નેત્રંગ, હિન્દ ન્યૂઝ
ભરૂચ જિલ્લાના વાલીયા, ઝધડીઆ, નેત્રંગ એમ ત્રણ તાલુકાના કલ્સ્ટ્રર બનાવી શ્રી રંગ નવચેતન મહિલા આર્ટસ કોલેજ, વાલીયા ખાતે સહકાર રાજયમંત્રી ઇશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા ખેડૂતલક્ષી કાર્યક્રમમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને કૃષિક્ષેત્રે અમલી બનાવવામાં આવેલ વિવિધ યોજનાઓથી ખેડૂતોને માહિતગાર કરાયા હતા.
અધ્યક્ષસ્થાનેથી મંત્રીએ જણાવ્યું કે, છેલ્લા ૨૦ વર્ષમાં કૃષિક્ષેત્રે પરિસ્થિતિ બદલાઇ છે, સિંચાઇની પૂરતી સગવડ, આધુનિક ખેત ઓજારો, સરકારની કૃષિલક્ષી વિવિધ સહાય યોજનાઓ, ખાતરની ઉપલબ્ધિ, સર્ટીફાઇડ બિયારણો, જંતુનાશક દવાની પ્રાપ્તિ સાથે વિવિધ વિમા યોજનાઓના કારણે ખેડૂત આજે આર્થિક સમૃધ્ધિ સાથે આગળ વધતો હોવાની અનુભૂતિ થઇ રહી છે.
મંત્રીએ ઉર્મેયું હતું કે રાજય સરકારે ખેડૂતોની ચિંતા કરીને પ્રધાનમંત્રી વીમા યોજના અમલમાં મુકીને જગતના તાતને કુદરતી આપત્તિઓ સામે ટકી રહેવા સક્ષમ બનાવ્યો છે. વિતેલા વર્ષોમાં કૃષિક્ષેત્રે તેમજ રાજયના વિકાસમાં સાધેલી પ્રગતિની વિસ્તૃત વિગતો પણ મંત્રીએ આપી હતી.
મંત્રીએ ખેતીમાં સર્વાંગી વિકાસ માટે ચીલા ચાલુ ખેતી છોડીને આધુનિક ટેકનોલેજીનો ઉપયોગ ખૂબ જ જરૂરી હોવાનું જણાવી પાકૃતિક ખેતી, ઓર્ગેનિક ખેતી, પશુપાલન, ગીર ગાયનું સંવર્ધન, સ્માર્ટ હેન્ડ ટુલ કીટ, પ્રાણીઓથી પાકને બચાવવા કાંટાળા તારની વાડની યોજના, ખેત પેદાશોને બજાર સુધી પહોંચાડવા નાના અને મીડીયમ સાઇઝના ગુડઝ કેરીયર વાહન ઉપર સહાય જેવી અનેકવિવધ યોજનાઓનું વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડી તેનો મહત્તમ લાભ લેવાનો ઉપસ્થિત ખેડૂત સમુદાયને અનુરોધ કર્યો હતો.
ખેડૂત આગેવાન બળવંતસિંહે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને આત્મનિર્ભર ભારત અંતર્ગત ખેડૂતો માટેની નવી યોજનાઓની વિસ્તૃત સમજ આપી હતી. સંયુકત ખેતી નિયામક એમ.એમ. પટેલ, પ્રાસંગિક ઉદબોધનમાં ખેડૂતોને માહિતગાર કર્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે જિલ્લા ખેતીવાડી અધિકારી જે.જે.ભટે સ્વાગત પ્રવચન કર્યું હતું. જયારે આભારવિધિ પ્રોજેકટ ડાયરેકટર પી.એસ.રાંકે કરી હતી. આજના ખેડૂત માર્ગદર્શન કાર્યક્રમમાં આગેવાન પદાધિકારીઓ, કૃષિ તજજ્ઞો, પ્રગતિશીલ ખેડૂતો, ખેતી વિભાગના અધિકારીગણ, તેમજ વાલીયા, ઝધડીઆ, નેત્રંગ તાલુકાના ખેડૂત ભાઇ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
અહેવાલ : સતિષ દેશમુખ, નેત્રંગ