હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના નિયામક સમાજ સુરક્ષા પ્રભાગ દ્વારા દિવ્યાંગોના સશક્તિકરણ માટે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યો છે. ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ની નવી શરૂ કરાયેલ યોજના અંતર્ગત, આજે છોટાઉદેપુર જિલ્લામાં ‘ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ’ ખાતે દિવ્યાંગ લાભાર્થીઓને આધુનિક મોટરાઈઝડ ટ્રાઈસિકલ અને જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
માનનીય મુખ્યમંત્રી દ્વારા આજે ગાંધીનગર ખાતેથી સમગ્ર રાજ્યમાં આ યોજનાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. જેનાં ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા કક્ષામાં આયોજિત કાર્યક્રમમાં જિલ્લાના દિવ્યાંગોને સાધન સહાય પૂરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે કુલ ૦૫ લાભાર્થીઓને મોટરાઈઝડ ટ્રાઈસિકલ અને ૦૨ લાભાર્થીઓને જોયસ્ટીક વ્હીલચેર એનાયત કરવામાં આવી હતી.
સમાજ સુરક્ષા વિભાગ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી દિવ્યાંગો હવે અન્ય પર નિર્ભર રહેવાને બદલે પોતે જ સ્વતંત્ર રીતે હરી-ફરી શકશે. આ આધુનિક સાધનોના ઉપયોગથી તેમના રોજિંદા જીવનમાં પડતી મુશ્કેલીઓ હળવી થશે અને સમાજમાં તેઓ ગૌરવભેર પુનઃસ્થાપિત થઈ શકશે.
