રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બારડોલી તાલુકાના રાજપુરા લુંભા ગામના પ્રગતિશીલ ખેડુત રાકેશભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, સુરત

    સુરત જિલ્લાની બે દિવસીય મુલાકાત દરમિયાન બીજા દિવસે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બારડોલી તાલુકાના રાજપુરા લુંભા ગામના પ્રગતિશીલ ખેડૂત રાકેશભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી. અહીં ખેતરની મુલાકાત લઈ ખેડૂતો સાથે સંવાદ સાધી માર્ગદર્શન આપ્યું હતું.

          રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત દરમિયાન ત્યાં ઉગાડવામાં આવેલા વિવિધ પાકોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને પાકોની ગુણવત્તા જોઈ સંતોષ વ્યક્ત કર્યો હતો. રાજ્યપાલશ્રીએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત ખેડૂતોને બાજુના રાસાયણિક ખેતરમાં ઉગાડવામાં આવેલી શેરડી અને રાકેશભાઈના ફાર્મમાં ઉગાડવામાં આવેલી શેરડી બતાવી, રાસાયણિક ખેતરની શેરડી પર સફેદ માખીઓ હતી જ્યારે પ્રાકૃતિક શેરડી એકદમ સ્વસ્થ હતી.

          આ તકે ખેડૂતો સાથે સંવાદ કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, પ્રકૃતિ અને ભગવાને જમીનની ફળદ્રુપતા માટે સ્વયં શ્રેષ્ઠ વ્યવસ્થા બનાવી છે. જંગલોમાં કોઈ જ રાસાયણિક ખાતરો નાખવા જવું પડતું નથી, તેમ છતાં ત્યાં વનસ્પતિ અને વૃક્ષો પૂર્ણપણે ખીલે છે. રાસાયણિક ખાતરો તથા કીટનાશકોના અંધાધૂંધ ઉપયોગથી જમીનમાં રહેલા ઉપયોગી અળસિયા અને સૂક્ષ્મ જીવાણુઓ નષ્ટ પામ્યા છે, જેના કારણે આજે ખેડૂતોને બહારથી નાઇટ્રોજન, પોટાશ અને ફોસ્ફરસ જેવા તત્ત્વો ઉમેરવા પડે છે. રાસાયણિક ખેતીથી જમીન કઠણ બની ગઈ છે, જ્યારે પ્રાકૃતિક ખેતીથી જમીન ફળદ્રુપ બને છે અને તેમાં કુદરતી જળ સંચયન થવાથી વરસાદી પાણી સીધું જમીનમાં ઉતરી જાય છે. જો આપણે રાસાયણિક ખેતી ચાલુ રાખીશું તો આવનારી પેઢીઓ માટે ફળદ્રુપ જમીન કે પીવાનું શુદ્ધ પાણી પણ બચશે નહીં.

         રાજ્યપાલએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટવાને બદલે વધે છે. જમીનનો ઓર્ગેનિક કાર્બન વધવાથી પાકનું ઉત્પાદન આપોઆપ વધે છે. પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઝીરો થઈ જાય છે. ગૌમાતા દૂધ પણ આપે છે અને ખેતર માટે અમૂલ્ય ખાતર પણ પૂરૂં પાડે છે. ગુજરાતના અનેક ખેડૂતો પંચસ્તરીય મોડેલ અપનાવીને અત્યંત ઓછી મજૂરી અને ઓછા ખર્ચે વાર્ષિક લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.રાજ્યપાલે કહ્યું હતું કે, વૃક્ષોમાં પણ પ્રાણ હોય છે તે ખેડુતને ઓળખે છે. 

            ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતીથી પર્યાવરણ દૂષિત થાય છે, જમીન અને પાણી બગાડે છે અને લોકોને ગંભીર રોગો તરફ ધકેલે છે. જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો ભેદ સમજાવતાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પ્રાકૃતિક ખેતી એ સંપૂર્ણ કુદરતી પદ્ધતિ છે. પોતાના ભૂતકાળના અનુભવો વાગોળતાં તેમણે ઉમેર્યું હતું કે તેમણે સ્વયં રાસાયણિક ખાતરોનો ત્યાગ કરીને પ્રાકૃતિક ખેતી અપનાવી છે અને આજે તેમની જમીન પુનઃ સમૃદ્ધ બની છે. આવનારી પેઢીને બંજર જમીન આપવાને બદલે ઉપજાવ અને સ્વાસ્થ્યપ્રદ જમીન સોંપવી એ જ સાચું પ્રાયશ્ચિત છે.

           ફાર્મની આ મુલાકાત વેળાએ આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર, વહીવટી તંત્રના અધિકારીઓ તથા મોડલ ફાર્મ ખેડૂત અને તેમના પરિવારજનો સહિત સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment