હિન્દ ન્યૂઝ, જેતપુર
જેતપુર શહેરમાં ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા યુગ પુરુષ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિતે શહેરના મુખ્ય માર્ગો પર બાઇક રેલી કાઢવામાં આવેલ હતી તેમજ બસ સ્ટેન્ડ સામે આવેલ જીમખાના ગ્રાઉન્ડમાં સ્વામી વિવેકાનંદની તસ્વીરને પુષ્પહાર અર્પણ કરવામાં આવેલ હતા.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજય કક્ષાનાં કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાના ભાઈ તેમજ રાજકોટ નાગરિક બેંકના ડિરેક્ટર લલિતભાઈ રાદડિયા, શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ જોગી, વિપુલભાઈ સંચાણીયા સહીત ભાજપના કાર્યકર્તાઓએ સરાજાહેર કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કર્યો હતો. ચોંકાવનારી વાત તો એ છે કે આ બાઈકરેલીનું પાયલોટીંગ માસ્ક ન પહેરવા બદલ આમ નાગરિકો પાસેથી ૧૦૦૦ વસુલાત કરતી શહેર પોલીસ જ કરતી હતી.
આ બાઈકરેલીમાં અમુક ભાજપના અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ માસ્ક પહેર્યા વગર અને કોઈ પણ પ્રકારના સોશિઅલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યા વગર રાખ્યા વગર જ નીકળી હતી અને સામાન્ય જનતા પાસે જીલ્લા કલેક્ટરના જાહેરનામા અન્વયે માસ્કનો દંડ વસુલનાર પોલીસ પણ આ પરિસ્થિતિમાં લાચાર જોવા મળી હતી.
આ રેલી બાબતે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના શહેનાઝબેન બાબી, જેતપુર શહેર કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઇ સાવલિયા, આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ વિજયભાઈ શેઠ આમ આદમી પાર્ટીના વી.ડી કોટડીયા, સહીતના આગેવાનોએ પ્રેસ કોન્ફરન્સ યોજી સામાન્ય પ્રજા તેમજ નેતાઓ માટે કાયદો એક સરખો જ છે અને કાયદાનો ભંગ કરનાર ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ તેમજ કાર્યકરો વિરુદ્ધ પગલાં લેવા માંગ કરી હતી.
રિપોર્ટર : અમૃત સિંગલ, જેતપુર