બારડોલી તાલુકાના સાંકરી ગામે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ: પ્રાકૃતિક કૃષિને વ્યાપક બનાવવા આપ્યું માર્ગદર્શન

હિન્દ ન્યુઝ, બારડોલી

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બારડોલી તાલુકાના ટીંબરવા ગામે રાત્રિ રોકાણ કરી સવારે સાંકરી સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરના સભાગૃહમાં આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે પ્રાકૃતિક કૃષિને વ્યાપક બનાવવા માર્ગદર્શન આપ્યું હતું. પરિસંવાદ સ્થળે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણના વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જેની પણ તેમણે મુલાકાત લઈ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો નિહાળ્યા હતા અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. સફળ પ્રાકૃતિક ખેતી કરીને અન્યોને પ્રેરણા પૂરી પાડનાર ખેડૂતોને સન્માનિત કરાયા હતા. પ્રગતિશીલ ખેડૂતોએ સ્વ-અનુભવો વર્ણવી પ્રાકૃતિક કૃષિની મહત્તા સમજાવી હતી. 

નાયબ ખેતી નિયામક(તાલીમ), બારડોલી, આત્મા કચેરી-સુરત, પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ-ગાંધીનગર અને જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાના સંયુક્ત ઉપક્રમે આયોજિત પરિસંવાદમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં થઈ રહેલી રાસાયણિક ખેતી એ માત્ર વ્યવસાય નથી રહ્યો, પરંતુ એક મોટો ગુનો અને પાપ બની ગયો છે. આપણા પૂર્વજોએ વારસામાં ફળદ્રુપ જમીન આપી હતી, પરંતુ આપણે રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોનો આડેધડ ઉપયોગ કરીને ધરતીને પથ્થર જેવી બંજર બનાવી દીધી છે. ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને રોગમુક્ત સમાજ માટે ‘બેક ટુ નેચર’ એકમાત્ર ઉપાય છે.

રાજ્યપાલશ્રીએ એક સંશોધનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, તાજેતરમાં ૧૦૫ માતાઓના દૂધના પરીક્ષણમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. તમામ માતાઓના દૂધમાં યૂરિયા અને જંતુનાશકોના અંશ જોવા મળ્યા છે. આ ઝેર ખેતરોમાં આપણે નાખેલા રાસાયણિક ખાતરોને કારણે અનાજ અને ફળો દ્વારા માનવ શરીરમાં પ્રવેશી રહ્યું છે, જેના કારણે ૧૦ વર્ષના બાળકો પણ કેન્સર અને ડાયાબિટીસ જેવી જીવલેણ બીમારીઓનો શિકાર બની રહ્યા છે.

પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટવાની ભ્રાંતિ દૂર થવી જરૂરી છે એમ સ્પષ્ટપણે જણાવી તેમણે પોતાના અંગત અનુભવો ટાંકતા કહ્યું કે, ગુજરાતમાં ૯ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ઉત્પાદન ઘટવાનો ડર એ માત્ર અફવા છે. કુરુક્ષેત્ર સ્થિત ગુરુકુલમાં ૧૮૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે અને એક ટીપું પણ યૂરિયા કે ડીએપી વાપરવામાં આવતું નથી. રાસાયણિક ખેતીમાં પ્રતિ વીઘા ૨૦ થી ૨૫ હજારનો ખર્ચ થાય છે, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં આ ખર્ચ નહિવત છે. 

ધરતી અને ગાયનું જતન એ જ સાચો ધર્મ છે એમ ભારપૂર્વક જણાવી રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત સૌને આહવાન કર્યું હતું કે, તેઓ પોતાના ગામના અન્ય ખેડૂતોને પણ આ અભિયાનમાં જોડે. તેમણે દેશી ગાયના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે, ગાયથી શરૂ થતી પ્રાકૃતિક ખેતી ગૌભક્તિ, ગૌ વંદનાનું ઉત્તમ માધ્યમ છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એ ધરતીના જળસ્તર સુધારવા, પશુ-પક્ષીઓને બચાવવા અને આવનારી પેઢીને સ્વસ્થ જીવન આપવાનો એકમાત્ર માર્ગ છે.

પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતો માત્ર ખેડૂત નહીં, પરંતુ સાચા અર્થમાં ઈશ્વરભક્ત અને ગોભક્ત છે. પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂત માત્ર ખેતી નથી કરતો, પરંતુ ધરતીમાતા, પાણી અને હવાને કેમિકલના પ્રદૂષણથી બચાવે છે. ગાય આધારિત ખેતી હોવાથી સાચા અર્થમાં ‘ગોભક્તિ’ કરે છે. ખેડૂત ઈમાનદારીથી પ્રાકૃતિક ખેતી કરશે, તો ઈશ્વરનો કૃપાપાત્ર બનશે. કારણ કે પ્રકૃતિ અને જીવમાત્રની રક્ષા કરવાથી મોટું કોઈ પુણ્યનું કામ હોઈ શકે નહીં એમ તેમણે ઉમેર્યું હતું. 

ખેડૂતોને તબક્કાવાર રીતે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે અનુરોધ કરતા તેમણે જણાવ્યું કે, પોતાના પરિવાર માટે જમીનના એકાદ ભાગમાં પ્રાકૃતિક કૃષિ શરૂ કરો અને તબક્કાવાર તેમાં વધારો કરતો જવો જોઈએ. સારૂ પરિણામ મળશે, જેનાથી ખેડૂતોનો પ્રાકૃતિક કૃષિ પર ભરોસો વધશે.

પરિસંવાદના પ્રારંભે સ્વાગત પ્રવચન કરતા જિલ્લા કલેક્ટરશ્રી તેજસ પરમારે જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધી રહ્યો છે, તેના મૂળમાં રાજ્યપાલશ્રીની સતત પ્રેરણા, રાજ્યના ખૂણે ખૂણે તેમના પ્રવાસો થકી માર્ગદર્શન અને રાજ્ય સરકારની સકારાત્મક નીતિ છે. તેમણે સુરત જિલ્લાના મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક કૃષિની ઝુંબેશમાં જોડાઈને જમીન અને પ્રકૃતિ સંરક્ષણમાં યોગદાન આપશે એવી ખાતરી આપી હતી. 

આ પ્રસંગે રાજ્યપાલએ કૃષિ સખી અને કિસાન મિત્ર-CRP ભાઈ બહેનો સાથે સંવાદ કર્યો હતો અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

આ ઉપરાંત રાજ્યપાલએ સ્વામિનારાયણ મંદિર સ્થિત સહજાનંદ ગૌશાળાની મુલાકાત લીધી હતી અને વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સમીર મોદી, સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય સર્વ મોહનભાઈ ઢોડિયા, ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા કલેક્ટર તેજસ પરમાર, પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ-ગાંધીનગરના સંયુક્ત ખેતી નિયામક એન.જી.ગામીત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી. પ્રજાપતિ, પ્રાંત અધિકારી સુશ્રી આર.જે.પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી સતીષ ગામીત, અગ્રણીઓ, પદાધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, અગ્રણી ખેડૂતો અને ગ્રામજનો જોડાયા હતા.

Related posts

Leave a Comment