ડાંગના ૩૧૧ ગામોમા શ્રી હનુમાન મંદિરોના નિર્માણ યજ્ઞના વિચાર બિજનુ વાવેતર એટલે ‘ડાંગ પ્રયાગ, હનુમાન યાગ’ હનુમંત યજ્ઞ

હિન્દ ન્યુઝ, ડાંગ

વિચારબીજનું વાવેતર :

દંડકારણ્યની પાવન ધરા ઉપર વર્ષોથી ચાલતા, આદિવાસી સમાજની આરોગ્ય સુશ્રુષાના એક સેવાયજ્ઞ દરમિયાન, અંતરિયાળ વિસ્તારના એક ગામથી બીજે ગામ પસાર થતી વેળા એક ગામની સીમમા, ખુલ્લા આકાશ નીચે એક વૃક્ષના ટેકે ટકેલી હનુમાનજીની મુર્તિની દુર્દશા જોઈને, કારમા બેઠેલી બે વ્યક્તિઓના હ્રદય એક સાથે દ્રવી ઉઠ્યા. 

પોતાના ઈસ્ટદેવની આવી દશા જોઈને દ્રવિત થઇ ઉઠેલી આ વ્યક્તિઓએ, ભારે હ્રદયે આ બાબતે પરસ્પર ચર્ચા કરી. ત્યારે ખબર પડી કે દંડકારણ્ય એટ્લે કે આજના ડાંગ પ્રદેશમા, ગામે ગામ આ જ સ્થિતિ છે. ઘણુ કરવુ છે, થઈ શકે એમ છે, પણ કરે કોણ ? અને સહયોગ ક્યાંથી મળે ? 

કારમા બેઠેલા સેવાના ભેખધારી અને ડાયમંડ સિટી સુરતના શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશનના સ્થાપક, તથા જેમને ‘ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ’ પ્રાપ્ત થયો છે તેવા ડાયમંડ ટાયકુન, હીરા ઉત્પાદન અને આયાત નિર્યાત કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રા.લી.ના સ્થાપક ચેરમેન ગોવિંદભાઇ ધોળકિયાએ, પાસે બેઠેલા ભગવાધારી સંત શ્રી પી.પી.સ્વામીજીને નમ્ર ભાવે, પ્રભુ શ્રી રામ અને તેમના પરિવારના રખોપા કરનારા બાળ બ્રહ્મચારી શ્રી હનુમાનજીની મુર્તિ, અને તેમની માન મર્યાદાના રખોપાની વિનંતી કરી. બન્ને પરોપકારી જીવો ખૂબ રાજી થયા, અને ત્યાં જ ચાલુ ગાડીએ, ડાંગના ૩૧૧ ગામોમા શ્રી હનુમાન મંદિરોના નિર્માણ યજ્ઞના વિચારબિજનુ વાવેતર થયુ.

મંદિર નિર્માણ :

સમયનુ ચક્ર તેજ ગતિએ ફરતુ ગયુ. સેવાના ભેખધારીઓના મનમા રોપાયેલા વિચાર બીજને અંકુર ફૂટયા. મંદિરોના નિર્માણનું ભગીરથ કાર્ય શરૂ થયુ. સમયે સમયે પ્રસ્વેદ, પરિશ્રમ અને સહયોગીઓના સહયોગના ખાતર પાણી મળતા રહ્યા. જોત જોતામા એક, બે નહી પણ ચોવીસ તબક્કે નવનિર્મિત હનુમાનજી મંદિરોના પ્રાણ પ્રતિસ્ઠાના કાર્યક્રમો યોજાઇ પણ ગયા, અને હવે યોજાવા જઇ રહ્યો છે ‘ડાંગ પ્રયાગ, હનુમાન યાગ’ હનુમંત યજ્ઞનો પચ્ચીસમો પ્રાણ પ્રતિસ્ઠા મહોત્સવ.

હા, પચ્ચીસમો પ્રાણ પ્રતિસ્ઠા મહોત્સવ. આ અગાઉ યોજાઇ ગયેલા ચોવીસ પ્રાણ પ્રતિસ્ઠા મહોત્સવો દરમિયાન ડાંગ જિલ્લાના કુલ ૩૧૧ ગામો પૈકી, કુલ ૧૬૭ ગામોમા હનુમાન મંદિરોની પ્રાણ પ્રતિસ્ઠા થઈ ચૂકી છે. જ્યારે પચ્ચીસમા તબક્કે ૧૬૮ થી ૧૭૫ મંદિર (આઠ મંદિરો), આજે અહીથી હનુમાન ભક્તોને અર્પણ થઈ રહ્યા છે.

