હિન્દ ન્યુઝ, વલસાડ
વલસાડ તાલુકાના સેગવી ગામની સર્વોદય હાઈસ્કૂલ ખાતે સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર, સંવર્ધન તથા દૈનિક જીવનમાં સંસ્કૃત ભાષાના ઉપયોગને પ્રોત્સાહન આપવાના હેતુથી તા. ૨૭ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ જિલ્લા કક્ષાના સંસ્કૃત સંભાષણ દિવસની ઉજવણી વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.
વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલે જણાવ્યું કે, સંસ્કૃત માત્ર ભાષા નહીં, સંસ્કૃતિ અને સંસ્કારની ઓળખ પણ છે. આ દિવસની ઉજવણીનું મહત્વ સમજાવતા વધુમાં કહ્યું કે, સંસ્કૃત સંભાષણ દિવસનો મુખ્ય ઉદ્દેશ સંસ્કૃતને માત્ર પાઠ્યપુસ્તકના વિષય તરીકે નહીં, પરંતુ દૈનિક વ્યવહાર અને સંવાદની ભાષા તરીકે પ્રોત્સાહિત કરવાનો છે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો તથા સંસ્કૃત વિષયના શિક્ષકો દ્વારા સંસ્કૃત ભાષામાં પરસ્પર સંવાદ કરવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લાના વિવિધ સરકારી તથા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંસ્કૃત વિષયના શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શિક્ષકો દ્વારા સંસ્કૃતમાં પરિચય, શુભેચ્છા, દૈનિક વ્યવહારમાં ઉપયોગી વાક્યો તથા સંવાદ રજૂ કરી સંસ્કૃત ભાષાના વ્યવહારુ ઉપયોગને પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો.
સંસ્કૃત ભારતની પ્રાચીન અને સમૃદ્ધ ભાષા હોવાની સાથે ભારતીય જ્ઞાનપરંપરા, સંસ્કૃતિ અને સંસ્કારોની મહત્વપૂર્ણ વાહક છે. નવી પેઢી સંસ્કૃત ભાષા અને તેના સમૃદ્ધ વારસા સાથે જોડાય તે માટે સંસ્કૃત સપ્તાહ દરમિયાન વિવિધ શૈક્ષણિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સંસ્કૃત સંભાષણ દિવસની ઉજવણી દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે રુચિ, ગૌરવ અને આત્મીયતા વધારવાનો તથા શાળાઓમાં સંસ્કૃત સંભાષણની પ્રવૃત્તિને વધુ વેગ આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમથી વલસાડ જિલ્લામાં સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસારને નવી ઊર્જા મળી અને “સંસ્કૃત બોલીએ, સંસ્કૃતિ જાળવીએ”ના ભાવને સાકાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવા, શિક્ષણ નિરીક્ષક અપેક્ષાબેન પટેલ, વર્ગ-૨ જિલ્લા નોડેલ તેજલબેન પટેલ, મદદનીશ શિક્ષણ નિરીક્ષક તેજસભાઈ પટેલ, મદદનીશ શિક્ષણ નિરીક્ષક અક્ષયભાઈ પટેલ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર મિતેશભાઈ પટેલ, સેગવીનાં સર્વોદય હાઈસ્કૂલ, આચાર્યા ઉન્નતિ દેસાઈ, મગોદ શાંતિ મંદિરનાં આચાર્ય પદ્મરાજ રેગ્મી તેમજ સેગવી વિભાગ કેળવણી મંડળના પ્રમુખ તન્વીબેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શાહ કે.એમ.એસ. હાઈસ્કૂલ, વલસાડનાં આચાર્યાશ્રી જયશ્રીબેન ભગત દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.
