હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટનાં એક એવા દોડવીર ખેલાડીની જેઓ છેલ્લા ૧૩ વર્ષથી ખેલ મહાકુંભમાં ભાગ લઈ રહ્યા છે. જેનું નામ છે સ્નેહા દવે. રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર રાજકોટના ખેલાડી સ્નેહા દવેએ જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભના આયોજન કારણે યુવા રમતવીરોને સારું એવું પ્લેટફોર્મ પ્રાપ્ત થઈ રહ્યું છે. ખેલાડી તરીકેની મારી શરૂઆત પણ ખેલ મહાકુંભ થકી જ થઈ હતી. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષે કરાતું ખેલ મહાકુંભનું આયોજન પ્રશંસાને પાત્ર છે. જેના કારણે આજે ઘણા ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોતાનું કૌશલ્ય બતાવી શક્યા છે.
સ્નેહા દવેએ ખેલ મહાકુંભની પોતાની સફર વિશે વાતચીત કરતાં કહ્યું હતું કે, “હું ચોથા ધોરણમાં અભ્યાસ કરતી ત્યારે સૌ પ્રથમ વાર મે ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો. આ વર્ષે પણ વિજેતા થવાના લક્ષ્ય સાથે મે ૧૫૦૦ મીટર અને ૩ કિલોમીટરની દોડમાં ભાગ લીધો છે. આ ઉપરાંત બરોડા ઈન્ટર કોલેજ ટુર્નામેન્ટમાં ૧૫૦૦ મીટર અને ૮૦૦ મીટરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે અને અમદાવાદ યુથ ઓપન નેશનલ સ્પર્ધામાં ત્રણ કિલોમીટર રનીંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.