હિન્દ ન્યુઝ, સુરત
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બારડોલી તાલુકાના ટીંબરવા ગામની મુલાકાત દરમિયાન ગામના ચોકમાં રાત્રિ સભા યોજી ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. તેમણે ગ્રામજનો સાથે કન્યા કેળવણી, પ્રાકૃતિક કૃષિ, ગૌ સંવર્ધન, સ્વચ્છતા, પર્યાવરણ જતન, જળસંચય, જીવનમૂલ્યો અને સામાજિક સમરસતા જેવા મહત્વના વિષયો પર વિસ્તૃત ચર્ચા કરી હતી.
રાત્રિ સભાને સંબોધતા રાજ્યપાલએ બાળકોને દેશનું ભવિષ્ય ગણાવી ‘દીકરો-દીકરી એક સમાન’ એ સંકલ્પ સાથે બાળકોને ભણતર, ઉછેરમાં સમભાવ અપનાવવા ભારપૂર્વક જણાવ્યું હતું. દીકરા અને દીકરી બંનેને ઉચ્ચ શિક્ષણ આપી સમાન તકો પૂરી પાડવી જોઈએ. જાતિગત ભેદભાવો ભૂલીને માનવતાને વ્યાપક બનાવવાની અપીલ સાથે તેમણે ઉપસ્થિત જનમેદનીને વ્યસનોથી દૂર રહેવા આહવાન કર્યું હતું. ‘સંગ તેવો રંગ’ એ ન્યાયે કુસંગી મિત્રોથી બાળક વ્યસન, દુર્વ્યવહારના માર્ગે ચડીને જીવનની બરબાદીને આમંત્રણ આપે છે. જેથી બાળકોની રહેણીકરણી, વર્તન વ્યવહાર પર બાજ નજર રાખવી એ માતાપિતાની જવાબદારી બને છે એમ ઉમેર્યું હતું.
રાજ્યપાલએ હરિયાણાના કુરુક્ષેત્ર સ્થિત ગુરુકુલમાં રાસાયણિક ખેતી ત્યજી પ્રાકૃતિક કૃષિ અપનાવ્યાની સફરના સ્વ અનુભવો વર્ણવતા જણાવ્યું કે, પશુપાલન વિના ખેતી ‘પ્રાકૃતિક’ બની શકે નહીં, એટલે જ પ્રાકૃતિક ખેતી માટે ગૌપાલન, પશુપાલન અનિવાર્ય શરત છે. ગાય એ ખરા અર્થમાં આપણી જનની છે.
સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી તાલુકાની આ પવિત્ર ભૂમિ ખૂબ જ ફળદ્રુપ છે અને અહીં પ્રાકૃતિક ખેતી માટે અપાર સંભાવનાઓ છે. આજે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિશય ઉપયોગને કારણે જમીનની ફળદ્રુપતા નષ્ટ થઈ રહી છે, ત્યારે હવે તમામ ખેડૂતોએ જાગૃત થવું એ સમયની માંગ છે.
પ્રાકૃતિક ખેતપેદાશો સંપૂર્ણપણે રસાયણમુક્ત અને સ્વાસ્થ્ય માટે ઉત્તમ હોય છે. ખેડૂતો પોતાના ઘરવપરાશના શાકભાજીથી શરૂઆત કરીને ધીમે-ધીમે પોતાના સમગ્ર ખેતરમાં પ્રાકૃતિક કૃષિ અપનાવી શકે છે એમ જણાવી તેમણે દેશી ગૌ-આધારિત કૃષિ તરફ વળવા પર ભાર મૂક્યો હતો અને ગાયોની સુધારેલી નસલ અંગેના પોતાના પ્રેરક અનુભવો પણ ગ્રામજનો સાથે વાગોળ્યા હતા.
વધુમાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, બાળકો સાથે માતા-પિતાએ મિત્રતાભર્યો વ્યવહાર રાખવો જોઈએ, જેથી તેઓ પોતાની વાત નિઃસંકોચ કહી શકે. વાલીઓએ બાળકોના જીવન સંબંધિત પ્રશ્નોને યોગ્ય જવાબો આપવા જોઈએ અને તેમના વિચારોને જાણવા જોઈએ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે તેમણે ગ્રામજનોના યોગદાનની અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ તકે રાજ્યપાલએ આવનારી પેઢી માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા તથા સ્વચ્છતાને સંસ્કાર બનાવવા આહવાન કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા, જિલ્લા કલેક્ટર તેજસ પરમાર, જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા, નાયબ વન સંરક્ષક ધીરજ કુમાર, પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ-ગાંધીનગરના સંયુક્ત ખેતી નિયામક એન.જી.ગામીત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી. પ્રજાપતિ, પ્રાંત અધિકારી સુ આર.જે.પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી સતીષ ગામીત, અગ્રણી ભાવેશ પટેલ, પદાધિકારી-અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