ઉદ્દેશ :

કાર્યક્રમના પ્રેરણામુર્તિ પ્રયોશા પ્રતિસ્ઠાનના સંસ્થાપક પી.પી.સ્વામીજી, અને સંકલ્પકર્તા ગોવિંદભાઇ ધોળકિયા સહિત આ યજ્ઞ કાર્યના ભેખધારીઓ દ્વારા, શ્રી હનુમાનજી મંદિરના નિર્માણ સાથે, ગ્રામીણજનોમા રહેલા વ્યસન સહિતના દૂષણને નેસ્તનાબૂદ કરવા સાથે તેમનામા પ્રેમ, કરુણા, એકતા, અને ભાઈચારા સાથે સંપની ભાવના કેળવાઈ તેવો પણ એક આશય રહેલો છે. ભક્તિ-સેવા-અને નામસ્મરણ સાથે ગ્રામીણ યુવાનોને રચનાત્મક માર્ગે વાળવાના પ્રયાસો પણ હાથ ધરાયા છે.

સામાજિક ચેતના :

ડાંગના લગભગ ત્રણેક લાખ લોકોમા સામાજિક ચેતના જગાવવા સાથે પ્રભુ શ્રી રામના ચરણરજથી પાવન થયેલી દંડકારણ્યની પાવન ભૂમિ ઉપર આકાર લઈ રહેલા આ હનુમાનજીના મંદિરોમા, વર્ષ દરમિયાન પ્રાણ પ્રતિસ્ઠા મહોત્સવ સહિત કાળી ચૌદશ અને હનુમાન જયંતિ તથા રામનવમી જેવા કાર્યક્રમોનુ પણ સુપેરે આયોજન કરવામા આવી રહ્યુ છે. મંદિર નિર્માણ કાર્યના અંદાજિત દસેક લાખના ખર્ચ સામે રૂ.૨૧ હજારનો ફાળો ગ્રામજનોનો હોય તેવો પણ આગ્રહ રાખવામા આવે છે. ફાળો લેવા પાછળ ગ્રામીણજનોની આસ્થા અને તેઓ પણ આ યજ્ઞકાર્યમા સહયોગી થયા છે તેવી તેમની ભાવના બળવત્તર થાય તે છે. મંદિરના માધ્યમથી સ્થાનિક જરૂરિયાતોની આપૂર્તિનો પણ સંકલ્પ પૂર્ણ કરવામા આવી રહ્યો છે. ગામમાથી મળેલા રૂ.૨૧ હજારની ફાળાની રકમમા, ચાર હજાર રૂપિયા ઉમેરી, રૂ.૨૫ હજારની રકમ મંદિરના સંચાલકોને રીવોલ્વીંગ ફંડ તરીકે આપવામા આવે છે. જે રકમ જરૂરિયાતના સમયે ગ્રામજનોને સંકટ સમયની સાંકળ તરીકે ખપમા આવે છે.

આત્મનિર્ભર સમાજ નિર્માણ :

ગ્રામ્ય સમાજને આત્મનિર્ભરતા તરફ દોરી જતા કાર્યો જેવા કે, ગામમા કોઈને ત્યાં નાનામોટા પ્રસંગો હોય ત્યારે વાસણ, મંડપ, ખુરશી, ડી.જે., જેવા સાધનો ટોકન ભાવે મંદિરના સંચાલકો પૂરા પાડે છે. તો કોઈક પરિવારને અડધી રાતે દવાખાના માટે કે, કોઈ યુવક/યુવતીઓને ઇન્ટરવ્યુ/પરીક્ષા આપવા જવા માટે નાણાંભીડ હોય, તો આ ભંડોળમાથી તેને આર્થિક મદદ મળી રહે છે. કોઈ ખેડૂતને ઇમરજન્સીમા ખાતરપાણી માટે જરૂર પડે તો તે પણ અહીથી મદદ લઈ શકે છે. આ આર્થિક મદદ પાછી ભરપાઈ કરવી જ તેવુ પણ જરૂરી નથી. મદદ મેળવનાર વ્યક્તિ સ્વેછાએ, જ્યારે એનો હાથ છૂટો થાય ત્યારે, તેની મદદ પરત વાળી શકે છે.

સામાજિક ચેતના જગવતા આ યજ્ઞ કાર્યની સફળતા જોઈએ તો કેટલાક ગામોના ગ્રામજનોએ તો સ્વયં, જો તેમના ગામમા કોઈ દેશી દારૂ બનાવતા માલૂમ પડે, તો રૂ.૧૦ હજારનો દંડ જાહેર કર્યો છે. જેનાથી ગામમા આવી પ્રવૃતિ સદંતર બંધ થઈ ગઈ છે. તો યુવાનોને સાચી દિશા ચીંધી શકાય તે માટે, જિલ્લાની ગ્રામ પંચાયતો દીઠ મંદિરની સાથે એક એક કૉમ્યુનિટી હોલનો પ્રોજેકટ પણ વિચારાધીન છે. આ કૉમ્યુનિટી હોલના માધ્યમથી ગામના યુવાનો માટે વાંચનાલય, કોમ્પ્યુટર શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કોચિંગ ક્લાસ જેવી બહુઉપયોગી પ્રવૃત્તિઓ હાથ ધરવા તરફ આગળ વધી રહ્યા છે.

Related posts

Leave a Comment