બોર્ડનો હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર ૧૮૦૦ – ૨૩૩ – ૫૫૦૦ ઉપર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકાશે
હિન્દ ન્યુઝ, આણંદ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી તારીખ ૨૭ મી ફેબ્રુઆરીથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ લેવામાં આવનાર છે.
આણંદ જિલ્લામાં આણંદ જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિના અધ્યક્ષ શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પરીક્ષાલક્ષી તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
આણંદ જિલ્લામાં ધોરણ ૧૦ માં ૩૧,૨૯૦, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૨,૬૦૯ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૪,૧૫૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.
જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદીએ જણાવ્યું છે કે, આ જાહેર પરીક્ષાઓના સુચારુ સંચાલન માટે એસએસસી પરીક્ષા માટે ૦૩ ઝોન તથા એચએસસી પરીક્ષા માટે ૦૧ ઝોન ની રચના કરવામાં આવી છે.
આ ઉપરાંત એસએસસી પરીક્ષામાં ૪૦ પરીક્ષા કેન્દ્રો, ૧૦૬ બિલ્ડિંગો અને ૧૧૨૦ બ્લોક તથા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૨૦ પરીક્ષા કેન્દ્રો, ૩૮ બિલ્ડીંગો અને ૪૧૭ બ્લોક તથા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ૦૫ પરીક્ષા કેન્દ્રો,૨૦ બિલ્ડીંગ અને ૨૧૩ બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે. જે પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાનાર છે તેવી બિલ્ડીંગો અને બ્લોકની ચકાસણી કરવામાં આવી છે.
પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે પ્રત્યેક પરીક્ષા કેન્દ્રોના પર પ્રવેશ દ્વારે અને વર્ગખંડમાં સીસીટીવી કેમેરાની સુવિધા રહેશે. વિદ્યાર્થીઓએ બિનજરુરી સાહિત્યને પરીક્ષા કેન્દ્રો ખાતે ન લાવવું જોઈએ. પરીક્ષા કેન્દ્રો પર પીવાનું શુદ્ધ પાણી, જરુરી દવા, ઓ.આર.એસ. સહિતની જરુરી પ્રાથમિક દવાઓ સાથે મેડિકલ ટીમની જરુરી વ્યવસ્થા અને સ્વચ્છ સેનિટેશનની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત પરીક્ષા ખંડ હવા ઉજાસ વાળો સ્વચ્છ રહેશે.
દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પ્રવેશ દ્વાર નજીકમાં જ ભોંય તળિયાના વર્ગખંડમાં બેસવાની સુવિધા રહેશે દરેક બ્લોક ખાતે દિવ્યાંગો માટે રેમ્પની સુવિધા રહેશે અને જે વિદ્યાર્થીઓને પરીક્ષા ના દિવસ પહેલા આકસ્મિક કોઈ અકસ્માત થવાથી હાથમાં તકલીફ થાય પાટો બાંધવો પડે તેમ હોય તેવા કિસ્સામાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા લહીયાની મંજૂરી આપવામાં આવશે.
પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ અને વાલીઓ બોર્ડનો હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૫૫૦૦ ઉપર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકાશે.
માનસિક તણાવ અનુભવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે જીવન આસ્થા હેલ્પલાઇન નંબર ૧૮૦૦ – ૨૩૩ – ૩૩૩૦, ૨૪×૭ કાર્યરત રહેશે.
બોર્ડનો હેલ્પલાઇન તા.૨૭ ફેબ્રુઆરી થી તા.૧૭ – માર્ચ સુધી કાર્યરત રહેશે, જરૂર જણાયે આ હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરવા જિલ્લા શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થીઓને અને વાલીઓને અપીલ કરી છે.