હિન્દ ન્યુઝ, ધરમરપુર
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હસ્તક MY Bharat, વલસાડ દ્વારા ‘રાષ્ટ્રીય ખેલ દિવસ ૨૦૨૬ – ખેલો ઇન્ડિયા સંવાદ – ખેલ કી બાત, PM કે સાથ’ કાર્યક્રમ અંતર્ગત યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ અને ભાગીદારી વધારવા તેમજ રમતગમત ક્ષેત્રે કારકિર્દીની તકોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ અને ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ‘ખેલો ઈન્ડિયા ડાયલોગ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના આશરે ૮૦૦ વિદ્યાર્થીઓએ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરના યજ્ઞસ્થળેથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા કાર્યક્રમમાં જોડાઈને ‘ખેલો ઈન્ડિયા ડાયલોગ’માં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે વર્લ્ડ કપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ Strength & Conditioning Coach શ્રી સોહમભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યુવાનો અને ખેલાડીઓ સાથે રમતગમત ક્ષેત્રે પોતાના અનુભવો જણાવ્યા તેમજ ફિટનેસ, શિસ્ત અને સફળતા માટે જરૂરી પાસાઓ અંગે સંવાદ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન યુવાનોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાવાની તક મળી હતી. વડાપ્રધાનશ્રીના સંદેશ દ્વારા યુવાનોને રમતગમતને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવા, ફિટનેસ પ્રત્યે જાગૃત રહેવા તથા ભારતને રમતગમત ક્ષેત્રે નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં યોગદાન આપવા માટે પ્રેરણા મળી હતી. ‘ખેલો ઈન્ડિયા ડાયલોગ’નો મુખ્ય ઉદ્દેશ યુવાનો, ખેલાડીઓ અને રમતગમત ક્ષેત્રના નિષ્ણાતોને એક મંચ પર લાવીને રમતગમતના વિકાસ, ખેલાડીઓ માટેની તકો, તાલીમ, ફિટનેસ તથા રમતગમત ક્ષેત્રે કારકિર્દીની સંભાવનાઓ અંગે માર્ગદર્શન અને વિચારોનું આદાન-પ્રદાન કરવાનો હતો. કાર્યક્રમ દ્વારા ‘ખેલશે ભારત, જીતશે ભારત’ની ભાવનાને પ્રોત્સાહન આપતા યુવાનોને સ્વસ્થ, સશક્ત અને વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને પગલે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરની શૈક્ષણિક સંસ્થાઓની ‘ટાઈપ A’ કેટેગરીમાં ગૌરવપૂર્ણ પસંદગી કરવામાં આવી હતી.
‘ખેલો ઇન્ડિયા સંવાદ’ને કેન્દ્રમાં રાખી શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર ખાતે બે દિવસીય રેસિડેન્શિયલ રિટ્રીટ યોજાઈ હતી. વિદ્યાર્થીઓ માટે પોસ્ટર-મેકિંગ, ઝુમ્બા, પેનલ ડિસ્કશન તેમજ ક્રિટિકલ થિંકિંગ, AI અને સોશિયલ મીડિયા પર ઇન્ટરેક્ટિવ સેશન્સ યોજાયા હતા. જેના માધ્યમથી વિદ્યાર્થીઓમાં ‘ખેલો ઇન્ડિયા સંવાદ’ માટે ઉત્સાહ અને જાગૃતિનું વાતાવરણ સર્જાયું હતું. આ પ્રવૃત્તિઓનો મુખ્ય સંદેશ રમતગમત દ્વારા નશામુક્ત, સ્વસ્થ અને સક્રિય જીવનશૈલી તરફ યુવાનોને પ્રેરિત કરવાનો હતો. પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની પ્રેરણાથી ધરમપુરમાં કાર્યરત SRMDની શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ સાથે મૂલ્યો, આધ્યાત્મિકતા, શિસ્ત, શારીરિક તંદુરસ્તી, કરુણા અને રાષ્ટ્રપ્રેમના સંસ્કારો પર વિશેષ ભાર મૂકવામાં આવે છે.
કાર્યક્રમમાં જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન માય ભારતના જિલ્લા યુવા અધિકારી આયુષ ચૌધરીના માર્ગદર્શન અને સંકલન હેઠળ સેવિકા હેતલ શર્મા અને સેવિકા અદિતિ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
