ડાંગ જિલ્લામાં ત.૧ થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન ‘ઉલ્લાસ સાક્ષરતા પખવાડિયા’ની ઉજવણી

હિન્દ ન્યુઝ, ડાંગ 

  ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના ‘ઉલ્લાસ–નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ’ અંતર્ગત તા. ૧ થી ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન સમગ્ર દેશમાં ‘ઉલ્લાસ સાક્ષરતા પખવાડિયા’ની ઉજવણી કરવામાં આવનાર છે. 

ત્યારે તા.૮મી સપ્ટેમ્બરના આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસને કેન્દ્રમાં રાખીને ડાંગ જિલ્લામાં પણ વિવિધ સાક્ષરતા અને જનજાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમ, ડાંગના નાયબ જિલ્લા નિરંતર શિક્ષણાધિકારી ડૉ. ફાલ્ગુનીબેન સી. પટેલ દ્વારા જણાવાયું છે.

‘ઉલ્લાસ’ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નિરક્ષર વયસ્કોને પાયાની સાક્ષરતા અને અંકજ્ઞાન પ્રાપ્ત કરાવવામાં તેમજ તેમને શિક્ષણની મુખ્યધારામાં જોડવાનો છે. આ અભિયાનને જનભાગીદારી અને સ્વયંસેવક સહભાગિતાથી વધુ વ્યાપક બનાવવામાં આવશે.

ડાંગ જિલ્લામાં જિલ્લા સાક્ષરતા સમિતિના અધ્યક્ષ અને કલેકટર એન.ડી.પરમાર, ઉપાધ્યક્ષ અને જિલ્લા વિકાસ અધિકારી કુલદીપસિંહ ઝાલા સહિત સમિતિ સભ્યો એવા જિલ્લા શિક્ષણાધિકારી જીગ્નેશ ત્રિવેદી, પ્રાથમિક શિક્ષણાધિકારી વિજય દેશમુખ, અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રચાર્ય ડો.બી.એમ.રાઉતના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાએ સાક્ષરતા મિશન સત્તા મંડળ (DLMA) તથા સંબંધિત શિક્ષણ તંત્રના માર્ગદર્શન હેઠળ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાશે. તેમાં ઉલ્લાસ મોબાઇલ એપ્લિકેશન પર શીખનારાઓ તથા સ્વયંસેવક શિક્ષકોની નોંધણી, ઘર-ઘર સર્વે, ગ્રામ પંચાયતોમાં બેઠકો, કાર્યશાળાઓ અને સેમિનાર, રેલી-સાયકલ રેલી, પ્રભાતફેરી, નુક્કડ નાટકો, પોસ્ટર-પેમ્ફલેટ અને સોશિયલ મીડિયા દ્વારા જનજાગૃતિ સહિતની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત સરકારી અને સહાયિત શાળાઓ, DIET, NVS, KVS, HEIs, સ્વયંસેવક સંગઠનો, NSS, NCC, ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સ, MY Bharat તેમજ ગ્રામ પંચાયતો અને સ્વસહાય જૂથો સહિત વિવિધ સંસ્થાઓ અને સમુદાયની સહભાગિતા સુનિશ્ચિત કરવામાં આવશે.

સાક્ષરતા અભિયાન દરમિયાન શીખનારાઓ અને સ્વયંસેવક શિક્ષકોની નોંધણી માટે વિશેષ અભિયાન ચલાવાશે. ગ્રામ પંચાયત સ્તરે સરકારી અધિકારીઓ, શિક્ષકો, પંચાયતી રાજ સંસ્થાઓના પ્રતિનિધિઓ, ખેડૂતો, મહિલાઓ, નિવૃત્ત કર્મચારીઓ, સ્વસહાય જૂથો તથા અન્ય નાગરિકોને જોડીને સાક્ષરતા અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે.

સોશિયલ મીડિયા તેમજ અન્ય પ્રચાર માધ્યમોનો ઉપયોગ કરીને ‘ઉલ્લાસ’ કાર્યક્રમની માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા અને જનભાગીદારી વધારવા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. રેડિયો જિંગલ્સ, લઘુ ફિલ્મો, સ્થાનિક માધ્યમો તથા જાહેર સ્થળોએ પ્રચાર દ્વારા પણ સાક્ષરતા સંદેશો પહોંચાડવામાં આવશે.

ડાંગ જિલ્લામાં તા. ૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના ‘વિશ્વ સાક્ષરતા દિવસ’ની વિશેષ ઉજવણી સાથે પખવાડિયા દરમિયાન યોજાનારી તમામ પ્રવૃત્તિઓમાં નાગરિકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, પંચાયતી રાજ સંસ્થાઓ અને વિવિધ સંસ્થાઓને સક્રિય સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આમ, ‘ઉલ્લાસ’ના સંદેશ સાથે ડાંગમાં સાક્ષરતા તરફ જનભાગીદારીનું નવું અભિયાન શરૂ થશે

Related posts

Leave a Comment