હિન્દ ન્યુઝ, વડોદરા
કેન્દ્ર સરકારની સ્માઇલ ભીક્ષાવૃત્તિ મુક્ત અભિયાનના પ્રથમ તબક્કા સુંદર પ્રદર્શન કરનારા ગુજરાતના ચાર શહેરો વડોદરા, ગીર સોમનાથ, એકતાનગર અને પાવાગઢમાં આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો માટે પુનઃસ્થાપન પ્લાન બનાવવામાં આવ્યો છે. ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના અધિક સચિવ શ્રીમતી મોના ખંધારે વડોદરા ખાતે અભિયાનના સુદ્રઢ અમલીકરણ માટે આ બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દિશાદર્શનમાં ઉક્ત વિભાગ દ્વારા સપોર્ટ ફોર માર્જિનાલાઇઝ્ડ ઇન્ડીવિડ્યુઅલ ફોર લાઇવલીહૂડ એન્ડ એન્ટરપ્રાઇઝ (સ્માઇલ) અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં સુંદર પ્રદર્શન કરનારા દેશના ૨૫ જિલ્લાઓમાં ગુજરાતના વડોદરા, એકતાનગર, ગીર સોમનાથ અને પાવાગઢનો સમાવેશ થયો છે. પ્રથમ તબક્કામાં ગુજરાતના આ ચારેય સ્થળોને ભીક્ષાવૃત્તિ મુક્ત કરવામાં આવશે.
આ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય, સમાજ સુરક્ષા, રોજગાર અધિકારી સહિતના વિભાગોના સંકલિત પ્રયાસોથી ભીક્ષાવૃત્તિ સાથે જોડાયેલા લોકોને આશરો આપવામાં આવશે. જ્યાં તેમના જરૂરી ડોક્યુમેન્ટ બનાવી તેમના કૌશલ્યવૃદ્ધિ માટે સંકલિત પ્રયાસો કરવામાં આવશે.
આ બેઠકમાં પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે મહત્વપૂર્ણ સૂચનો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભીક્ષાવૃત્તિ કરતા લોકો એક જ પરિવાર સાથે સંકળાયેલા હોય છે. જ્યારે તેમને આશરો આપવામાં આવે ત્યારે એક સાથે જ રહે એવી વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત, તેમને જરૂરી તાલીમ આપ્યા બાદ કામ મળે એવી વ્યવસ્થા તો કરવામાં આવે છે પણ, કામના સ્થળે ટકી રહે એ માટે સતત ફોલોઅપ લેતું રહેવું જોઇએ.
શ્રીમતી ખંધારે કહ્યું કે, આવા પરિવારોને એક જ સ્થળે રાખીને પ્રથમ તેમનું હેલ્થ સ્ક્રિનિંગ કરવામાં આવશે. બાદમાં આધાર કાર્ડ, રાશન કાર્ડ, આયુષમાન કાર્ડ જેવા જરૂરી દસ્તાવેજો બનાવડાવામાં આવશે. તદ્દઉપરાંત, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી ભીક્ષાવૃત્તિના સ્પોર્ટ નિયત કરી ત્યાંથી આશ્રય સ્થળે ખસેડવામાં આવશે. આશ્રય સ્થાને આવા પરિવારોને છ માસ સુધી રાખવામાં આવશે અને તે દરમિયાન રોજગારલક્ષી તાલીમ આપવામાં આવશે.
મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ વિગતો પ્રસ્તુત કરી હતી કે, વડોદરા શહેરમાં ભીક્ષાવૃત્તિ થતાં હોય એવા સ્થળો શોધી કાઢવામાં આવ્યા છે. વડોદરા મહાપાલિકા દ્વારા હાલમાં ૮ જેટલા શેલ્ટર હોમ ચાલવવામાં આવે છે અને હજુ પણ વધારે શેલ્ટર હોમ બનાવી શહેરને ભીક્ષાવૃત્તિ મુક્ત બનાવવા માટે મહાપાલિકા વહીવટી તંત્ર સાથે કદમથી કદમ મેળવી કામગીરી કરશે.
અધિક સચિવ શ્રીમતી મોના ખંધારે આ ઉપરાંત ઓનલાઇન જોડાયેલા પંચમહાલ, નર્મદા અને ગીર સોમનાથ વહીવટી તંત્ર પાસેથી વિગતો જાણી હતી.
આ બેઠકમાં કલેક્ટર ડો. અનિલ ધામેલિયા, નર્મદા કલેક્ટર ગંગાસિંહ, નાયબ મ્યુનિસિપલ કમિશનર અક્ષય બુદાનિયા, સમાજ સુરક્ષા અધિકારી ભગિરથસિંહ ચુડાસમા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
