રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને સુરત સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો ૫૯મો પદવીદાન સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, સુરત

    ઋષિકુમારોએ શંખનાદ, વૈદિક મંત્રોચ્ચાર અને તૈત્તિરીય ઉપનિષદના શ્લોકગાન સાથે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ગુરૂકુળ પરંપરાને ઉજાગર કરી

 વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૫૯માં દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ અને મહાનુભાવોના હસ્તે ૧૨ વિદ્યાશાખાઓના ૯૨ અભ્યાસક્રમોના ૩૭,૩૦૫ યુવા છાત્ર-છાત્રાઓને મેડલ્સ તથા પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, ૯૩ વિદ્યાર્થીઓને પી.એચ.ડી.ની પદવી એનાયત થઈ હતી. સમારોહમાં સુરતની સૂર્યપૂર સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારોએ શંખનાદ અને ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર, શંખનાદ અને તૈત્તિરીય ઉપનિષદના શ્લોકગાન સાથે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ગુરૂકુળ પરંપરાને ઉજાગર કરી હતી.

        યુગદ્રષ્ટા કવિનર્મદની ૧૯૩મી જન્મજયંતિના ખાસ અવસરે અડાજણ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે આયોજિત પદવીદાન પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ યુવાઓને લોકકલ્યાણ અને રાષ્ટ્ર નિર્માણ માટે ઉપયોગી થવા આહ્વાન કર્યું હતું. સામાજિક કુરિવાજો, અંધશ્રદ્ધા અને અન્યાય સામે સતત શાબ્દિક સંઘર્ષ દ્વારા પરિવર્તન લાવનારા વીર કવિ નર્મદના દ્રષ્ટાંત થકી યુવાઓને દેશના સુવર્ણ ભાવિ માટે સક્ષમ બનવા અને આવનારી પેઢી માટે ગૌરવશાળી ઈતિહાસ રચવાની પ્રેરણા આપી હતી. 

        સમાજસુધારક કવિ વીર નર્મદના નામથી સુપ્રસિદ્ધ વિશ્વવિદ્યાલયમાંથી ડિગ્રી મેળવનાર યુવા છાત્રોને રાજ્યપાલએ મહાન કવિના જીવન મૂલ્યોને અનુસરવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, વિકસિત અને આત્મનિર્ભર ભારતનો માર્ગ આપણી યુવા પેઢીના સામર્થ્ય પર આધારિત છે. સાથે જ અંગત અને વ્યાવસાયિક જીવનમાં સામ્યતા કેળવવા તેમજ વચન અને વર્તનમાં એકરસતા જાળવી સમાજ માટે ઉદાહરણરૂપ સાબિત થવાં પ્રેરણા આપી હતી.

        વધુમાં યુવાઓને આધુનિકતાનો સાચો અર્થ સમજી સત્ય, સદાચાર સાથે જીવવા અને દેશની સંસ્કૃતિ-પરંપરા સાથે સુમેળ સાધી તેનો વિશ્વ કલ્યાણ અર્થે ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત બદલાતા સમયમાં સ્ત્રીઓની ભૂમિકા અને શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં વધી રહેલા સ્ત્રીઓના વર્ચસ્વને તેમણે ઉન્નત સમાજની નિશાની ગણાવી હતી.

        દીક્ષાંત સમારોહમાં પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં યુનિવર્સિટીના કુલપતિ ડો.કે.એન.ચાવડાએ ડિગ્રી ધારકોને અભિનંદન પાઠવી વીર નર્મદના નામ સાથે જોડાયેલી પદવીનો ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠા સાથે ઉપયોગ કરવા આહ્વાન કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવદ ગીતાના મૂલ્યો, વિચારો અને વચનોને પોતાના વ્યવહારિક જીવનમાં ઉતારવા જણાવ્યું હતું. કુલપતિશ્રીએ યુવાઓને જોબ સિકર નહીં પણ જોબ ગિવર બને એવી ક્ષમતા કેળવવા તથા ‘નેશન ફર્સ્ટ’ની ભાવનાને કેન્દ્રમાં રાખી જવાબદારીપૂર્વક વર્તન કરવા પ્રેરણા આપી હતી. 

         આ પ્રસંગે કુલસચિવ આર.સી.ગઢવી, પરીક્ષા નિયામક એ.વી.ધડૂક, વિભાગીય વડાઓ, યુનિવર્સિટીના પદાધિકારીઓ, કોલેજોના આચાર્યશ્રીઓ સહિત પદવી મેળવનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

ડિજીલોકરમાં તમામ ૩૭,૩૦૫ ડિગ્રીઓ ડિજીટલી ઉપલબ્ધ બનશે


    ૫૯મા પદવીદાન સમારોહમાં એનાયત થયેલી તમામ ૩૭,૩૦૫ ડિગ્રીઓ વિદ્યાર્થીઓના ડિજીલોકરમાં ઉપલબ્ધ બનશે, જે લોગઈન આઈડીથી વિદ્યાર્થીઓ એક્સેસ કરી શકશે. રાજ્યપાલએ રિમોટ દ્વારા તમામ ડિગ્રીઓ નેશનલ એકેડેમિક ડિપોઝીટરીમાં ડિજિટલ માધ્યમથી ડિપોઝીટ કરાવી હતી.

 

Related posts

Leave a Comment