હિન્દ ન્યુઝ, બોટાદ
મેદસ્વીપણું એટલે સરળ ભાષામાં શરીરનું વજન સામાન્ય કરતાં વધારે હોવું. શરીરમાં વધારે માત્રામાં ચરબી જમાં થવાથી શરીરનાં માળખા અને બંધારણમાં ઉંમર, જાતિ અને ઉંચાઈ પ્રમાણેનાં આદર્શ ધોરણોમાં ફેરફાર લાવે છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના જણાવ્યાં અનુસાર શરીરનાં આદર્શ વજન કરતાં 20 ટકા કે તેથી વધારે વજન વ્યક્તિનાં સ્વાસ્થ્ય માટે જોખમી છે. મેદસ્વિતાનું કારણ આપણાં શરીરમાં કેલરીનું અસંતુલન છે. આપણાં શરીરની જરૂરીઆત કરતાં જયારે આપણે વધારે કેલરી ખાઈએ છીએ ત્યારે શરીર જરૂરીઆત અનુસારની કેલરી ઉપયોગ કરે છે પરંતુ વણવપરાયેલી કેલરી શરીરમાં જમા થતી રહે છે, જે પ્રકિયા શરીરમાં ચરબી વધારે છે.
મેદસ્વિતા એક રોગ છે. વ્ચક્તિનો બી.એમ.આઈ (બોડી માસ ઈન્ડેક્ષ) જો 18 થી 23 ની વચ્ચે હોય તો તે સામાન્ય કહી શકાય, પરંતુ જો 23 થી વધે તો ઓવરવેઈટ, 30 થી વધે તો ઓબેસિટી અને 35 થી વધે તો મોરબિડ ઓબેસિટી અને 40થી વધે તો સુપર ઓબેસિટી કહેવામાં આવે છે. મોરબિડ અને સુપર ઓબેસિટીની સ્થિતિમાં ઓબેસિટીનું ઓપરેશન કરાવવાની સલાહ આપવામાં આવે છે.
મેદસ્વીપણાંને કારણે અનેક રોગો થવાની સંભાવનાઓ વધી જાય છે. આહાર, જીવનશૈલી, વંશાનુગત સમસ્યા, જંકફૂડનું વધતું પ્રમાણ, અપૂરતી ઉંધ, તણાવ, ગર્ભાવસ્થા, ઉંમર, નિષ્ક્રિયતા, પારિવારિક જીવનશૈલી, કેટલીક દવાઓનું નિયમિત સેવન જેવાં અનેક કારણોથી વર્તમાન સમયમાં મેદસ્વિતા અને ડાયબિટીઝનું પ્રમાણ વધ્યું છે. જો વ્યક્તિ વધુ વજન ધરાવતી હોય તો તેને આટલા રોગ થવાની સંભાવના વધી જાય છે. ચાલો જાણીએ કયા કયા રોગ થવામાં મેદસ્વિતા ભાગ ભજવે છે.
જેમાં ટાઈપ-ટુ ડાયબિટીઝ એ સૌથી વધુ થતો રોગ છે. મેદસ્વીપણું શરીરમાં સુગરના પ્રમાણને નિયંત્રિત કરતાં ઈન્સ્યુલિન સામે પ્રતિરોધક શક્તિ ઉત્પન્ન કરે છે અને લાંબાગાળે હાઈ બ્લડશુગર શરીરને નુકસાન પહોંચાડી શકે છે.
હાઈ બ્લડપ્રેશર/ હૃદયરોગ પણ મેદસ્વિતાના કારણે થાય છે. શરીરનાં વધુ પડતાં વજનને કારણે હૃદયપર ભાર વધતાં તેની કાર્યક્ષમતા ઘટે છે, તેનાં કારણે હાઈપરટેન્શન (બી.પી.)ની સમસ્યા ઉદભવે છે. પરિણામે સ્ટ્રૉક થઈ શકે છે તથાં હૃદય અને કિડનીને નુક્સાન પહોંચી શકે છે.
