હિન્દ ન્યુઝ, સુરત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજરોજ સુરત શહેરના વલથાણ-પુણા ગામ સ્થિત વૃંદાવનધામ ખાતે શ્રી વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO)- સુરત તથા શ્રી દાસીજીવણ સત્સંગ મંડળ-સુરત દ્વારા આયોજિત “શ્રીમદ્ ભાગવત કથા”માં સહભાગી બન્યા હતા. મુખ્યમંત્રીએ વલ્લભકુલભુષણ વૈષ્ણવાચાર્ય પૂ. ગો. ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રીના આશીર્વાદ મેળવીને કથાનું શ્રવણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિકતાના પુનઃજાગરણનો નવો યુગ શરૂ થયો છે. ભાગવતકથાના સદ્દકાર્ય દ્વારા યુવા પેઢીમાં અધ્યાત્મ અને સંસ્કારના સિંચન માટે કાર્ય કરનારા વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન અને શ્રી દાસીજીવણ સત્સંગ મંડળને અભિનંદન પાઠવ્યા હતા.
વ્રજરાજકુમારજી મહારાજના માર્ગદર્શન હેઠળ શિક્ષણ, આરોગ્ય, ગરીબ કલ્યાણ જેવા ૨૦ ક્ષેત્રે દેશ-વિદેશમાં સેવા કાર્યો થઈ રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં સનાતન સંસ્કૃતિના સંરક્ષણ માટે અનેકવિધ કાર્યો કરી રહ્યા છે જે બદલ તેમણે અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા હતા. વડાપ્રધાનએ ‘ગુજરાતના વિકાસથી દેશના વિકાસ’ના ધ્યેયમંત્ર સાથે ગુજરાત આગળ વધી રહ્યું હોવાનું મુખ્યમંત્રીએ કહ્યું હતું.
વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહારાજશ્રીએ આશીર્વચન આપતા કહ્યું હતું કે, રાજય સરકાર દ્વારા અભ્યાસક્રમમાં શ્રીમદ્દ ભગવદ્દ ગીતાનો સમાવેશ કરવામાં આવ્યો છે, બાળકોમાં સંસ્કાર, નૈતિકતા અને આધ્યાત્મિક ભાવનાનું સિંચન કરશે. અભ્યાસમાં આ પહેલ બદલ તેમણે રાજ્ય સરકારને અભિનંદન પાઠવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશને વિકસિત ભારત બનાવવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે, ત્યારે આપણે સભ્ય નાગરિક તરીકે વિકાસની યાત્રામાં યોગદાન આપીએ એમ જણાવ્યું હતું. આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, ધારાસભ્ય કિશોરભાઈ કાનાણી તથા કાંતિભાઈ બલર, મેયર દક્ષેશભાઈ માવાણી, અગ્રણી સર્વ રમેશભાઈ ધડુક, નૈમેષભાઈ ધડુક, જિજ્ઞેશભાઈ પાટીલ તથા મોટી સંખ્યામાં શ્રોતાજનો ઉપસ્થિત રહ્યા હતા.