હિન્દ ન્યુઝ, દાહોદ
કલેકટર કચેરી, દાહોદ ખાતે કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને આઈસીડીએસ વિભાગની કામગીરીની સમીક્ષા હેતુ બેઠક યોજવામાં આવી હતી. આઈસીડીએસ વિભાગ દ્વારા તેમના વિભાગ તરફથી કરવામાં આવતી કામગીરી અંગેનું પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું. આંગણવાડીઓના બાંધકામ અંગેના આયોજનોના કામમાં થઇ ગયેલા કામો, બાકી રહેલા કામો અને કરવાના થતાં કામોની સમીક્ષા કરવામાં આવી હતી. કલેકટરએ જણાવ્યું હતું કે, બાળકોને તમામ ફેસીલીટી ઉપલબ્ધ રહે તે જરૂરી છે. જેમાં પીવાનું પાણી, પંખા, લાઈટ, શૌચાલય, બેસવા સહિતની તમામ વ્યવસ્થા ક્વોલીટી યુક્ત અને ટકાઉ રહે તે મુજબ આંગણવાડીનું સ્ટ્રક્ચર હોવું જોઈએ. વધુમાં નાના-મોટા પ્રશ્નો હોય તો ચર્ચા કરીને સોલ્યુશન લાવવા પ્રયત્નો કરવા જોઈએ. બાળકોને સમયસર દૂધ, નાસ્તો અને જમવાનું મળી રહે અને મોટાભાગના બાળકો આંગણવાડીએ આવતાં થાય એ મુજબ વિવિધ બાળ પ્રવૃતિઓ કરાવવી જોઈએ.
આ બેઠક દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ સહિત સીડીપીઓ ઉપસ્થિત રહ્યા હતા.
