બેજિંગ: હોંગકોંગમાં ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ જ્યાં એક તરફ લોકોમાં ખુશીનો માહોલ છે તો બીજી તરફ ચીન આ પરિણામો પર લાલઘૂમ છે. ચીનના મીડિયાનું કહેવું છે કે લોકતંત્ર સમર્થકોને જીત એટલા માટે મળી કારણ કે લોકોમાં તેમનો ડર હતો. ચીનની સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆએ કહ્યું છે કે આ મતદાન તોફાનીઓની ભેટ ચડી ગયું છે.
હોંગકોગમાં સોમવારે જાહેર થયેલા જિલ્લા પરિષદની ચૂંટણીના પરિણામોમાં લોકતંત્ર સમર્થક ઉમેદવારોને 452માંથી 390 સીટ પર જીત મળી . આ કુલ સીટોનું લગભગ 86 ટકા છે. વોટીંગમાં પણ હોંગકોંગના લોકોએ હોંશપૂર્વક ભાગ લીધો હતો. 2015ના 14.7 લાખ વોટર્સની સરખામણીએ આ વર્ષે 29.4 લાખ લોકો વોટીંગમાં સામેલ થયા હતાં. વોટીંગનો આંકડો 2015ના 47%ની સરખામણીએ 71% પહોંચ્યો હતો.
‘વિદેશી તાકાતોએ સરકાર વિરોધી અભિયાનોને મજબૂતી આપી’
ચીનના મીડિયાએ આ પરિણામોને અસર વિનાના દર્શાવવાની કોશિષ શરૂ કરી દીધી છે. સરકારી મીડિયા ગ્રુપ સીસીટીવી અને પીપલ્સ ડેલી છાપાએ લખ્યું કે સામાજિક અસ્થિરતા અને પ્રદર્શનોના કારણે મતદાનની પ્રક્રિયા ભારે પ્રભાવિત થઇ હતી. ચાઇના ડેલીના સંપાદકીયમા કહેવામાં આવ્યું- મતદાનમાં ગંદી ચાલો ચાલવામાં આવી, લોકોમાં ડર ફેલાવવામાં આવ્યો. તેના કારણે બેજિંગ સમર્થક ઉમેદવારોની પહોંચ ઘટી. વિદેશી તાકાતોએ પણ સરકાર વિરોધી અભિયાનોને બળ આપવામાં મોટી ભૂમિકા નિભાવી. તેનાથી ચીન સમર્થિત ઉમેદવારીની જીતના મોકા બરબાદ થયા.
ચીન સમર્થિત ઉમેદવારોને તેમની વાત રાખવાનો મોકો ન મળ્યો
ન્યૂઝ એજન્સી શિન્હુઆએ કહ્યું- ચૂંટણી તોફાનીઓની ભેટ ચડી ગઇ. અમુક દેશભક્ત ઉમેદવારોના અભિયાન પ્રભાવિત થયા. તેમની કચેરીઓને તબાહ કરવામાં આવી. તેમાં આગ લાગી. એક ઉમેદવારને હુમલામાં ઇજા પણ આવી. દેશભક્ત ઉમેદવારોને પ્રતાડિત કરવાનો સિલસિલો મતદાનના દિવસે પણ ચાલુ રહ્યો હતો. એજન્સીએ હોંગકોંગના ચીન સમર્થિત સર્વોચ્ચ નેતા કેરી લેમના સમર્થનમાં કહ્યું કે શહેરના સમુદાયને ચાઇના મેનલેન્ડ અને હોંગકોંગ વચ્ચેના સંબંધોને પણ યોગ્ય રીતે સમજવા જોઇએ.