શરીરનું વજન સહન કરતાં સાંધાઓને લગતી ઓસ્ટીઓ-આર્થરાઈટીસની સમસ્યા પણ ઓબેસિટીના કારણે ઉદ્ભવે છે. ઓસ્ટીઓ આર્થરાઈટીસ સામાન્ય રીતે વજન સહન કરતાં સાંધાઓને નુક્સાન કરે છે. પરિણામે સાંધા અને હાંડકામાં ઝડપથી ઘસારો અને દુખાવો થાય છે જેથી લાંબાગાળે સાંધાઓ નબળાં પડી જાય છે.
અનિંદ્રા અને શ્વાસોચ્છવાસને લગતી સમસ્યાઓના મૂળમાં પણ મેદસ્વિતા અગત્યનો ભાગ ભજવે છે.જીભ અને ગળાનાં ભાગે વધુ પડતી ચરબીનો ભરાવો, શ્વાસોચ્છવાસને અવરોધે છે અને ઉંધમાં ખેલેલ પહોંચાડે છે. જેનાં કારણે દિવસે પણ સુસ્તી અને માથાનાં દુખાવાની સમસ્યા ઉત્પન્ન થાય છે.
મેદસ્વી વ્યક્તિઓને અન્નનળીના માર્ગે એસિડ વહેવાની શક્યતા રહે છે જે પેટના ઉપરના આવેલા વાલ્વની નબળાઈ કે તેનાં પરનાં વધુ પડતાં ભારને કારણે ગેસ્ટ્રૉઈસોફેગલરિફલક્સ (છાતીમાં બળતરા) થાય છે.
આ ઉપરાંત ડિપ્રેશનને (હતાશા) પણ મેદસ્વિતા તાણી લાવે છે. ડાઈટિંગમાં વારંવાર મળતી નિષ્ફળતા, પરિવારનાં સભ્યો અને મિત્રો દ્વારા થતી અવગણના, અપરિચિત વ્યક્તિઓ દ્વારા થતી ટિપ્પણી, ચરબીને કાબૂમાં લાવવા માટે કરવા પડતાં સતત પ્રયાસો આ બધી બાબતો માનસિક દબાણ ઉભુ કરે છે પરિણામે દર્દી હતાશાનો શિકાર બને છે.
ફેટી લિવર અથવા લિવર સિરોસિસ ,લિવરના કોષોની આસપાસ ચરબી જમા થવાને કારણે ફેટી લિવરની બીમારી થવાની શક્યતા રહે છે. લિવરમાં રોજ વધારે ચરબી જમા થાય એટલે લિવરમાં સોજો આવવાની, ફાઈબ્રોસિસ અથવા સિરોસિસ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત, લિવરમાં સામાન્યથી ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે.
અન્ય સમસ્યાઓમાં અન્ય સમસ્યાઓમાં પગનો સોજો, ચામડીનું અલ્સર, મૂત્રનો અનિચ્છનીય વહાવ, અનિયમિત માસિક, લોઅર-એક્સટ્રીમિટી, વીનસ સ્ટેસીસ, ઈડિયોપથિક ઈન્ટ્રાક્રેનિઅલ હાઈપરટેન્શન (આઈ. આઈ. એચ.), ડિસલિપિડેમિયા (લિપિડ ચયાપચયમાં અસામાન્યતા), ફેફસાંના રોગો અને કૅન્સર જેવા રોગોનો સમાવેશ થાય છે.
આમ મેદસ્વિતા એ ખૂબ જ ગંભીર બની જાય છે માટે આજથી જ પૌષ્ટીક આહાર લો નિયમિત કસરત, યોગ, સાયકલિંગ, અને ચાલવાની આદતો અપનાવી આ મેદસ્વિતા નામનાં રાક્ષસનો નાશ કરો અને નિરોગી રહો.
