જામનગર,
જામનગર માટે આગામી 100 કલાક ખુબજ મહત્વના છે. જો આ 100 કલાકમાં કોરોના પોઝિટીવનો કેસ નહી આવે તો 21 એપ્રિલથી જામનગર શહેર સહિત જિલ્લામાં લોકડાઉનમાં રાહતભરી છૂટછાટ મળવાની પુરેપુરી સંભાવનાઓ જોવાઇ રહી છે. 20 એપ્રિલ બાદ કેન્દ્ર અને રાજ્ય સરકાર લોકડાઉનમાં છૂટછાટ આપવા જઇ રહી છે. આ માટે કેન્દ્ર સરકારે ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. જ્યારે રાજ્ય સરકાર આજે જાહેર કરશે. આ માટે રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન નક્કિ કરવામાં આવી રહ્યા છે. જે પૈકી રેડઝોનની યાદી ગઇકાલે જાહેર કરી દેવામાં આવી છે. જેમાં ગુજરાતનાં પાંચ શહેરોનો સમાવેશ છે. તેમાં જામનગર નથી. સંભવત: જામનગરનો સમાવેશ ગ્રીન ઝોનમાં થઇ શકે છે. કેમ કે જામનગરમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટીવનો માત્ર એક જ કેસ નોંધાયો છે. અને તેને પણ 14 દિવસથી વધુનો સમય થઇ ગયો છે. એક રિપોર્ટ મુજબ જો 21 દિવસ સુધી કોઇ પોઝિટીવ કેસ ન નોંધાય તો કોરોનાની ચેઇન તુટી ગયાનું સમજવામાં આવે છે. જામનગરનાં દરેડમાં કોરોના પોઝિટીવનો જે કેસ નોંધાયો છે. તેનું કોઇ ટ્રાન્સમીશન મળ્યું નથી. મૃત્યુ પામેલા બાળકનો કેસ તબિબો અને તજજ્ઞો માટે પણ એક કોયડો બની રહ્યો છે. આ કેસને બાદ કરતા જામનગરમાં એક પણ કેસ મળ્યો નથી. જામનગરના અત્યાર સુધીમાં એટલે કે 15 એપ્રિલ સુધીમાં કુલ 356 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 355 નેગેટિવ આવ્યા છે. એક માત્ર બાળકનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો.
ત્યારે એટલું ચોક્કસ માની શકાય કે જામનગરનો સમાવેશ કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં નથી. આ સ્થિતિમાં 20 એપ્રિલ બાદ જામનગરને લોકડાઉનમાં રાહત (છૂટછાટ) મળવાની પુરેપુરી સંભાવના જણાઇ રહી છે. ત્યારે જામનગરવાસીઓએ હવે કેટલીક કલાકોની ધીરજ ધરવાની છે. આવેશમાં આવી એવું કોઇ જોખમ ન ઉઠાવે કે જેનાથી કોરોનાનો ખતરો ઉભો થઇ શકે. આટલા દિવસો આપણે તંત્રને સાથ અને સહકાર આપ્યો છે. બસ હવે તો થોડા કલાકોનો પ્રશ્ર્ન છે. આપણે થોડી સમજદારી અને જાગૃતિ દર્શાવશુ.
રિપોર્ટર : જયન પંચાસરા, જામનગર