કરોડ જેવી હતી. એવા સમયે પૂ. ગાંધી બાપુની દાંડી યાત્રામાં આશરે ૧૦ હજાર જેટલા નાગરિકો જોડાયા હતાં એ ખુબ જ મોટી વાત છે. આ લડત વખતે સરદાર વલ્લભભાઈ પટેલ જો દાંડી યાત્રામાં જોડાય તો લોકોનો ઉત્સાહ ખુબ વધી જશે એવા ડર સાથે અંગ્રેજોએ સદાર વલ્લભભાઈ પટેલ સામે કેસ નોંધી તેમને જેલમાં પુરી દીધા હતાં. આ પ્રસંગને આજે આપણે યાદ કરીને આપણા ઇતિહાસને આત્મસાત કરીએ. જે પ્રજા ઇતિહાસ અને ભૂતકાળ ભૂલી જાય છે તે નામશેષ થઇ જાય છે. આપણા સૌની એ ફરજ છે કે, દેશની વર્તમાન યુવા પેઢીને આપણા ભૂતકાળના ઐતિહાસિક સ્વાતંત્ર્ય સંગ્રામની હકીકતોથી વાકેફ કરવા. આ ઉમદા હેતુ સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમની પ્રેરણા આપી છે.

       નીતિનભાઈ પટેલે વધુમાં એમ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા ગાંધીજીને વિદ્યાર્થી જીવનથી જ નૈતિકતાનું બળ પુરૂ પાડવામાં રાજકોટ નું યોગદાન અમૂલ્ય છે. પોતાના જીવન ઘડતરના મહામૂલા ૧૫ વર્ષો રાજકોટ ખાતે વિતાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની રાજકોટ ખાતેની યાદોને પણ નીતિનભાઈએ તાજી કરી હતી. દેશી નવી પેઢીને ભારતના ભવ્ય ઐતિહાસિક વારસાથી અવગત કરાવવાની આપણી નૈતિક જવાબદારીનું નીતિનભાઇ પટેલે સ્મરણ કરાવ્યું હતું અને ગાંધીજીના હસ્તે મળેલી અમૂલ્ય આઝાદી દ્વારા આત્મનિર્ભરતા-સ્વરોજગારી-સ્વદેશીનો વ્યાપ વિસ્તારવા આહ્વાન કર્યું હતું. તેમજ તેમણે કહ્યું હતું કે, જે બાબતનું મૂલ્ય આપણને ખબર નથી તેને આપણે હળવાશથી લઈએ છીએ અને જ્યારે આપણે મૂલ્ય સમજાય છે ત્યારે જ તે બાબત પ્રત્યે ગંભીર બનીએ છીએ. આઝાદીનું મૂલ્ય જાણવાથી નવી પેઢી આઝાદી પ્રત્યે સભાન બને છે. હજારો વર્ષ પુરાણી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા માટે રાષ્ટ્રવ્યાપી ઉજવણી અનિવાર્ય છેએમ જણાવતાં નાયબ મુખ્ય મંત્રીએ સંસ્કૃતિની જાળવણી માટે  પ્રેરણાદાયી વાંચન કરવા વાંચન કરવા યુવાનોને શીખ આપી હતી.

         નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશના નાગરિકોના બલિદાનો થકી મળેલી મહામૂલી આઝાદીને આત્મસાત કરવા માટે વડાપ્રધાન મોદીએ અમલી બનાવેલા વિવિધ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમોની રૂપરેખા આપી હતી. તેમણે એમ કહ્યું કે, પૂ. ગાંધી બાપુએ આપેલા અહિંસા, સ્વચ્છતા, અસ્પૃશ્યતા નિવારણ, સૌને ન્યાય, આત્મનિર્ભર દેશ, સ્વદેશી વગેરે સિદ્ધાંતોને રાષ્ટ્રે અપનાવી તેને અનુસરવું જોઈએ. માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ તેના ભાર મુક્યો છે.

      રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આગેવાનીમાં જીવનજરૂરી ચીજ એવા મીઠા પર અંગ્રેજ શાસકો દ્વારા લગાવાયેલા ૨૪૦૦ ટકા કરનો વિરોધ કરવા ૧૨ માર્ચ ૧૯૩૦ના રોજ સાબરમતી આશ્રમ ખાતે થી શરૂ થયેલી દાંડીકૂચને રાજકોટ ખાતે વિદ્યાર્થી ભાઈબહેનો દ્વારા આબેહુબ રીતે જીવંત કરવામાં આવી હતી. અને ઉપસ્થિત દેશપ્રેમી નાગરિકો ગાંધીજીના સત્યાગ્રહની યાદોમાં ભાવવાહી રીતે સામેલ થયા હતા. 

આ કાર્યક્રમના પ્રારંભ પૂર્વે ગાંધી મ્યુઝિયમ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી  આદરાંજલિ આપી હતી. રાજકોટ મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે રાજકોટ સ્થિત મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે યોજાયેલ આ કાર્યક્રમનો શુભારંભ ધોળકિયા સ્કૂલની છાત્રાઓના સ્વાગત ગીતથી થયો હતો. બે મિનિટનું મૌન પાળીને ઉપસ્થિતોએ સ્વાતંત્ર્ય સેનાનીઓને અંજલિ આપી હતીન્યુ એરા સ્કૂલના વિદ્યાર્થીઓએ ભજન રજૂ કર્યું હતું. કોટક સાયન્સ કોલેજના છાત્રોએ  પ્રતિકાત્મક રજૂઆત દ્વારા દાંડીકૂચને પુનર્જીવિત કરી હતી. ગાંધીજીના જીવન-પ્રસંગોને તાદ્રશ્ય કરતો એક રાષ્ટ્રભક્તિ સભર ગરબો આ પ્રસંગે રજુ કરાયો હતો. જાણીતા વક્તાઓ શૈલેશ સગપરીયા અને જ્વલંત છાયાએ વર્તમાન પરિપ્રેક્ષ્યમાં આઝાદીની વિભાવના સાકાર કરી હતી. રાજકોટના સ્વતંત્ર્ય સેનાની મનુભાઈ વિઠલાણીનું નીતિનભાઈએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. જિલ્લા કલેકટર રેમ્યા મોહને સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમની ટૂંકી રૂપરેખા આપી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈનું પુષ્પહાર તથા રેટિયોની પ્રતિકૃતિ આપી બહુમાન કરાયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે આયોજિત કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત મહાનુભાવોએ નિહાળ્યુ  હતું. 

           આ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રીના ધર્મપત્ની શ્રીમતી અંજલીબેન રૂપાણી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, પ્રદેશ ભાજપ અગ્રણી  નીતિનભાઈ ભારદ્વાજ, કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત કોર્પોરેટરઓડી.આઇ.જી. સંદીપસિંહપોલીસ અધિક્ષક બલરામ મીનાનાયબ મ્યુનિસિપલ કમિશનરઓ બી. જી. પ્રજાપતિ,  એ.આર. સિંહ અને ચેતન નંદાણી તેમજ અન્ય અધિકારીઓ અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તથા રાષ્ટ્રપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment