નેશનલ લેવલ ટ્રેક મોટરસાઈકલ રેસિંગમાં પોડિયમ ફિનિશ મેળવીને વડોદરાની કિંજલ રાજે ઈતિહાસ રચ્યો

હિન્દ ન્યુઝ, વડોદરા 

ખભાની ઈજા અને અસહ્ય દર્દ છતાં સ્પર્ધામાં ભાગ લઈ રેસમાં ૩જો ક્રમ મેળવ્યો

    ગુજરાતની ૨૮ વર્ષીય કિંજલ રાજે નેશનલ લેવલની ટ્રેક/સર્કિટ મોટરસાઈકલ રેસિંગમાં પોડિયમ ફિનિશ મેળવીને ઈતિહાસ રચ્યો છે. તે આ સિદ્ધિ મેળવનાર ગુજરાતની પ્રથમ મહિલા મોટરસાઈકલ રેસર બની છે. ૧૪-૧૫ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ, ચેન્નાઈ ખાતે યોજાયેલી ‘TVS વુમન્સ વન મેક ચેમ્પિયનશિપ’ના રાઉન્ડ ૧ માં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા, તેણે રેસ-સ્પેક ૨૦૦cc TVS અપાચે RTR 200 પર ૩જું સ્થાન એટલે કે પોડિયમ ફિનિશ હાંસલ કર્યું હતું.

કિંજલે આ સમગ્ર રેસ વિકેન્ડ દરમિયાન ખભાની ઈજા અને દર્દનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે આ સિદ્ધિ વધુ ખાસ બની જાય છે. આ ઈજાને કારણે પ્રેક્ટિસ અને ક્વોલિફાઈંગ સેશનમાં તેને શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં મુશ્કેલી પડી રહી હતી. છતાં તેણે હિંમત ન હારી અને રેસમાં અંત સુધી લડીને પોડિયમ ફિનિશ મેળવ્યું હતું.

કિંજલે આ અંગે જણાવ્યું કે, “રાષ્ટ્રીય સ્તરે અત્યંત સ્પર્ધાત્મક રેસર્સ સામે રેસિંગ કરતી વખતે મારે રેસ-સ્પેસિફિકેશન મોટરસાઈકલની વિશેષતાઓને ઝડપથી સમજવી પડી હતી.જેને કારણે આ સર્કિટના તીવ્ર અને ટેકનિકલ વળાંકો પર ચોકસાઈની જરૂરીયાતો સમજવાનો પ્રયાસ કર્યો હતો. બ્રેકિંગ પોઈન્ટ્સ, કોર્નરિંગ ટેકનીક, રેસ લાઈન્સ અને બાઈકના વ્યવહારને અનુકૂળ થવું એ મારી આ રાઈડનો મહત્વનો ભાગ હતો.”

કિંજલે આ પ્રસંગે તેના કોચ ચિંતન મહેતાના માર્ગદર્શન, તાલીમ અને સતત સહયોગ બદલ આભાર માન્યો હતો, સાથે જ ‘ટ્રેક્શન મોટોડ્રોમ, વડોદરા’નો આભાર માન્યો હતો. જ્યાં તે તાલીમ લે છે. આ સિદ્ધિ ઈન્ટરનેશનલ લેવલે રેસિંગ કરવા અને મોટરસ્પોર્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાના તેના સ્વપ્ન તરફનું એક મહત્વનું કદમ છે. આ સાથે જ તે ગુજરાતના રેસર્સની આવનારી પેઢી માટે એક સુરક્ષિત મોટરસ્પોર્ટ કલ્ચર ઊભું કરવા માંગે છે.

તેણે વડોદરાના મહિલા રાઈડર્સના કમ્યુનિટી ગ્રુપ ‘વિંગ્સ એન્ડ વ્હીલ્સ’ના સતત સપોર્ટ બદલ પણ આભાર માન્યો હતો. આ સિવાય તેણે ઈશ્વર, માતા-પિતા, પરિવાર, મિત્રો, ટીમના સભ્યો અને તેની આ યાત્રામાં વિશ્વાસ રાખનાર દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કર્યો હતો.

કિંજલે અંતે ઉમેર્યું હતું કે, “મારો હેતુ માત્ર રેસ જીતવાનો કે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાનો નથી. હું મોટરસ્પોર્ટનો વિકાસ જોવા માંગુ છું અને વધુને વધુ મહિલાઓ આ રમત સાથે જોડાય તેવું ઈચ્છું છું. ટ્રેક પર રેસિંગ કરવી એ જાહેર રસ્તાઓ પર બાઈક ચલાવવા કરતા ખૂબ અલગ છે. જાહેર રસ્તો એ રેસ ટ્રેક નથી. રસ્તાઓનું સન્માન કરો અને અસુરક્ષિત રાઈડિંગ ટાળો. જો તમને સ્પીડ ગમતી હોય, તો રેસ ટ્રેક પર આવીને તેને શીખો, પ્રાક્ટિસ કરો અને સુરક્ષિત રીતે તમારું પ્રદર્શન સાબિત કરો.”

 

Related posts

Leave a Comment