પ્રાકૃતિક કૃષિ તરફ વળેલા નવા ખેડૂતો માટે મુશ્કેલીઓ અને નિવારણ

હિન્દ ન્યુઝ, બોટાદ

             ખેડૂત મિત્રો, રાસાયણિક ખાતરોથી થકી ભયંકર હાનિકારક અસરોથી ખેતી અને મનુષ્યજીવનને બચાવી શકવાનો એકમાત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી છે છે. પ્રાકૃતિક ખેતી પાણી અને જમીનના દૂષણને ઘટાડી ઝેરી અવશેષોને પ્રવેશતા અટકાવે છે. ધરતીપુત્રો શરૂઆતમાં જ્યારે રાસાયણિક ખેતીથી પ્રાકૃતિક ખેતીમાં આવશે તો કેટલાક પ્રશ્નો અને સમસ્યાઓ આવશે. પરંતુ ખેડૂત મિત્રો, પ્રાકૃતિક કૃષિ તરફ કરેલા તમારા પ્રયત્નોની કાયમી અસર પડશે. તેથી તમારી પ્રતિબદ્ધતા દ્વારા ઉજ્જવળ, વધુ ટકાઉ ભવિષ્યની ખેતી કરી રહ્યાં છો તેવો વિશ્વાસ અવશ્ય રાખશો. બોટાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા પ્રાકૃતિક કૃષિ તરફ વળેલા નવા ખેડૂતો માટે મુશ્કેલીઓ અને નિવારણ શ્રેણી અંતર્ગત ચોથા માહિતીસભર લેખમાં આપણે જાણીશું લીમડાના મલમ વિશે. 

ફળઝાડના થડ ઉપર છાલ ફાટી જાય છે, તેની ઉપર તિરાડો પડે છે આ તિરાડોમાંથી બીમારી પેદા કરવાવાળા જંતુ અથવા ફૂગ ઝાડમાં પ્રવેશ કરે છે, તેના પરિણામે વૃક્ષ રોગગ્રસ્ત બને છે. આવી જ રીતે ઝડપથી વહેતી ગરમ હવા, શીત લહેર, ધોધમાર વરસાદ, સખત ઠંડી, સખત ગરમી આવા પ્રાકૃતિક આક્રમણથી અંદરની આંતરછાલને જખમ થાય છે. આવું નુકસાન નીમ મલમથી ટાળી શકાય છે. નીમ મલમના ઉપયોગ થકી થડની છાલ ઉપર તિરાડ નથી પડતી, તેમજ થડ ચમકતું અને રોગમુક્ત રહે છે.   

નીમ મલમ બનાવવાની પદ્ધતિ જોઈએ તો, ૫૦ લિટર પાણી લો, તેમાં ૨૦ લિટર ગૌમૂત્ર અને ૨૦ કિલો દેશી ગાયનું ગોબર નાખો, તેને સારી રીતે હલાવો. પછી તેમાં ૧૦ કિલો લીમડાના પાન અને ડાળીઓની ચટણી નાખો. ૧૦ કિલો સીતાફળનાં પાન અને ડાળીઓની ચટણી નાખો.૨૦૦ ગ્રામ હળદરનો પાવડર અને ૧૦ ગ્રામ હિંગનો પાવડર નાખો. આ મિશ્રણ સારી રીતે હલાવો. છાંયામાં ૪૮ કલાક રાખો તેના ઉપર વરસાદનું પાણી અને સૂર્યપ્રકાશ ન પડે તેની કાળજી રાખો. સવાર-સાંજ દિવસમાં બે વખત તેને એક મિનિટ માટે હલાવો. બે દિવસ પછી આ નીમ મલમ ફળઝાડના થડ ઉપર લગાવવા માટે તૈયાર થઈ જશે. આ નીમ મલમ તૈયાર થયા પછી બે દિવસની અંદર તેનો ઉપયોગ કરવાનો છે. આ નીમ મલમ વર્ષમાં ચાર વખત થડ ઉપર લગાવવાનો છે.

પહેલું લેપન : કૃત્તિકા નક્ષત્રમાં એટલે કે મે મહિનાના મધ્યમાં, પૂરા થડ ઉપર ચારે બાજુ નીમ મલમ લગાવી દો.

બીજું લેપન: હસ્ત નક્ષત્રમાં એટલે કે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં અને ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં.

ત્રીજું લેપન: સૂર્યના ઉત્તરાયણ પ્રવેશ સમયે એટલે કે ૨૧ ડિસેમ્બર થી ૧૪ જાન્યુઆરી મકરસંક્રાંતિ દરમ્યાન.

ચોથુ અને આખરી લેપનઃ હોળીથી ગુડી પડવા સુધી એટલે કે માર્ચના બીજ પખવાડિયાથી લઈને એપ્રિલના પહેલા પખવાડિયા સુધી. 

નીમ મલમ લગાવવાથી થડની છાલ ચમકતી સપાટ રહે છે. છાલ ઉપર તિરાડો પડતી નથી. હાનિકારક જંતુઓ અને ફૂગ અંદર પ્રવેશ કરતી નથી. છોડવા ઉપર તેલિયા બીમારી (bacterial blight) અને ગુંદરીયા (gummosis)ની બીમારી થતી નથી. તો ખેડૂત મિત્રો, આપ પણ આપની ખેતીમાં નીમ મલમનો અવશ્ય ઉપયોગ કરો. બોટાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા આ શ્રેણી અંતર્ગત આવતા અંકમાં આપણે આવી જ રસપ્રદ માહિતી મેળવીશું. 

Related posts

Leave a Comment